30 November, 2024 02:07 PM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
દીપેશ ગોહિલ
પાકિસ્તાન નેવી માટે કામ કરતી સાહીમા નામની મહિલાના સંપર્કમાં ફેસબુકના માધ્યમથી આવીને રોજના ૨૦૦ રૂપિયામાં દેશ સાથે ગદ્દારી કરી પાકિસ્તાનને ભારતીય કોસ્ટગાર્ડની માહિતી આપતા જાસૂસ દીપેશ ગોહિલને ગુજરાત ઍન્ટિ ટેરરિસ્ટ સ્ક્વૉડ (ATS)એ ઓખા પાસેથી ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગુજરાત ATSના પોલીસ સબ-ઇન્સ્પેક્ટર એ. આર. ચૌધરીને બાતમી મળી હતી કે સૌરાષ્ટ્રમાં ઓખા પાસે આવેલા આરંભડા ગામે રહેતો દીપેશ ગોહિલ છેલ્લા કેટલાક સમયથી કોઈ પાકિસ્તાની આર્મી કે જાસૂસી સંસ્થા ઇન્ટર સર્વિસિસ ઇન્ટેલિજન્સ (ISI)ના કોઈક સાથે વૉટ્સઍપથી સંપર્કમાં છે. આ બાતમીના આધારે નાયબ પોલીસ અધીક્ષક વી. કે. પરમારના માર્ગદર્શનમાં દીપેશ ગોહિલને પૂછપરછ માટે અમદાવાદ ATS કચેરીમાં લઈ જવાયો હતો. તેની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે છેલ્લાં ૩ વર્ષથી તે ઓખા જેટી પર કોસ્ટગાર્ડની બોટના રિપેરિંગનું કામ કરે છે. સાતેક મહિના પહેલાં તે ફેસબુક પર સાહીમા નામ ધરાવતી એક મહિલાના સંપર્કમાં આવ્યો હતો અને એ મહિલા પાકિસ્તાન નેવી માટે કામ કરતી હોવાનું દીપેશે જણાવ્યું હતું.
દીપેશનું કામ જાણ્યા બાદ સાહીમાએ ઓખા પોર્ટ પર કોસ્ટગાર્ડની જેકોઈ શિપ ઊભી હોય એનાં નામ તથા નંબરની માહિતી આપવાનું કહ્યું હતું અને તે તેને રોજના ૨૦૦ રૂપિયા લેખે મહિને તેના બૅન્ક-અકાઉન્ટમાં પૈસા જમા કરાવશે એમ કહ્યું હતું. દીપેશ પૈસાની લાલચમાં આવી ગયો અને તે દરરોજ ઓખા જેટી પર જઈને ત્યાં રહેલી બોટનાં નામ તથા નંબરની માહિતી મોકલી આપતો હતો. સાહીમાએ તેને છેલ્લા સાત-આઠ મહિના દરમ્યાન ૪૨,૦૦૦ રૂપિયા યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI)થી જમા કરાવ્યા હતા.