01 May, 2025 02:22 PM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
અમદાવાદના અપાર્ટમેન્ટમાં ચોથે માળે લાગી આગ
મંગળવારે સાંજે અમદાવાદના અત્રેય ઑર્કિડ અપાર્ટમેન્ટમાં લાગેલી આગમાં જીવ બચાવવા માટે પાંચમે માળેથી કૂદી પડેલી એક મહિલાએ જીવ ગુમાવ્યો છે. આગ ચોથા માળે લાગી હતી, પરંતુ એ ઝડપથી ફેલાઈને પાંચમા માળે પ્રસરી જતાં ધુમાડો ફેફસાંમાં ન જાય એવા ડરથી જીવ બચાવવા એક ફૅમિલીના સવાબે વર્ષના દીકરા સહિત એક પછી એક ચાર સભ્યો નીચે કૂદી પડ્યા હતા જેમને બચાવી લેવા માટે અપાર્ટમેન્ટના સભ્યો નીચે ગાદલાં પકડીને ઊભા રહી ગયા હતા જેમાં એક પછી એક લોકો કૂદી પડ્યા હતા.
અમદાવાદમાં ઇન્દિરા બ્રિજ પાસે આવેલા અત્રેય ઑર્કિડ અપાર્ટમેન્ટમાં રહેતા અને જેમના પત્નીનું આ ઘટનામાં અવસાન થયું છે તેમના પતિ દિનેશ રામચંદાણીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે પાંચમે માળે રહીએ છીએ અને નીચેના ચોથા માળે ઍર-કન્ડિશનરમાં ધડાકો થયો હતો અને આગ લાગી હતી. આ આગ અમારા પાંચમા માળે પ્રસરી ગઈ હતી. મારી પત્ની વિનીતા અને ફૅમિલીના બીજા સભ્યો ત્યારે ઘરમાં જ હતાં. આગ એટલી ફેલાઈ ગઈ હતી કે તેમને ઘરની બહાર નીકળવાનો મોકો મળ્યો નહોતો. તેમને એવું લાગ્યું હતું કે આગનો ધુમાડો ફેફસાંમાં પેસી ન જાય એથી ડરના માર્યા જીવ બચાવવા માટે તે બધાં પાંચમા માળેથી નીચે કૂદી પડ્યાં હતાં. પહેલાં મારી ૧૭ વર્ષની દીકરી નીચે કૂદી હતી, એ પછી સવાબે વર્ષનો મારો પૌત્ર, એ પછી મારી પત્ની અને ત્યાર બાદ મારા દીકરાની વહુ નીચે કૂદી પડી હતી જેમાં મારી પત્નીનું રાત્રે સાડાઅગિયાર વાગ્યે અવસાન થયું હતું. મારી દીકરી અને પૌત્ર બચી ગયાં છે અને મારા દીકરાની વહુ અત્યારે હૉસ્પિટલમાં સારવાર લઈ રહી છે.’
અપાર્ટમેન્ટના સેક્રેટરી રાકેશ ચંદવાણીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અપાર્ટમેન્ટમાં આગ લાગી ત્યારે ફ્લૅટના સભ્યોને બચાવવા માટે અમે નીચે બારથી વધુ ગાદલાં લાવીને અપાર્ટમેન્ટના સભ્યોએ પકડી રાખ્યા હતા અને ફૅમિલીના સભ્યોને બચાવવા માટે પ્રયાસ કર્યો હતો. જોકે એક મહિલાને ઈજા થતાં તેમનું સારવાર દરમ્યાન અવસાન થયું હતું, જ્યારે બાકીના સભ્યોને ઓછા-વત્તા પ્રમાણમાં ઈજાઓ થતાં હૉસ્પિટલ લઈ જવાયા હતા. અમારા અપાર્ટમેન્ટના સભ્યોએ ગાદલાં પકડી રાખ્યા હતા એથી કોઈને ઈજા થઈ નહોતી.’
ઉલ્લેખનીય છે કે આ ઘટનામાં ફાયર-બ્રિગેડે ઘટનાસ્થળે પહોંચીને આગ ઓલવવાની કામગીરી હાથ ધરીને દોઢેક કલાક બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગમાં ફસાઈ ગયેલા બીજા ૨૭ લોકોનું ફાયર-બ્રિગેડે રેસ્ક્યુ કર્યું હતું.
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીના રથનું પૂજન કરવામાં આવ્યું
અખાત્રીજના પવિત્ર દિવસે ગઈ કાલે અમદાવાદમાં આવેલા વિશ્વપ્રસિદ્ધ જગન્નાથજી મંદિરમાં ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળદેવજીના રથનું શાસ્ત્રોક્ત વિધિથી પૂજન થયું હતું અને આ સાથે જ ભગવાનની રથયાત્રાના કાઉન્ટડાઉનનો શુભારંભ થયો હતો.