ગુમ થયેલી યુવતી બોલીઃ ‘હું સુરક્ષિત છું, માતાપિતાના આક્ષેપો ખોટા’

19 November, 2019 10:56 AM IST  |  Ahmedabad

ગુમ થયેલી યુવતી બોલીઃ ‘હું સુરક્ષિત છું, માતાપિતાના આક્ષેપો ખોટા’

નિત્યાનંદ આશ્રમ

નિત્યાનંદ આશ્રમમાંથી ગુમ થયેલી દક્ષિણ ભારતીય પરિવારની દીકરી નિત્યનંદિતા આખરે મીડિયા સામે આવી હતી. તેણે મીડિયા સામે આવીને પોતાનાં માતાપિતા જૂઠું બોલતાં હોવાનો આરોપ કર્યો છે. તેણે કહ્યું કે હું મારી મરજીથી ફરવા આવી છું અને મારાં માતાપિતા હળાહળ ખોટું બોલી રહ્યાં છે. હું મારા પરિવારની સમસ્યાઓથી કંટાળીને ઘર છોડીને નીકળી છું. બીજી તરફ નિત્યનંદિતાએ પોતાના લોકેશનની કોઈ માહિતી આપવાની સ્પષ્ટ ના પાડી હતી.

નિત્યનંદિતાએ સોશ્યલ મીડિયાની મદદથી વિડિયોમાં જણાવ્યું હતું કે ‘હું મરજીથી પ્રવાસે નીકળી છું. હું ખૂબ જ ખુશ છું. મારું અપહરણ નથી થયું. હું હાલ પ્રવાસમાં છું. મારાં માતા-પિતા તકલીફ ઊભી કરી રહ્યાં છે. પરિવારની સમસ્યા જાહેર કરી રહ્યાં છે. જગદીશ મારી માતા સાથે રહેતો હતો. મારા પિતાએ નાણાંની ઉચાપત કરી ત્યારથી વિવાદ સામે આવ્યો છે. મારું અપહરણ થયું હોવાની વાતો પાયાવિહોણી છે. મેં મરજીથી આ માર્ગ પસંદ કરેલો છે. મારાં માતાપિતાના તમામ આક્ષેપો ખોટા છે.’

નિત્યનંદિતાએ વિડિયોના આધારે મીડિયાને માહિતગાર કરી હતી કે છેલ્લા કેટલાય દિવસોથી અહેવાલોમાં ખોટો પ્રસાર થઈ રહ્યો છે. હું મારા લોકો સાથે સતત પ્રવાસ કરી રહી છું. મારું અપહરણ થયું હોવાની વાતો ખોટી છે. દુઃખ સાથે કહેવું પડે છે કે જનાર્દન અને મારાં માતાપિતા દ્વારા જે આક્ષેપો કરવામાં આવ્યા છે એ ખોટા છે.

૧૯ વર્ષની ઉંમરે મારામાં માધ્યમોને સામે ચાલીને જવાબ આપવાની ક્ષમતા નથી. હું મારી જાતને આ તનાવ અને ત્રાસથી દૂર રાખવા માગું છું તેથી હું પ્રવાસે નીકળી ગઈ છું. હું મારી સ્વેચ્છાએ બહાર નીકળી છું. મારું કોઈ અપહરણ થયું નથી.’

આ પણ વાંચો : ગુજરાત: સ્કૂલની આસપાસ ફાસ્ટ ફૂડ વેચવા પર મુકાશે પ્રતિબંધ

સ્વામી નિત્યાનંદના યોગિની સર્વાજ્ઞ પીઠમ આશ્રમમાં ચાર બાળકોને ગોંધી રાખવાના મામલે આશ્રમના સ્થાપક સ્વામી નિત્યાનંદ અને પ્રાણપ્રિયા તેમ જ પ્રિયાતત્વા સામે ગ્રામ્ય પોલીસે ગુનો નોંધ્યો છે. યુવતીના પિતાએ હાઈ કોર્ટમાં હેબિયસ કોર્પસની અરજી કરી છે જેની સુનાવણી આજે છે. ફરિયાદ નોંધાયા બાદ ફરિયાદી અને બાળકોના પરિવારે પોલીસને ધમકી મળી હોવાનું જણાવતાં ફરિયાદી અને બાળકોના પરિવારને પોલીસ રક્ષણ આપવામાં આવ્યું છે.

ahmedabad gujarat