માતૃભાષા દિવસે અમદાવાદમાં હાથીની અંબાડી પર યોજાઈ ગ્રંથયાત્રા

22 February, 2023 11:11 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

થલતેજ પ્રાથમિક સ્કૂલમાંથી નીકળેલી ગ્રંથયાત્રામાં પ્લૅકાર્ડ સાથે વિદ્યાર્થીઓ, શિક્ષકો, પ્રધાનો, અધિકારીઓ અને કૉર્પોરેશનના પદાધિકારીઓ તેમ જ આગેવાનો જોડાયા 

અમદાવાદમાં ગઈ કાલે વિશ્વ માતૃભાષા દિવસે હાથીની અંબાડી પર ગ્રંથયાત્રા યોજાઈ હતી.

અમદાવાદ : માતૃભાષા દિવસે અમદાવાદમાં હાથીની અંબાડી પર ગ્રંથયાત્રા યોજાઈ હતી. શહેરની થલતેજ પ્રાથમિક સ્કૂલમાંથી નીકળેલી ગ્રંથયાત્રામાં પ્લૅકાર્ડ સાથે વિદ્યાર્થીઓ, શિક્ષકો, પ્રધાનો, અધિકારીઓ અને કૉર્પોરેશનના પદાધિકારીઓ તેમ જ આગેવાનો જોડાયા હતા અને વિશ્વ માતૃભાષા દિવસની ઉત્સાહ-ઉમંગ સાથે કરાઈ ઉજવણી, જેમાં માતૃભાષાનું મહત્ત્વ સમજાવવા સાથે લોકગીતો, હાલરડાં અને ભજનની રમઝટ જામી હતી.

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ અને અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ દ્વારા ગઈ કાલે ‘મારી ભાષા, મારું ગૌરવ’ અંતર્ગત વિશ્વ માતૃભાષા દિવસની ઉત્સાહ-ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી હતી. થલતેજ પ્રાથમિક સ્કૂલથી હાથીની અંબાડી પર વિવિધ ગ્રંથો મૂકીને, ઘોડાગાડી, ઊંટગાડી તેમ જ ઢોલનગારાં સાથે ગ્રંથયાત્રા નીકળી હતી. આ યાત્રાનું સમાપન પંડિત દીનદયાળ હૉલ ખાતે થયું હતું, જ્યાં સમારોહ યોજાયો હતો.

અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના શાસનાધિકારી એલ. ડી. દેસાઈએ કહ્યું હતું કે ‘થલતેજ પ્રાથમિક સ્કૂલમાંથી નીકળેલી ગ્રંથયાત્રામાં માતૃભાષાનાં વિશેષ સુવાક્યો, સંકેતો તેમ જ બારાખડીનાં ચિત્રાંકન તેમ જ પ્રાચીન, મધ્યકાલીન અને આધુનિક યુગના લેખકો, કવિઓનાં બૅનર હાથી, ઘોડા ‍અને ઊંટગાડી પર લગાવ્યાં હતાં તેમ જ હાથીની અંબાડી પર ગ્રંથો મૂકીને ગ્રંથયાત્રા ઢોલનગારાં સાથે યોજાઈ હતી. ૫૦૦થી વધુ વિદ્યાર્થીઓ, શિક્ષકો, મહાનુભાવો આ યાત્રામાં જોડાયા હતા. 

આ પણ વાંચો: પ્રાચીન ગુરુ-શિષ્ય પરંપરા થકી માતૃભાષાને જીવંત રાખવાનો પ્રયાસ

આ પ્રસંગે ગુજરાતના શિક્ષણપ્રધાન ડૉ. કુબેર ડિંડોરે કહ્યું હતું કે આપણી માતૃભાષાનું સંવર્ધન અને સંરક્ષણ થાય એ જવાબદારી આપણા બધાની છે. આપણી સંસ્કૃતિ, આપણી અસ્મિતાના મૂળમાં આપણી માતૃભાષા રહેલી છે.

વિશ્વ માતૃભાષા દિવસે યોજાયેલા કાર્યક્રમમાં સ્કૂલ બોર્ડની શાળાના વિદ્યાર્થીઓ લેખકો, કવિઓ, સાહિત્યકારોની વેશભૂષામાં મંચ પર આવ્યા ત્યારે સૌએ તેમને તાળીઓથી વધાવી લીધા હતા.

gujarat news ahmedabad shailesh nayak