વહેલી પરોઢે ચાર વાગ્યે નીકળેલી રૂપાલની પલ્લી પર પાંચ લાખ કિલો ઘીનો થયો અભિષેક

06 October, 2022 10:41 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

૧૫ લાખથી વધુ શ્રદ્ધાળુઓ દર્શન કરવા ઊમટ્યાં ઃ પૂનમ સુધી પલ્લીની જ્યોત ઝળહળતી રહેશે , ભાવિકો ઉતારી શકશે બાધા-માનતા

ગાંધીનગર નજીક આવેલા રૂપાલ ગામે વરદાયની માતાજીની વહેલી પરોઢે ચાર વાગ્યે નીકળેલી રૂપાલની પલ્લીનાં દર્શન માટે ઊમટેલા શ્રદ્ધાળુઓ.


અમદાવાદ ઃ ગુજરાતના પાટનગર ગાંધીનગર નજીક આવેલા રૂપાલ ગામે વરદાયની માતાજીની વહેલી પરોઢે ચાર વાગ્યે નીકળેલી રૂપાલની પલ્લી પર શ્રદ્ધાપૂર્વક પાંચ લાખ કિલો ઘીનો થયો હતો અભિષેક. હૈયાથી હૈયું દળાય એટલા હકડેઠઠ ૧૫ લાખથી વધુ શ્રદ્ધાળુઓ માતાજીની પલ્લીનાં દર્શન કરવા ઊમટ્યાં હતાં અને એ પૈકી ઘણા શ્રદ્ધાળુઓએ રાખેલી માનતા-બાધા પલ્લીનાં દર્શન કરીને તેમ જ ઘીનો અભિષેક કરીને છોડી હતી.


રૂપાલ ગામે વરદાયની માતાજીના મંદિરમાંથી નવરાત્રિમાં નોમની રાતે નીકળતી માતાજીની પલ્લીના કરોડો ભાવિકોમાં વર્ષોથી ખૂબ જ મહાત્મ્ય છે. વરદાયની માતાજી મંદિરના મૅનેજર અરવિંદ ત્રિવેદીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગયા વર્ષ કરતાં આ વર્ષે ઘીનો વધુ અભિષેક થયો છે. પલ્લી વહેલી પરોઢે ચાર વાગ્યે નીકળી હતી અને સવારે સાત વાગ્યે મંદિરે પરત ફરી હતી. આ દરમ્યાન પાંચ લાખ કિલોથી વધુ ઘીનો અભિષેક પલ્લી પર થયો હતો. આ વર્ષે ૧૫ લાખથી વધુ ભાવિકો દર્શન કરવા આવ્યાં હતાં.’

gujarat news gandhinagar dussehra