અમેરિકા સે આજ આયેગા મોદી કા દોસ્ત:ડોનલ્ડ ટ્રમ્પને આવકારવા શાનદાર તૈયારી

24 February, 2020 07:44 AM IST  |  Ahmedabad

અમેરિકા સે આજ આયેગા મોદી કા દોસ્ત:ડોનલ્ડ ટ્રમ્પને આવકારવા શાનદાર તૈયારી

ટ્રમ્પ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ ૨૪ ફેબ્રુઆરીએ એટલે આજે અમદાવાદ ઍરપોર્ટ પર ઊતરશે ત્યારે તેમનું સ્વાગત કરવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ટ્રમ્પથી એક કલાક પહેલાં અમદાવાદ આવશે. પહેલાં એવા સમાચાર હતા કે નરેન્દ્ર મોદી રવિવારે સાંજે જ અમદાવાદ આવવાના હતા, પરંતુ છેલ્લી ઘડીએ પીએમ મોદીના પ્લાનમાં ફેરફાર કરવામાં આવ્યો છે. નરેન્દ્ર મોદી આવતી કાલે ડોનલ્ડ ટ્રમ્પને આવકારવા માટે અમદાવાદ ઍરપોર્ટ પર પહોંચશે અને ઍરપોર્ટથી જ મોટેરા સ્ટેડિયમ સુધી રોડ-શો યોજાશે. ગાંધી આશ્રમના ટ્રસ્ટીએ દાવો કર્યો છે કે ટ્રમ્પ ગાંધી આશ્રમ ૧૫ મિનિટ માટે પણ આવશે. પોલીસ દ્વારા ગાંધી આશ્રમ ખાતે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

ટ્રમ્પ મોટેરા સ્ટેડિયમમાં લોકોને સંબોધિત કરશે. ટ્રમ્પ આગરા જઈને તાજમહેલનો પણ દીદાર કરશે. વડા પ્રધાને રવિવારે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખના સ્વાગતમાં લખ્યું કે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પના સ્વાગત માટે ઉત્સુક છે, આ સન્માનની વાત છે કે તેઓ કાલે આપણી સાથે હશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પના રોડ-શો વિશે મહત્વના સમાચાર સામે આવ્યા છે. અગાઉ એવી માહિતી આવી હતી કે રોડ-શો બાવીસ કિલોમીટરનો નહીં પરંતુ ૯ કિલોમીટરનો રહેશે. પરંતુ હવે મ્યુનિસિપલ કમિશનરે જે જાહેરાત કરી છે એ મુજબ આ રોડ-શો ૯ કિલોમીટરનો નહીં પરંતુ બાવીસ કિલોમીટરનો જ રહેશે.

ટ્રમ્પ ફિવર: એમ્યુઝમેન્ટ પાર્કમાં મોદી અને ટ્રમ્પના માસ્ક પહેરીને બેસેલાં બાળકો.

રોડ-શો દરમિયાન કોઈ પણ પ્રકારની અનૈતિક ઘટના ન ઘટે એ માટે સમગ્ર રૂટ પર જૅમર લગાવવામાં આવશે. આ જૅમર લગાવ્યા બાદ જ્યારે ટ્રમ્પ દંપતી અને મોદી આ રૂટ પર નીકળશે ત્યારે આસપાસના મોબાઇલ બંધ થઈ જશે તેમ જ ડ્રોન પણ ઊડી નહીં શકે. ત્યારે કોઈ અસામાજિક તત્ત્વો રોડ-શોમાં અડચણ ઊભી ન કરે એ માટે ખાસ ફેસ રેકગ્નાઇઝિંગ કૅમેરા લગાવવામાં આવશે. આ કૅમેરા રૂટના તમામ રસ્તાઓ પર બાજનજર રાખશે અને કોઈ ગુનેગારનો રૂટ પર દેખાશે તો તેની જાણ થઈ જશે. ટ્રમ્પના આગમન બાદ પણ ૩ હેલિકૉપ્ટર અમદાવાદ શહેરનું સતત પૅટ્રોલિંગ કરશે.

બીજી તરફ હવામાન વિભાગની આગાહી અનુસાર ૨૪ ફેબ્રુઆરીએ અમદાવાદમાં ૩૫ ડિગ્રી ગરમીનો અંદાજ છે. ત્યારે હવે સવાલ એ છે કે સવારે ૮-૯ વાગ્યાથી સ્ટેડિયમમાં બેસેલા લોકોની સાંજ સુધીમાં કેવી હાલત થશે. ટ્રમ્પનો કાર્યક્રમ માત્ર ૩ કલાકનો છે, પરંતુ આમંત્રિત લોકોએ ૩૫ ડિગ્રીની તપતી ગરમીમાં ૬ કલાક સુધી સ્ટેડિયમમાં બેસી રહેવું પડશે.

ડોનલ્ડ ટ્રમ્પે બાહુબલી થીમ પર બનેલો વિડિયો શૅર કર્યો

ભારત પ્રવાસ માટે રવાના થયાના થોડાક કલાક પહેલાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરીને કહ્યું કે તેઓ ભારતમાં પોતના મહાન મિત્રોને મળવા માટે આતુર છે. ટ્રમ્પે એક અનવેરિફાઇડ ટ્વિટર અકાઉન્ટ સોલના એક વિડિયોને રીટ્વીટ કર્યો છે. આ વિડિયોમાં દક્ષિણના અભિનેતા પ્રભાસની ફિલ્મ બાહુબલીના સીનનું સંપાદન કરવામાં આવ્યું છે.

આ વિડિયોમાં ટ્રમ્પને બાહુબલી તરીકે દર્શાવવામાં આવ્યા છે. સાથોસાથ ઇવાન્કા, મેલાનિયા અને ટ્રમ્પના જમાઈ કુશનરને પણ દર્શાવવામાં આવ્યા છે. આ પહેલાં ટ્રમ્પ, બૉલીવુડ ફિલ્મ ‘શુભ મંગલ ઝ્યાદા સાવધાન’ની પણ ટ્વિટર પર પ્રશંસા કરી ચૂક્યા છે.

ટ્રમ્પ માટે ખમણ-ઢોકળાં, સમોસાં બનાવશે

યુએસ પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પ ગાંધી આશ્રમ જશે ત્યારે તેમને ત્યાં હળવા નાસ્તારૂપે ગુજરાતી-પંજાબી ફ્યુઝન ફૂડ પીરસવામાં આવશે. આ નાસ્તો તૈયાર કરવાની સઘળી જવાબદારી ફૉર્ચ્યુન લૅન્ડમાર્ક હોટેલના શેફ સુરેશ ખન્નાને સોંપવામાં આવી છે. શેફ ખન્ના આ પ્રસંગે ટ્રમ્પની સાથે આવી રહેલાં તેમનાં પત્ની મેલાનિયા ઉપરાંત વડા પ્રધાન નરેન્દ્ર મોદી માટે પણ સમયને અનુરૂપ નાસ્તો તૈયાર કરશે.

શેફ સુરેશ ખન્નાએ જણાવ્યું હતું કે બપોરના સમયને ધ્યાનમાં રાખીને લાઇવ સ્નૅક્સ તૈયાર કરવામાં આવશે. આ માટે ગુજરાતી-પંજાબી ફ્યુઝન નાસ્તો તૈયાર કરવાની મુખ્ય થીમ છે. ગુજરાતમાં કોઈ મોંઘેરા મહેમાન આવે અને તેમને ખમણ-ઢોકળાં પીરસવામાં ન આવે એ કેવી રીતે બને? આ કારણથી જ ટ્રમ્પ દંપતીને નાસ્તામાં ખમણ-ઢોકળાં ઉપરાંત પંજાબી સમોસા પણ પીરસવામાં આવશે. આ સિવાય સીઝનલ ઑરેન્જ જૂસ ઉપરાંત નારિયેળપાણી પણ ઑફર કરાશે. આ સીઝનમાં નારિયેળપાણી ઉત્તમ ગણાય છે, કારણ કે એનાથી શરીરમાં ગરમીને લીધે ખનિજની કમી દૂર થાય છે.

સાબરમતી આશ્રમની મુલાકાત લેનાર પહેલા અમેરિકન પ્રમુખ બનશે ડોનલ્ડ ટ્રમ્પ

અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ આજે અમદાવાદમાં આવી રહ્યા છે ત્યારે તેઓ અમદાવાદમાં સાબરમતી આશ્રમની મુલાકાત લેનાર પહેલા અમેરિકન પ્રમુખ બનશે. તેઓ આશ્રમમાં ૧૫ મિનિટનું રોકાણ કરશે અને વિશ્વ વિભૂતિ મહાત્મા ગાંધીજીએ સ્થાપેલા સાબરમતી આશ્રમમાં હૃદયકુંજ અને સાબરમતી ઘાટની મુલાકાત કરશે.

સાબરમતી આશ્રમ પ્રિઝર્વેશન ઍન્ડ મેમોરિયલ ટ્રસ્ટના ડિરેક્ટર અતુલ પંડ્યાએ ‘મિડ ડે’ને કહ્યું હતું કે ‘અમેરિકાના પ્રમુખપદે હાલમાં ચાલુ હોય અને સાબરમતી આશ્રમની મુલાકાતે આવતા હોય એવા આ પ્રથમ અમેરિકન પ્રમુખ છે. આ પહેલા અમેરિકાના પૂર્વ પ્રમુખ બિલ ક્લિન્ટને આશ્રમની મુલાકાત લીધી છે, પરંતુ એ વખતે તેઓ અમેરિકાના પ્રમુખપદે નહોતા. આશ્રમ વતી ડોનલ્ડ ટ્રમ્પનું સૂતરની આંટીથી સ્વાગત કરવામાં આવશે અને ગાંધીબાપુની આત્મકથાનું પુસ્તક તેમ જ ચરખાની પ્રતિકૃતિ ભેટ આપવામાં આવશે.’

ઉલ્લેખનીય છે કે છેલ્લાં છએક વર્ષમાં વિદેશના કેટલાય મહાનુભાવો સાબરમતી આશ્રમની મુલાકાતે આવ્યા છે જેમાં ચીનના પ્રેસિડન્ટ શી જિન્પિંગ, જપાનના વડા પ્રધાન શિન્ઝો આબે, ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતાન્યાહુ, કૅનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો સહિતના મહાનુભાવોનો સમાવેશ થાય છે.

ahmedabad gujarat donald trump narendra modi united states of america motera stadium