જો હું ચરખો ચલાવવા બેસીશ તો દોરો તૂટી જશે: ડોનલ્ડ ટ્રમ્પ

25 February, 2020 07:37 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

જો હું ચરખો ચલાવવા બેસીશ તો દોરો તૂટી જશે: ડોનલ્ડ ટ્રમ્પ

અમદાવાદમાં આવેલા સાબરમતી આશ્રમમાં ગઈ કાલે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે ચરખા પર હાથ અજમાવ્યો હતો. એ પ્રસંગની તસવીરમાં ડાબેથી વડા પ્રધાન નરેન્દ્ર મોદી, મેલાનિયા ટ્રમ્પ, આશ્રમનાં કમ્યુનિકેટર લતા પરમાર, પ્રતિમા વોરા અને ડોનલ્ડ ટ્રમ્પ.

ભારતના અમદાવાદમાં આવેલા વિશ્વ પ્રસિદ્ધ સાબરમતી આશ્રમમાં ગાંધીબાપુને પ્રિય એવા રેંટિયા પર હાથ અજમાવતા પહેલાં ગઈ કાલે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે નિખાલસતાથી કહ્યું હતું કે ‘હું ચરખો ચલાવવા બેસીશ તો દોરો તૂટી જશે.’

વિશ્વ વિભૂતિ અને દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ સ્થાપેલા સાબરમતી આશ્રમની મુલાકાતે આવેલાં ડોનલ્ડ ટ્રમ્પ અને તેમનાં પત્ની મેલાનિયાએ આશ્રમમાં આવેલા હૃદયકુંજમાં ચરખો ચલાવવાનો અનુભવ કર્યો હતો. ડોનલ્ડ ટ્રમ્પ ચરખો ચલાવી શકે એ માટે હૃદયકુંજના ઓટલા પર ટ્રમ્પ માટે સ્પેશ્યલ સ્ટેજ બનાવ્યું હતું. સામાન્ય સંજોગોમાં કોઈ પણ દેશના મહાનુભાવ આવતા હોય છે ત્યારે નીચે ગાદી પર બેસી પલાંઠી વાળીને ચરખો ચલાવતા હોય છે, પરંતુ ડોનલ્ડ ટ્રમ્પ નીચે પલાંઠી વાળીને બેસી શકે તેમ ન હોવાથી તેમના માટે ખાસ સ્ટેજ બનાવ્યું હતું. ડોનલ્ડ ટ્રમ્પ અને મેલાનિયા ટ્રમ્પને ચરખો કેવી રીતે ચાલે છે અને રૂની પૂણીમાંથી દોરો કેવી રીતે બને છે એ જોવામાં અને જાણવામાં રસ પડ્યો હતો. મેલાનિયા ચરખાનું વ્હીલ ફેરવતાં હતાં અને ટ્રમ્પે રૂમાંથી દોરો બને એનો અનુભવ કર્યો હતો. આ દરમ્યાન સાબરમતી આશ્રમનાં કમ્યુનિકેટર લતા પરમારે ટ્રમ્પનો હાથ પકડીને રૂ કાંતતાં શીખવ્યું હતું. આશ્રમનાં કમ્યુનિકેટર લતા પરમાર અને પ્રતિમા વોરાએ ચરખા વિશે તેમને જાણકારી આપી હતી.

લતા પરમારે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જ્યારે ડોનલ્ડ ટ્રમ્પ અને મેલાનિયા હૃદયકુંજમાં મૂકેલા ચરખા પાસે આવ્યાં ત્યારે વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અમને બોલાવીને કહ્યું હતું કે તેમને ચરખા વિશે જણાવો. ત્યારે તેમને ચરખાની માહિતી આપતાં એક હાથે વ્હીલ કેવી રીતે ફેરવવું અને એની સાથે બીજા હાથથી રૂની પૂણીમાંથી દોરો કેવી રીતે બને એની જાણકારી આપી હતી. ડોનલ્ડ ટ્રમ્પે નિખાલસતાથી એમ કહ્યું હતું કે હું બેસીશ તો દોરો તૂટી જશે. જોકે તેમનો હાથ પકડીને રૂની પૂણીમાંથી દોરો કેવી રીતે બને એ મેં શીખવ્યું હતું. દોરો લાંબે સુધી ખેંચીને કહ્યું કે હવે અહીં તમે દોરાને પકડી રાખો જેથી દોરો મજબૂત થશે.’

લતા પરમારે વધુમાં કહ્યું હતું કે ‘ડોનલ્ડ ટ્રમ્પ સાથે વાત કરતાં એવું લાગ્યું નહીં કે તેઓ અમેરિકાના રાષ્ટ્રપતિ હશે. તેમણે બહુ સરળતાથી વાત કરીને ચરખા વિશે જાણકારી મેળવી હતી.’

આશ્રમનાં કમ્યુનિકેટર પ્રતિમા વોરાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ડોનલ્ડ ટ્રમ્પે જાણકારી માટે સહજતાથી એવો પ્રશ્ન કર્યો હતો કે ચરખા પર કામ કરતાં દોરો તૂટી જાય તો શું કરવાનું? ત્યારે તેમને સમજાવ્યું હતું કે ફરીથી રૂની પૂણી પર દોરો મૂકીને ચરખો ચલાવવાનો એટલે ઑટોમૅટિકલી દોરો એમાં જૉઇન્ટ થઈ જાય.’

ahmedabad gujarat donald trump narendra modi shailesh nayak motera stadium