CAAને સમર્થન આપતો પ્રસ્તાવ ગુજરાત વિધાનસભામાં મંજૂર થયો

13 January, 2020 04:26 PM IST  |  Gandhinagar

CAAને સમર્થન આપતો પ્રસ્તાવ ગુજરાત વિધાનસભામાં મંજૂર થયો

વિજય રૂપાણી

કેન્દ્રના વિવાદીત નાગરિક કાયદાને અનુમોદન આપવાનો રાજકીય પ્રસ્તાવ રાજ્યકક્ષાના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ રજૂ કર્યો હતો, જેના પર બીજેપી અને કૉન્ગ્રેસ વચ્ચે સામસામે તીખી ચડભડ થઈ હતી. કૉન્ગ્રેસે એનો વિરોધ કરતાં આ પ્રસ્તાવ બહુમતીથી પસાર કરીને વિધાનસભાએ તેને ટેકો આપ્યો હતો. સીએએના સમર્થનમાં બિલ પાસ કરનારું ગુજરાત દેશનું સૌપ્રથમ રાજ્ય બન્યું છે.

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આજે વિધાનસભાના ગૃહમાં કરેલા સંબોધનમાં ગુજરાતને ગાંધી-સરદારનું શક્તિશાળી, સમૃદ્ધ અને સુરક્ષિત ગણાવીને જનપ્રતિનિધિ એવા ધારાસભ્યોને સલાહ આપી હતી કે એકએક ગુજરાતી વિશ્વમાં ગુજરાતી હોવાનું ગૌરવ લઈ શકે અને ગુજરાત વિશે સ્વાભિમાન ધરાવી શકે એવા ગુજરાતનું જતન કરવાની જવાબદારી જનતાએ આપ સૌને સોંપી છે. જાહેર જીવનના અનુભવો અને પ્રજા જીવનની અપેક્ષાઓ નજર સમક્ષ રાખી આ સભાગૃહમાં જનપ્રતિનિધિ તરીકે શ્રેષ્ઠ યોગદાન આપવાની જવાબદારી નિભાવશો. રાજ્યપાલના સંબોધનમાં ઉલ્લેખ કરાયો હતો કે ૨૦૧૯ના વર્ષમાં ઍન્ટિ-કરપ્શન બ્યુરો (એસીબી)એ ૨૫૫ કેસો નોંધી કુલ ૪૧૭ સરકારી અધિકારીઓ-કર્મચારીઓ સામે કાર્યવાહી હાથ ધરીને ભ્રષ્ટાચાર સામે ઝીરો ટૉલરન્સની નીતિ અપનાવી છે.

મારો જન્મ બર્મામાં થયો છે, પણ હું ભારતીય નાગરિક છું : રૂપાણી

શુક્રવારે ગુજરાત વિધાનસભાનું એક દિવસીય સત્ર યોજવામાં આવ્યું હતું જેમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ નાગરિકતા મુદ્દે અમિત ચાવડાએ ટિપ્પણી કરી હતી. અમિત ચાવડાએ ટિપ્પણીમાં જણાવ્યું હતું કે બર્મામાં જન્મેલા રાજ્યના મુખ્ય પ્રધાન બન્યા છે. ત્યારે આ ટિપ્પણી પર સીએમ વિજય રૂપાણીએ સ્પષ્ટતા કરી હતી કે હું ભારતીય નાગરિક છું. વિજય રૂપાણીએ વિધાનસભા ગૃહમાં ખુલાસો કર્યો હતો કે મારો જન્મ બર્મામાં થયો હતો, પણ મારો જન્મ થયો ત્યારે મારાં માતા-પિતા ભારતીય પાસપોર્ટ ધરાવતાં હતાં એટલે હું ભારતીય નાગરિક જ છુ. જન્મ બાદનાં બે વર્ષમાં જ હું ગુજરાત પરત આવી ગયો હતો એટલે હું ભારતીય નાગરિક જ છું. ગુજરાત વિધાનસભાનું ત્રણ દિવસનું શિયાળુ સત્ર ૧૧ ડિસેમ્બરે સમાપ્ત થયું હતું. ત્યાર બાદ કેન્દ્ર સરકાર તરફથી લોકસભા અને રાજ્યસભામાં પાસ થયેલા નાગરિકતા કાયદાને ગુજરાતમાં લાગુ કરવા માટે વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું હતું.

gujarat vidhan bhavan Vijay Rupani caa 2019 cab 2019 citizenship amendment act 2019