અમદાવાદમાં રથયાત્રાને લઈને ક્રાઇમ બ્રાન્ચે સંવેદનશીલ વિસ્તારોમાં કર્યું ડ્રોન સર્વેલન્સ

02 June, 2023 10:48 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

૪ જૂને રથયાત્રાની જળયાત્રા યોજાશે ત્યારે મંદિરના સત્તાવાળાઓએ રથયાત્રાની તૈયારી શરૂ કરી દીધી છે.

અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રથયાત્રાના રૂટ પર સંવેદનશીલ વિસ્તારોમાં ડ્રોન ઉડાડીને સર્વેલન્સ કરવામાં આવ્યું હતું.

ગુજરાતના અમદાવાદમાં દર વર્ષે યોજાતી વિશ્વપ્રસિદ્ધ રથયાત્રા નજીક આવી પહોંચી છે ત્યારે રથયાત્રા સુખરૂપ રીતે પાર પડે એ માટે શહેરની પોલીસ સતર્ક બની છે અને ગઈ કાલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે રથયાત્રાના રૂટ પર આવતા સંવેદનશીલ વિસ્તારોમાં ડ્રોન સર્વેલન્સ કર્યું હતું.

આ વર્ષે ૨૦ જૂને શહેરમાં હર્ષોલ્લાસ સાથે ભગવાન જગન્નાથજીની ૧૪૬મી રથયાત્રા વાજતેગાજતે નીકળશે. ૪ જૂને રથયાત્રાની જળયાત્રા યોજાશે ત્યારે મંદિરના સત્તાવાળાઓએ રથયાત્રાની તૈયારી શરૂ કરી દીધી છે. રથયાત્રાને લઈને આ વર્ષે ઓડિશાથી કલાત્મક છત્રી લવાઈ છે. બીજી તરફ રથયાત્રાનું પર્વ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય એ માટે અમદાવાદ પોલીસે પણ ચેકિંગ હાથ ધર્યું છે. ગઈ કાલે અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે રથયાત્રાના રૂટ પર આવતા શાહપુર રંગીલા ચોકી સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં ડ્રોન ઉડાડીને સર્વેલન્સ કર્યું હતું.

gujarat news crime branch ahmedabad shailesh nayak