16 August, 2026 02:29 PM IST | Gujarat | Gujarati Mid-day Correspondent
દ્વારકાના મંદિર પર તિરંગા થીમ સાથેની ધજા લહેરાઈ હતી.
૮૦મા સ્વતંત્રતાદિવસની ગુજરાત સહિત દેશભરમાં હર્ષોલ્લાસ અને દેશભક્તિના માહોલમાં ઉજવણી થઈ હતી ત્યારે ગુજરાતનાં ધાર્મિક સ્થળોએ આધ્યાત્મિકતા સાથે રાષ્ટ્રભક્તિનો રંગ ભળ્યો હતો. સોમનાથ, સાળંગપુર, ગિરનાર, દ્વારકા સહિતનાં ધર્મસ્થળોમાં તિરંગા થીમ સાથેનો ધ્વજ લહેરાયો હતો. ધાર્મિકજનોએ દેવદર્શન સાથે તિરંગા થીમ સાથે લહેરાઈ રહેલી ધજાનાં દર્શન કર્યાં હતાં.
સોમનાથ મહાદેવજીને તિરંગા શૃંગાર
સૌરાષ્ટ્રમાં આવેલા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરમાં ગઈ કાલે સ્વતંત્રતાદિવસે સોમનાથ મહાદેવજીને તિરંગા શૃંગાર કરવામાં આવ્યો હતો. ભક્તિ અને દેશપ્રેમના અનોખા સંગમ સમું મહાદેવજીનું આ સ્વરૂપ દર્શનાર્થીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. સોમનાથ ટ્રસ્ટ દ્વારા ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો. ટ્રસ્ટી પી. કે. લહેરીએ ધ્વજવંદન કર્યું હતું અને ધ્વજ લહેરાવ્યો હતો. એકસાથે સોમનાથ મંદિર પર ધર્મધ્વજ અને સોમનાથ પરિસરમાં રાષ્ટ્રધ્વજ લહેરાતાં અનોખો સંયોગ રચાયો હતો.
દ્વારકા મંદિર ૫૨ લહેરાઈ તિરંગી બાવન ગજની ધજા
સૌરાષ્ટ્રના સમુદ્રકાંઠે આવેલા વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં દ્વારકાધીશ મંદિર પર સ્વતંત્રતાદિવસે તિરંગા થીમની બાવન ગજની ધજા લહેરાઈ હતી. તિરંગા થીમ પર બનાવેલી આ ધજા સવારે મંદિર પર ચડાવી હતી. દૂર-દૂરથી દેખાઈ રહેલી આ વિશાળ ધજાનાં દર્શન દર્શનાર્થીઓએ કર્યાં હતાં.
સાળંગપુરમાં તિરંગાની ડિઝાઇનવાળા વાઘા
વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં આવેલા શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં સ્વતંત્રતાદિવસે હનુમાનદાદાને તિરંગા થીમનો શણગાર કરવામાં આવ્યો હતો અને તિરંગાની ડિઝાઇનવાળા વાઘા અને તિરંગા થીમના મોતીના વાઘા પહેરાવ્યા હતા. સિંહાસન તેમ જ આસપાસમાં તિરંગા થીમ પર ફૂલોથી શણગાર કરવામાં આવ્યો હતો. તિરંગા ધ્વજ પણ ફરકાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે હનુમાનદાદાને કેળાં, સફરજન, ચીકુ, પપૈયાં, જામફળ, મોસંબી, અનાનસ સહિતનાં ફ્રૂટ્સનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.
ઉપલા દાતાર પર લહેરાયો રાષ્ટ્રધ્વજ
આધ્યાત્મિકતાની પવિત્ર ભૂમિ જૂનાગઢને અડીને આવેલા ગરવા ગઢ ગિરનાર પર્વતના એક ભાગ ગણાતા ઉપલા દાતાર ખાતે ૩૨૦૦ ફુટ ઊંચાઈએ રાષ્ટ્રધ્વજ લહેરાયો હતો. ઉપલા દાતાર ખાતે મહંત ભીમબાપુની ઉપસ્થિતિમાં ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો. ભીમબાપુએ ધ્વજારોહણ કર્યું હતું. વરસાદી વાતાવરણ વચ્ચે વિદ્યાર્થીઓ સહિતના ધાર્મિકજનોએ ધ્વજવંદનના કાર્યક્રમમાં ભાગ લઈને રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. આ ઉપરાંત વંદે માતરમ્ અને ભારત માતા કી જયથી પર્વત ગાજી ઊઠ્યો હતો.
BAPS દ્વારા ઊજવાયું સ્વતંત્રતાપર્વ
બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા (BAPS) દ્વારા અમદાવાદમાં શાહીબાગ મંદિર ખાતે મહંતસ્વામીની ઉપસ્થિતિમાં સ્વતંત્રતાપર્વ ઊજવાયું હતું. આ પ્રસંગે રાષ્ટ્રગૌરવ અને સૌ ભારતીયોની સુખાકારીની મંગળ પ્રાર્થના કરવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત અગણિત હરિભક્તોએ રાષ્ટ્ર પ્રત્યે અસ્મિતાની ઊર્જા અનુભવી હતી.