અમદાવાદ કમિશનરનો નિર્ણયઃ પોલીસો ત્રણ શિફ્ટમાં કામ કરશે

16 May, 2020 12:29 PM IST  |  Ahmedabad | Agencies

અમદાવાદ કમિશનરનો નિર્ણયઃ પોલીસો ત્રણ શિફ્ટમાં કામ કરશે

પ્રતીકાત્મક તસવીર

રાજ્યમાં કોરોના વાઇરસની વૈશ્વિક મહામારી ચાલી રહી છે. ગુજરાતના અમદાવાદમાં તો કોરોના વાઇરસનો રાફડો ફાટ્યો છે ત્યારે શહેરના અમુક વિસ્તારો રેડ ઝોનમાં મૂકવામાં આવ્યા છે. બીજી બાજુ શહેરની રક્ષા કરવા માટે કોરોના વૉરિયર્સ બનીને કામ કરતા પોલીસ માટે આજે એક ખુશીના સમાચાર મળી રહ્યા છે. અમદાવાદમાં કોરોનામાં ખડેપગે રહેનાર પોલીસ જવાનો માટે રાહતના સમાચાર છે. હવેથી પોલીસ જવાનો ત્રણ શિફ્ટમાં કામ કરશે, જેમાં બે શિફ્ટની નોકરી બાદ ૨૪ કલાકનો આરામ રહેશે. અગાઉ ૧૨-૧૨ કલાકની શિફ્ટમાં પોલીસ ફરજ બજાવતા હતા. તેથી પોલીસ-કમિશનર આશિષ ભાટિયાએ નિર્ણય લીધો છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે અમદાવાદમાં લૉકડાઉન કડક બનાવવા માટે રેડ ઝોનમાં સૌથી મોટો પોલીસનો ખડકલો કરવામાં આવ્યો છે. લૉકડાઉનમાં પોલીસ માટે અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર મળ્યા છે. આખરે પોલીસ-કમિશનરે પોલીસ-અધિકારીઓની વેદના સાંભળી હોય એમ એક નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરના પોલીસ-કમિશનર આશિષ ભાટિયાએ કર્મચારીઓ માટે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેતાં જણાવ્યું હતું કે પોલીસ જવાનો હવે ત્રણ શિફ્ટમાં કામ કરશે.

અત્યાર સુધી પોલીસના અધિકારીઓ બાર-બાર ક્લાકની બે શિફ્ટમાં પોતાની ફરજ બજાવતા હતા. પરંતુ નવા નિર્ણય પછી બે શિફ્ટની નોકરી બાદ પોલીસોને ૨૪ કલાકનો આરામ મળશે. પોલીસ-કમિશનર આશિષ ભાટિયાએ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેતાં પોલીસના અધિકારીઓમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે. કમિશનરના નિર્ણયથી પોલીસ બેડામાં આનંદનો માહોલ છવાયો છે અને તેમના નિર્ણયને વધાવ્યો છે.

ahmedabad gujarat