અમેરિકાના મોસ્ટ વૉન્ટેડનું લિસ્ટ જાહેર, ભદ્રેશ પટેલનું નામ લિસ્ટમાં

20 October, 2019 11:23 AM IST  |  અમદાવાદ

અમેરિકાના મોસ્ટ વૉન્ટેડનું લિસ્ટ જાહેર, ભદ્રેશ પટેલનું નામ લિસ્ટમાં

ભદ્રેશ પટેલ

ગુજરાત સાથે જોડાયેલા એક ભદ્રેશ પટેલને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. અમેરિકાના ટૉપ-ટગન મોસ્ટ વૉન્ટેડનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ લિસ્ટમાં ગુજરાતના ભદ્રેશ પટેલનું નામ લિસ્ટમાં છે. એફબીઆઇની વેબસાઈટ પર ભદ્રેશ પટેલનું નામ સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

એફબીઆઇની વેબસાઇટ પર ભદ્રેશ પટેલના ફોટા સાથે નામ લિસ્ટમાં છે. તમને જણાવીએ કે ભદ્રેશ પટેલે અમેરિકામાં તેની પત્નીની હત્યા કરી નાખી હતી. અમેરિકાના હેનોવરમાં છરીના ઘા ઝીંકી હત્યા કરી હતી. એફબીઆઇની વેબસાઇટ પર જે ગુજરાતના ભદ્રેશ પટેલનું નામ છે, તે મૂળ વિરમગામ પાસેના કાતરોડી ગામનો વતની છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે અમેરિકાની ટોચની એજન્સી ફેડરલ બ્યુરો ઑફ ઈન્વેસ્ટિગેશન ભારતીય ભાગેડુ ભદ્રેશકુમાર પટેલને છેલ્લાં ચાર વર્ષથી શોધી રહી છે. ભદ્રેશ પટેલ અમદાવાદ-વિરમગામનો વતની છે. તેનું નામ એફબીઆઇના ટૉપ-ટેન મોસ્ટ વૉન્ટેડ ભાગેડુના લિસ્ટમાં સામેલ છે અને તેની બાતમી આપનારને સરકાર ૧,૦૦,૦૦૦ ડૉલર એટલે કે અંદાજે ૭૦ લાખ રૂપિયાનું ઈનામ આપશે. એફબીઆઇની દૃષ્ટિએ પટેલ એક કૉલ્ડ-બ્લડેડ મર્ડરર છે અને ખૂબ જ ખતરનાક ગુનેગાર છે, જેણે હેનોવરના ડંકિન ડોનટ્‌સ સ્ટોરમાં પોતાની યુવાન પત્નીની વિચિત્ર રીતે હત્યા કરી હતી.

ટૉપ-ટેન મોસ્ટ વૉન્ટેડ લિસ્ટ સતત બદલાતું રહેતું હોય છે પરંતુ ભદ્રેશ પટેલ એક જગ્યાએથી બીજી જગ્યાએ ભાગ્યા કરતો હોવાથી તેનું નામ એફબીઆઇના ૨૦૧૯ના લિસ્ટમાં પણ છે. આ લિસ્ટમાં ખૂબ જ ખતરનાક ગુનેગારોનાં નામ સામેલ છે. પટેલનું નામ સૌથી પહેલાં ૨૦૧૭ના ટૉપ-ટેન લિસ્ટમાં આવ્યું હતું.

ભદ્રેશ પટેલે અમેરિકામાં કરેલા ગુના વિશે જણાવીએ તો, અમેરિકાના હેનોવરમાં ૪ વર્ષ પહેલાં અમદાવાદના ભદ્રેશ પટેલે પોતાની પત્ની પલક પટેલની છરીના ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી. હજી ભદ્રેશ ઝડપાયો નથી, તેને શોધવા માટે અમેરિકન એમ્બેસીની એક ટીમ અમદાવાદ આવી હતી અને પલકના પરિવારને મળીને ભદ્રેશ ક્યાં હોઈ શકે તે જાણવા કોશિશ કરી હતી.

આ ઘટનાની વિગત એવી છે કે, નવાવાડજમાં રહેતી પલક (૨૧ વર્ષ)નાં લગ્ન નવેમ્બર ૨૦૧૩માં ચેનપુર, ન્યૂ રાણીપના ભદ્રેશ પટેલ (૨૪ વર્ષ) સાથે થયાં હતાં. લગ્નના છ મહિના બાદ બન્ને અમેરિકા જતાં રહ્યાં હતાં અને હેનોવરનાં એક એપાર્ટમેન્ટમાં રહેવાનું શરૂ કર્યું હતું. આ દંપતીને ડંકિન ડોનટ્‌સ કંપનીમાં નોકરી મળી ગઈ હતી.

આ પણ વાંચો : તીથલ સહિતના દરિયાકિનારા પર 21 ઑક્ટોબરથી બીચ ફેસ્ટિવલ યોજાશે

જો કે લગ્નના થોડા દિવસોમાં જ બંને વચ્ચે ઝઘડા થવા લાગ્યા હતા. દરમ્યાન ૧૨ એપ્રિલ ૨૦૧૫ના દિવસે રાત્રે ૧૦.૩૦ કલાકે હેનોવરના એરુનડેલ મિલ્સ બૌલ્વાર્ડ સ્થિત ડંકિન ડોનટ્‌સ કંપનીમાં ભદ્રેશે કિચન વિભાગમાં ઊભેલી પત્ની પલકને છરીના ચારથી પાંચ ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધી હતી.

ahmedabad gujarat