સાળંગપુર વિવાદ હજી થાળે પડ્યો નથી ત્યાં આચાર્ય દિનેશ પ્રસાદનું આ નિવેદન, હિંદુ..

12 September, 2023 04:20 PM IST  |  Gujarat | Gujarati Mid-day Online Correspondent

સ્વામિનારાયણ સંપ્રદાય અને સનાધન ધર્મીઓ વચ્ચે સતત વિવાદ વકર્યો છે ત્યારે આચાર્ય દિનેશ પ્રસાદ સાધુનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જાણો તેમણે શું બાફ્યું...

આચાર્ય દિનેશ પ્રસાદના વાયરલ વીડિયોમાંથી સ્ક્રીનગ્રેબ લીધેલી તસવીર

Acharya Dinesh Prasad`s Video: છેલ્લા કેટલાક સમયમાં સાળંગપુરમાં હનુમાનજી સ્વામિનારાયણ સંપ્રદાયને સંતો સામે નમસ્કાર કરી રહ્યા છે તેવા ભીંતચિત્રોનો વિવાદ ચર્ચામાં છે. ત્યારે હવે આચાર્ય દિનેશ પ્રસાદ સાધુનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં દિનેશ પ્રસાદનું જે નિવેદન છે તેણે બળતાંમાં ઘી હોમવાનું કામ કર્યું છે. જાણો તેમણે શું બાફ્યું...

સનાતન ધર્મ અને સ્વામિનારાયણ સંપ્રદાય વચ્ચે સાળંગપુર વિવાદ થકી સતત ઘમાસાણ ચાલી રહ્યું છે. એવામાં સ્વામિનારાયણ સંપ્રદાયના એક સાધુ આચાર્ય દિનેશ સાધુએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે જેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં આચાર્ય દિનેશ પ્રસાદ વૈમનસ્ય ફેલાવવાનો પ્રયાસ કરતા હોય તે જોવા મળી રહ્યું છે. આચાર્ય દિનેશ પ્રસાદે હિંદુ દેવી-દેવતાઓના તિરસ્કારનું આહ્વાન કર્યું છે. આ વાયરલ વીડિયોમાં આચાર્ય દિનેશ પ્રસાદ હિંદુ દેવી-દેવતાઓના તિરસ્કારના આહ્વાનને ભગવાનનો આદેશ માનવા માટે કહે છે. સ્વામિનારાયણને એક અલગ ધર્મ બનાવવાની વાત કહી છે. જેમાં તેમણે એમ પણ કહ્યું છે કે સ્વામિનારાયણ ભગવાન સનાતનથી નારાજ થયા છે.

આચાર્ય દિનેશ પ્રસાદ વીડિયોમાં બોલી રહ્યા છે કે, "દેવી-દેવતાઓને કાઢવાના છે હવે આ ભગવાન સ્વામિનારાયણનો આદેશ છે આ તેમની લીલા છે એ સમજજો અને ભગવાન સ્વામિનારાયણ હવે સનાતનીઓથી કૂરાજી થઈ ગયા છે અને આપણે હવે કોઈ દેવી-દેવતા સાથે કોઈ સંબંધ રાખવાનો નથી. સ્વામિનારાયણ ભગવાન આપણો આખો ધર્મ અલગ કરી રહ્યા છે. હિન્દુ ધર્મના એવા લોકો કે જેઓ દેવી-દેવતાને માનતા નથી, તેમને સ્વામિનારાયણ ભગવાન સ્વીકારશે."

અન્ય દરેક વિધર્મીને સ્વામિનારાયણ ભગવાન લેશે શરણે પણ સનાતનીઓને જાકારો
દિનેશ પ્રસાદે વીડિયોમાં કહ્યું છે કે, સનાતનીઓએ મારાથી દૂર રહેવું. મુસ્લિમ, ખ્રિસ્તી, ઈસાઈ-પારસી કોઈપણ ધર્મ કે સંપ્રદાયના લોકો હોય ભગવાન સ્વામિનારાયણ તેમનો સ્વીકાર કરશે પણ સનાતનીઓનો અસ્વીકાર કરશે. જે લોકો હિંદુ દેવી-દેવતાઓમાં માનતા નથી માત્ર તે લોકોને જ ભગવાન સ્વામિનારાયણ સ્વીકારશે. જે પણ સનાતનીઓ છે તેમણે મારી આજુ બાજુ પણ આવવું નહીં.

સનાતનીઓથી સ્વામિનારાયણ ભગવાન કુરાજી
વાયરલ વીડિયોમાં દિનેશ પ્રસાદે કહ્યું કે, "ભગવાન સ્વામિનારાયણ હવે સનાતનીઓથી કુરાજી થઈ ગયા છે અને આપણે તેમના દેવી-દેવતાઓ સાથે કોઈ સંબંધ રાખવાનો નથી. સ્વામિનારાયણ ભગવાને આપણો ધર્મ અલગ કરી દીધો છે. આપણાં ભગવાન અંતર્યામી છે તેમની પાસે કોઈપણ સનાતનીએ આવવાની જરૂર નથી."

ઉલ્લેખનીય છે સાળંગપુર વિવાદ બાદ સનાતન ધર્મીઓમાં સ્વામિનારાયણ સંપ્રદાય પ્રત્યે આક્રોશ જેમનો તેમ છે એવામાં હવે દિનેશ પ્રસાદના આ વીડિયોએ બળતાંમાં ઘી હોમવાનું કામ કર્યું છે. દિનેશ પ્રસાદના શબ્દો તીરની જેમ સનાતનીઓની છાતીમાં ખૂંચી રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. સ્વામિનારાયણ સંપ્રદાયના આ સાધુના વીડિયોએ વિવાદમાં ઘી રેડવાનું કામ કર્યું છે. આ વીડિયો થકી સનાતન ધર્મીઓમાં આક્રોશ વધ્યો છે.

swaminarayan sampraday gujarat news gujarat hinduism national news