ગુજરાત બીજેપીની બાગડોર સી. આર. પાટીલના હાથમાં

21 July, 2020 11:52 AM IST  |  Ahmedabad | Agencies

ગુજરાત બીજેપીની બાગડોર સી. આર. પાટીલના હાથમાં

સી. આર. પાટીલ

રાજ્યમાં ઘણા દિવસથી પ્રદેશ પ્રમુખને લઈને ચાલતા ઘટનાક્રમનો આખરે અંત આવ્યો છે. ગુજરાતના પ્રદેશ પ્રમુખ તરીકે સી. આર. પાટીલની નિમણૂક કરવામાં આવી છે. જીતુ વાઘાણીનો કાર્યકાળ પૂરો થતો હોવાથી આ બદલાવ કરવામાં આવ્યો છે.

ગુજરાતમાં અટકળો વચ્ચે પ્રદેશ પ્રમુખ તરીકે એક નવું નામ બહાર આવ્યું છે. નવસારીના સંસદસભ્ય અને બીજેપીના કદાવર નેતા સી. આર. પાટીલને પક્ષે પ્રદેશ પ્રમુખનું પદ સોંપ્યું છે. ગુજરાતમાં તમામ જ્ઞાતિ સમીકરણોને બાજુમાં રાખી સી. આર. પાટીલને પ્રદેશ પ્રમુખ બનાવીને બીજેપીએ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતની લૉબીને ઝટકો આપ્યો છે. આગામી દિવસોમાં પેટાચૂંટણી છે ત્યારે પાટીલ માટે આ બેઠકો પર જીત મેળવવી એ સૌથી અઘરું છે. આ તમામ બેઠકો એ કૉન્ગ્રેસનો ગઢ છે.

તમને જણાવી દઈએ કે બીજેપીના પીઢ નેતા જીતુ વાઘાણીનો કાર્યકાળ પૂર્ણ થતો હોવાથી બીજેપીએ ગુજરાત માટે નવા પ્રદેશ પ્રમુખની શોધ માટે અભિયાન હાથ ધર્યું હતું.

ગુજરાતના નવા પ્રદેશ પ્રમુખ તરીકે હરિ ચૌધરી, શંકર ચૌધરી, મનસુખ માંડવિયા, ભુપેન્દ્રસિંહ ચુડાસમા તો ઉત્તર ગુજરાતમાંથી કે. સી. પટેલનું નામ રેસમાં આગળ હોવાનું સામે આવ્યું હતું, પરંતુ અચાનક જ ગુજરાત બીજેપીએ આર. સી. પાટીલની નિમણૂક કરી સૌકોઈને ચોંકાવી દીધા છે. સી. આર. પાટીલ ગઈ લોકસભામાં સૌથી વધુ મતથી જીતનારા ત્રીજા ક્રમના સંસદસભ્ય છે.

૧૯૮૮ સુધી ગુજરાતમાં પોલીસ કૉન્સ્ટેબલ તરીકે ફરજ બજાવનાર સી. આર. પાટીલે પોલીસમાંથી રાજીનામું આપીને બીજા વર્ષે પત્નીના નામે ડાઇંગ મિલ શરૂ કરી હતી. પાટીલ એ શાહ અને મોદીનો અંગત વિશ્વાસુ માણસ છે. મોદીએ વારાણસીના કૅમ્પેન માટે પણ પાટીલની પસંદગી કરી હતી, જેઓ મહિનાઓ સુધી સુરત છોડીને વારાણસીમાં રોકાયા હતા.

Gujarat BJP ahmedabad gujarat bharatiya janata party