૩૪ વર્ષ પહેલાં જે ગર્લફ્રેન્ડની હત્યા કરી હતી તેણે જ પકડાવ્યો બૉયફ્રેન્ડને

30 April, 2026 10:23 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

અમદાવાદના વટવા વિસ્તારની ઘટના : પ્રેમિકાની હત્યા કરીને ડેડબૉડીને ઘરમાં આવેલા કૂવામાં દાટી દીધી હતી આરોપીએ : ઘરમાં ગર્લફ્રેન્ડનો આભાસ થવા માંડ્યો, ભય અને માનસિક તનાવ વધી ગયો એને પગલે છેક હવે ભાંડો ફૂટ્યો : ક્રાઇમ બ્રાન્ચે ખોદકામ કર્યું તો મળ્યા અવશેષો

ક્રાઇમ બ્રાન્ચે ખોદકામ કરીને ડેડબૉડીના અવશેષો બહાર કાઢ્યા હતા (તસવીરો : જનક પટેલ)

અમદાવાદના વટવા વિસ્તારમાં ૧૯૯૨માં થયેલી ફરઝાના ઉર્ફે શબનમ નામની મહિલાની હત્યાનો ચોંકાવનારો ખુલાસો રહસ્યમય સંજોગોમાં થયો છે. અંદાજે ૩૪ વર્ષ પહેલાં તેનું મર્ડર કર્યા બાદ તેની લાશ દાટી દીધા પછી પરિવારના સભ્યોને તે મહિલાનો આભાસ થવા લાગવા ઉપરાંત ભય અને માનસિક તનાવ વધી ગયા હતા. આ વાત બહાર આવતાં હત્યાની કડી મળી હતી. જે જગ્યાએ લાશ દાટી હતી ત્યાં ગઈ કાલે અમદાવાદની ક્રાઇમ બ્રાન્ચે ખોદકામ કરીને ડેડબૉડીના અવશેષો બહાર કાઢીને DNA ટેસ્ટ માટે મોકલ્યા છે.

વટવા વિસ્તારમાં આવેલા કુતુબનગરમાં શંકાસ્પદ આરોપી શમશુદ્દીને ૧૯૯૨માં તેની પ્રેમિકા ફરઝાનાની હત્યા કરીને તેની ડેડબૉડી તેના ઘરમાં આવેલા કૂવામાં દાટી દીધી હતી. આ હત્યા બાદ શમશુદ્દીનના ઘરમાં રહસ્યમય ઘટનાઓ બનવા લાગી હતી. કહેવાય છે કે પરિવારના સભ્યોને વખતોવખત ફરઝાનાનો આભાસ થતો હતો જેને કારણે સભ્યોમાં ભય પેસી ગયો હતો અને માનસિક તનાવ વધી ગયો હતો. આમાંથી બચવા માટે પરિવારે તાંત્રિક વિધિઓ અને ઉપાયોનો સહારો લીધો હતો. જોકે આ વાત પોલીસ સુધી પહોંચી હતી અને અમદાવાદની ક્રાઇમ બ્રાન્ચે આ કેસમાં તપાસ શરૂ કરી હતી.

ક્રાઇમ બ્રાન્ચના પોલીસ-ઇન્સ્પેક્ટર એ. પી. જેબલિયાએ ‘મિડ ડે’ને કહ્યું હતું કે ‘અમને માહિતી મળી હતી કે ૧૯૯૨માં મર્ડર કરીને લાશ દાટેલી છે. એના આધારે અમે તપાસ શરૂ કરી હતી. એમાં જે જગ્યાએ લાશ દાટી હતી ત્યાં ખોદકામ કરીને અવશેષો કાઢ્યા હતા જેમાં હાડકાંના ટુકડા, દાંત, વાળ મળ્યાં છે. આ અવશેષો માનવના છે કે કેમ એ ચેક કરવાનું છે એટલે એને DNA ટેસ્ટ માટે ફૉરેન્સિક વિભાગમાં મોકલ્યા છે. એનો રિપોર્ટ આવશે એટલે ગુનો નોંધીને કાર્યવાહી ચાલુ કરીશું.’ 

ahmedabad murder case Gujarat Crime gujarat police crime branch gujarat gujarat news