30 May, 2025 10:24 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
મલેકસાબાન તળાવની આસપાસ બની ગયેલાં ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝર ફરી વળ્યાં હતાં અને દબાણો હટાવવામાં આવ્યાં હતાં.
અમદાવાદ શહેરમાં ચંડોળા તળાવ બાદ હવે મલેકસાબાન તળાવની આસપાસ ગેરકાયદેસર રીતે બની ગયેલા અકબરનગર પર ગઈ કાલે મ્યુનિસિપલ કૉર્પોરેશનનાં બુલડોઝર ચાલ્યાં હતાં અને કાચાં-પાકાં મકાનો તોડી પાડીને ૧૫,૨૦૦ ચોરસ મીટર જમીન દબાણમુક્ત કરવામાં આવી હતી.
અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા ગઈ કાલે સવારે ૬ વાગ્યાથી બાપુનગર વૉર્ડમાં આવેલા મલેકસાબાન તળાવ પાસે કૉર્પોરેશનની માલિકીની જમીન પર ગેરકાયદેર રીતે અકબરનગરના છાપરા તરીકે ઓળખાતાં આશરે ૪૫૦ કાચાં-પાકાં રહેણાક અને ગેરકાયદે કમર્શિયલ બાંધકામો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.