13 May, 2026 09:29 PM IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)
ગુજરાતના અમદાવાદમાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક વર્ષ સુધી લોકોને સોનાના દાગીના ન ખરીદવાની અપીલ કરી છે, ત્યારે અમદાવાદના નિકોલ વિસ્તારમાં એક જાણીતા જ્વેલરી શોરૂમમાં કામ કરતી એક મહિલા સેલ્સ ગર્લ 1.5 કરોડ રૂપિયાના દાગીના લઈને ભાગી ગઈ. ખૂબ જ સુંદર દેખાતી સેલ્સ ગર્લ છેલ્લા 11 મહિનાથી શોરૂમમાં કામ કરતી હતી અને તક મળતા જ તે પોતાના સુટ-પેન્ટમાં છુપાયેલી વીંટી, ચેન, લકી ચાર્મ્સ, પાયલ અને મંગળસૂત્ર લઈને ભાગી ગઈ હતી. આ ઘટના CCTVમાં કેદ થઈ ગઈ છે. સેલ્સ ગર્લ દ્વારા ચોરાયેલા સોનાના દાગીનાની કિંમત 1.5 કરોડ રૂપિયાથી વધુ હોવાનો અંદાજ છે.
તાજેતરમાં, ગુજરાતની સુરક્ષિત જેલોમાંની એક અમદાવાદની હાઈ સિક્યૉરિટી જેલમાંથી આજીવન કેદની સજા કાપી રહેલો એક કેદી ફરાર થઈ જતાં જેલનું તંત્ર દોડતું થઈ ગયું હતું. કેદી માલદે પરમાર જેલમાંથી નાસી જતાં જેલના સત્તાવાળાઓ અને જેલની સુરક્ષાવ્યવસ્થા સામે પ્રશ્નો ઊભા થયા છે. ફરાર થઈ ગયેલા કેદી સામે રાણીપ પોલીસ-સ્ટેશનમાં ગુનો નોંધાતાં ફરાર થઈ ગયેલા કેદીની પોલીસે શોધખોળ શરૂ કરી છે.
સાબરમતી જેલમાં બડા ચક્કરમાં યાર્ડ-નંબર ૪માં ૩૩ કેદીઓ હતા. આ કેદીઓની ગણતરી કરવામાં આવી રહી હતી ત્યારે એક કેદી ઓછો જણાઈ આવ્યો હતો. તેની તપાસ કરતાં માલદે પરમાર નામનો કેદી મળી આવ્યો નહોતો. જેલના કર્મચારીઓએ તેની જેલમાં શોધખોળ શરૂ કરી હતી, પરંતુ તે મળી આવ્યો નહોતો. દરમ્યાન ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનું ફુટેજ ચેક કરતાં જણાયું હતું કે માલદે પરમાર બડા ચક્કર યાર્ડમાંથી બહાર નીકળીને ગમે એમ કરીને મેન ગેટની બહાર નીકળી ગયો હતો. ઉલ્લખનીય છે કે માલદે પરમાર સામે હત્યા અને પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રૉમ સેક્સ્યુઅલ ઑફેન્સિસ (POCSO) ઍક્ટ હેઠળ સહિતના ગુના નોંધાયા છે અને તેને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી. ૨૦૨૫થી તે સાબરમતી જેલમાં હતો.
બીજા એક કિસ્સામાં સુરતના વરાછામાં લંબે હનુમાન રોડ પર આવેલી સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાની બ્રાન્ચમાં પિસ્તોલ સાથે આવેલા પાંચથી છ જેટલા લૂંટારાઓએ ધાડ પાડી હતી. આ લૂંટારાઓ બૅન્કના કર્મચારીઓને બંધક બનાવીને અંદાજે ૫૦ લાખ રૂપિયાની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા હતા. લૂંટની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ-અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે ધસી ગયો હતો અને સુરતમાં નાકાબંધી કરીને લૂંટારાઓને ઝડપી લેવા કવાયત હાથ ધરવામાં આવી હતી. લૂંટની આ ઘટના ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરામાં કેદ થઈ ગઈ છે. બૅન્કમાં આવતી કૅશ વૅનની રેકી કરીને લૂંટારાઓએ આ ઘટનાને અંજામ આપ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. લૂંટારાઓ બૅન્કમાં પિસ્તોલ સાથે પ્રવેશ્યા હતા અને બૅન્કના કર્મચારીઓના મોબાઇલ ફોન લઈ લીધા હતા. ત્યાર બાદ અંદાજે ૫૦ લાખ રૂપિયા જુદા-જુદા ત્રણ થેલામાં ભરીને નાસી ગયા હતા.