જે ક્વૉરન્ટીનમાંથી ભાગશે તેના પર કાયદેસરની કાર્યવાહી કરાશે : રૂપાણી

23 March, 2020 02:25 PM IST  |  Mumbai Desk | Agencies

જે ક્વૉરન્ટીનમાંથી ભાગશે તેના પર કાયદેસરની કાર્યવાહી કરાશે : રૂપાણી

સીએમ રૂપાણી

હાલ ગુજરાતમાં કોરોનાના પૉઝિટિવ કેસનો આંકડો ૧૮ ઉપર પહોંચી ગયો છે. એક જ દિવસમાં પાંચ કેસ વધી ગયા છે, જેથી ગુજરાતમાં પણ ઝડપથી કોરોના પ્રસરી રહ્યો છે તેવું લાગી રહ્યું છે. આવામાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ સૂચના આપી હતી કે કરફ્યુ નહીં પણ, કૅર ફોર યુ. લોકો પોતે સંયમ જાળવે, જેથી ગંભીર પરિસ્થિતિમાંથી બહાર નીકળી શકીશું.

તેમણે કહ્યું કે ‘ગુજરાતીઓ વિદેશમાં વસે છે, વિદેશમાં તેનો વ્યાપ વધ્યો છે. આજ રાતથી ઇન્ટરનૅશનલ ફ્લાઈટ બંધ થઈ રહી છે. આવામાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ વિદેશથી આવી રહ્યાં છે ત્યારે વિદેશથી આવતા લોકો સેલ્ફ ક્વૉરન્ટીન થઈ જાય અથવા તો ક્વૉરન્ટીન સેન્ટરમાં પોતાની જાતને દસ દિવસ સુધી અલગ રાખે, નહીં તો તેનાથી જ આપણી સ્થિતિ વધુ બગડે નહીં તેની ચિંતા કરવી જોઈએ. મોરબીમાં એક વ્યક્તિ ક્વૉરન્ટીન હોમ છોડીને ભાગી ગયો હતો તેથી અમે નિર્ણય કર્યો છે કે જે કોઈ ભાગશે તેને પોલીસ પકડશે. ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરશે. દરેક સહકાર આપે. ક્વૉરન્ટીન પ્રોટોકલ અવશ્ય જાળવો.

મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ રાજ્યમાં કોરોના વાઇરસની વર્તમાન સ્થિતિમાં કોરોનાનો વ્યાપ વધે નહીં તે હેતુથી રાજ્યના સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટ ચાર મહાનગરો ઉપરાંત હવે ગાંધીનગરમાં પણ ૨૫ માર્ચ સુધી જીવનઆવશ્યક ચીજવસ્તુઓ સિવાય તમામ દુકાનો, મૉલ્સ બંધ રહેશે તેવી જાહેરાત કરી છે. કોરોના વાઇરસનું સંક્રમણ નાગરિકોના વધુ સંપર્કથી ફેલાય નહીં તેવા જનસ્વાસ્થ્ય સુરક્ષા અભિગમથી મુખ્ય પ્રધાને આ પાંચ મહાનગરોમાં આ દિવસો દરમ્યાન એટલે કે ૨૫ માર્ચ સુધી એસટી બસ સેવાઓ તેમ જ શહેરી જાહેર પરિવહન સેવાઓ પણ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.

gujarat Vijay Rupani coronavirus covid19