થર્ડ જેન્ડરને ન્યાય અપાવવા માટે હું ચૂંટણી લડું છું અને લડતો રહીશ

24 May, 2019 08:33 AM IST  |  અમદાવાદ | શૈલેષ નાયક

થર્ડ જેન્ડરને ન્યાય અપાવવા માટે હું ચૂંટણી લડું છું અને લડતો રહીશ

કિન્નર રાજુમાતાજી

ગુજરાતમાં થર્ડ જેન્ડરના એકમાત્ર ઉમેદવાર જયસ્વાલ નરેશકુમાર ઉર્ફે રાજુમાતાજીએ અમદાવાદ-પૂર્વની લોકસભાની બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણીમાં ઉમેદવારી કરી હતી. તેઓ આ બેઠક પરથી હારી ગયા હોવા છતાં હિંમત હાર્યા વગર ફરી ચૂંટણીમાં ઝંપલાવશે.

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારી કરી ચૂંટણી લડનાર એકમાત્ર કિન્નર જયસ્વાલ નરેશકુમાર બાબુલાલ ઉર્ફે રાજુમાતાજી કેમ ચૂંટણી લડી રહ્યા છે એના જવાબમાં રાજુમાતાજીએ ગઈ કાલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘થર્ડ જેન્ડરને ન્યાય અપાવવા માટે હું ચૂંટણી લડું છું. થર્ડ જેન્ડરને ન્યાય મળતો નથી એટલે હું ચૂંટણી લડું છું. આ પહેલી વાર નથી, આ પહેલાં પણ હું ૨૦૧૫માં અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણી લડ્યો હતો. ૨૦૧૭માં અમદાવાદની બાપુનગર વિધાનસભાની બેઠક પરથી ચૂંટણી લડ્યો હતો અને હવે હું ફરી અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણી લડીશ.’

અમદાવાદમાં એલ. ડી. એન્જિનિયરિંગ કૉલેજમાં મતગણતરી-કેન્દ્ર પર હાજર રહેલા રાજુમાતાજીએ વધુમાં કહ્યું હતું કે ‘મહિલાઓને ૩૩ ટકા અનામત મળે તો થર્ડ જેન્ડર માટે શું? હજાર રૂપિયા પેન્શન આપવાનું કિન્નરોની મીટિંગમાં ત્રણ વર્ષ પહેલાં કહ્યું હતું, પરંતુ હજી કશું થયું નથી. અમારે મકાન લેવું હોય તો શું? જે કિન્નરો કૅપેબલ નથી એ બધા માટે મારે કંઈક કરવું છે. મહિલાઓને પકડવા માટે મહિલા પોલીસ છે તો થર્ડ જેન્ડર માટે પોલીસમાં ભરતી શરૂ કરો.’

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરાહના કરતાં રાજુમાતાજીએ કહ્યું કે ‘મોદી ગ્રેટ માણસ છે. તેઓ સારા માણસ છે એટલે તો નંબર-વન રહ્યા, પણ તેમના નામે લૂંટનારાઓ બહુ છે. જોકે મોદી છે ત્યાં સુધી મોદી ચાલશે.’

આ પણ વાંચો : ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામની તારીખ જાહેર

અમદાવાદ-પૂર્વની લોકસભાની બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડનાર ગુજરાતમાં થર્ડ જેન્ડરના એકમાત્ર ઉમેદવાર જયસ્વાલ નરેશકુમાર ઉર્ફે રાજુમાતાજી.

ahmedabad gujarat Lok Sabha Election 2019