શહેર બાદ ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં પણ આમ આદમી પાર્ટીની એન્ટ્રી

03 March, 2021 10:30 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

શહેર બાદ ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં પણ આમ આદમી પાર્ટીની એન્ટ્રી

પ્રતીકાત્મક તસવીર

શહેરી વિસ્તાર બાદ હવે આમ આદમી પાર્ટીએ ગુજરાતના ગ્રામીણ વિસ્તારમાં પણ જીત સાથે એન્ટ્રી કરી છે. ગુજરાતમાં ગઈ કાલે જાહેર થયેલાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં પરિણામોમાં જિલ્લા અને તાલુકા પંચાયતો અને નગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ કુલ ૪૨ બેઠક પર વિજય મેળવ્યો છે.

આમ આદમી પાર્ટીએ સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણીમાં ૨૭ બેઠક જીતી હતી અને હવે ગુજરાતના ગ્રામીણ વિસ્તારમાં પણ પગપેંસારો કર્યો છે. આમ આદમી પાર્ટીએ પેટલાદ નગરપાલિકામાં પાંચ બેઠક પર વિજય મેળવ્યો છે. કુલ મળીને નગરપાલિકાઓમાં ૯ બેઠક જીતી છે. આ ઉપરાંત તાલુકા પંચાયતની ૩૧ બેઠક અને જિલ્લા પંચાયતની બે બેઠક જીતી છે. આમ આદમી પાર્ટીએ આ સાથે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ૨૫ ટકા મતો મેળવ્યા છે.

ગોધરા નગરપાલિકામાં બીજેપી અને અપક્ષોને ૧૮–૧૮ બેઠક મળી

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરી દરમ્યાન ગોધરા નગરપાલિકાનું આશ્ચર્યજનક પરિણામ આવ્યું છે. આ નગરપાલિકામાં ૧૮ બેઠક સાથે બીજેપી સૌથી મોટા પક્ષ તરીકે આવ્યો છે, પરંતુ એને જેટલી બેઠક મળી છે એટલી બેઠક અપક્ષોને પણ મળી છે.

ગોધરા નગરપાલિકામાં કુલ ૪૪ બેઠક છે ત્યારે ગઈ કાલે જાહેર થયેલાં ગોધરા નગરપાલિકાનાં પરિણામમાં બીજેપીને ૧૮ બેઠક, અપક્ષોને ૧૮ બેઠક, ઑલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન પાર્ટી (AIMIM)એ ૭ બેઠક અને કૉન્ગ્રેસે ૧ બેઠક પર વિજય મેળવ્યો હતો.

gujarat aam aadmi party