દિવાળીમાં માવાની મીઠાઈ ખાતાં પહેલાં સાવધાનઃ બરફીનાં તમામ કારખાનાં સીલ

19 October, 2019 09:14 AM IST  |  અમદાવાદ

દિવાળીમાં માવાની મીઠાઈ ખાતાં પહેલાં સાવધાનઃ બરફીનાં તમામ કારખાનાં સીલ

મીઠાઈ

દિવાળી દરમિયાન પરંપરાગત મીઠાઈ બનાવવાનો અને ખવડાવાનો આપણે ત્યાં રિવાજ છે. પરંતુ આ દિવાળીએ મીઠાઈની મીઠાશ તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. એવો ઘટસ્ફોટ થયો છે કે મીઠી બરફીના નામે કેટલાંક કારખાનાંઓ દ્વારા વેપારીઓને ખૂબ જ ખતરનાક માવો પધરાવાઈ રહ્યો છે. એવી વિગતો સાંપડી છે કે કારખાનાંઓ ટૅલ્કમ પાઉડર અને ખાંડમિશ્રિત માવો હોલસેલ વેપારીઓ અને ગામડાંના નાના વેપારીઓને અંદાજે સોથી દોઢસો રૂપિયે કિલોના ભાવે પૂરો પાડી રહ્યા છે.

આ જ માવામાં કલર ભેળવીને વિવિધ મીઠાઈઓ બનાવીને વેપારીઓ એને ૭૦૦થી ૮૦૦ રૂપિયા કિલોના ભાવે વેચી રહ્યા છે. આ રીતે ગ્રાહકો ગુણવત્તા અને ભાવ બન્ને રીતે છેતરાઈ રહ્યા છે. કાયદાની છટકબારી શોધીને મીઠી બરફીના નામે ભેળસેળયુક્ત માવો વેચી રહેલા ગુજરાતના આવા કુલ ૪૫ એકમોને હાલ રાજ્યના ફૂડ ઍન્ડ ડ્રગ્સ વિભાગે સીલ કર્યા છે.

ફૂડ ઍન્ડ ડ્રગ્સ કમિશનર હેમંત કોશિયાએ જણાવ્યું હતું કે ‘તેમને મહેસાણા અને ગાંધીનગરનાં બે કારખાનાંઓમાં ટૅલ્કમ પાઉડરમિશ્રિત મીઠી બરફી હોવાનું ધ્યાનમાં આવતાં બન્ને એકમોને સીલ કરી દેવામાં આવ્યા હતા.’

ફટાકડાના ભાવમાં સીધો જ ૩૦થી ૪૦ ટકાનો વધારો ઝીંકાયો

આ દિવાળીમાં વેપારીઓથી માંડીને લોકોને મંદીનો સામનો કરવો પડી રહ્યો છે. એક તરફ ગ્રાહકો વસ્તુની ખરીદીમાં નીરસતા દાખવી રહ્યા છે તો ઓછા વેચાણને કારણે વેપારીઓ પણ ટેન્શનમાં છે. ત્યારે હાલ દિવાળી ટાણે ગુજરાતમાં ફટાકડા બજારમાં ભારે મંદી જોવા મળી છે. તો સામે ફટાકડાના ભાવોમાં ૩૦થી ૪૦ ટકાનો ભાવવધારો દેખાયો છે. સુપ્રીમ કોર્ટે ગ્રીન ફટાકડા બનાવવાનો આદેશ કરતાં ફટાકડાના ભાવમાં વધારો થયો હોવાનું વેપારીઓનું કહેવું છે.

ahmedabad gujarat diwali