ગુજરાતી યુવકને થવું છે મુસ્લિમ, અરજીને મામલે હાઇકોર્ટને બારણે ટકોરા

15 January, 2021 01:18 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ગુજરાતી યુવકને થવું છે મુસ્લિમ, અરજીને મામલે હાઇકોર્ટને બારણે ટકોરા

પ્રતીકાત્મક તસવીર

ગુજરાતનો એક 32 વર્ષનો યુક હિંદુ ધર્મ ત્યજીને મુસ્લિમ ધર્મ અંગિકાર કરવા માગે છે અને આ માટે તેણે ભરૂચ જિલ્લા કલેક્ટરને અરજી કરી હતી. જો કે ગયા વર્ષે તેણે આ અરજી કરી હતી અને હજી સુધી તેને આ અંગે કોઇ જવાબ ન મળતાં તેણે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી ધર્માંતરણની આ પ્રક્રિયા ઝડપી બનાવવા માટે ભરૂચના અધિકારીઓ પર દબાણ કરાય તેવી અપેક્ષા કરી છે. નવભારત ટાઇમ્સમાં આવેલા એક અહેવાલ અનુસાર આ યુવક એક વર્ષ રાહ જોઇને કંટાળ્યો એટલે અંતે તેણે હાઇકોર્ટમાં ધા નાખી છે. 

અરજી કરનાર જીગ્નેશ પટેલના વકીલ એમ ટી સૈયદે ગુરૂવારે કહ્યું કે ભરૂચના કલેક્ટરે એક વર્ષથી વધુ સમયથી આ આવેદન રોક્યું છે અને ફેબ્રુઆરી 2020માં સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટના રિપોર્ટ અનુસાર આ મામલે હકારાત્મક વલણ હતું કે તેમને ધર્માંતરણની અનુમતિ આપી શકાય છે. જસ્ટિસ બેલા ત્રિવેદીએ હાલમાં જ એક આદેશમાં ટાંક્યું છે અને જિલ્લા કલેક્ટરને નિર્દેશ કર્યો છે કે તેઓ જિગ્નેશ પટેલની અરજી પર બને એટલો જલ્દી નિર્ણય લે. આ નિર્ણય તેમને ઓછામાં ઓછા આઠ અઠવાડિયામાં લેવાનું કહેવાયું છે. આ યાચિકા કલેક્ટરને આવેદન પર નિર્ણય લેવાનો નિર્દેશ આપવા માટે કરાઇ હતી અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટના રિપોર્ટમાં એ સાબિત થઇ ગયું કે જિગ્નેશ પર ધર્મ પરિવર્તનનું કોઇ દબાણ નથી અને તેનો ઉલ્લેખ ધર્માંતરણ નિરોધક કાયદામાં પણ છે. 

જીગ્નેશે 26 નવેમ્બર 2019માં આ આવેદન આપ્યું હતું અને તેમાં સ્પષ્ટ લખ્યું હતું કે તેની પર મુસ્લિમ ધર્મ અંગિકાર કરવાનું કોઇ દબાણ નહોતું અને ન તો તે કોઇ લાલચમાં આવીને આ કરી રહ્યો છે. આવેદન કરનારે પોતાના હલફનામામાં જણાવ્યું છે કે તે મુસ્લિમ ધર્મ પ્રત્યે આકર્ષાયો છે અને ધર્મને અપનાવવા માગે છે. તે છ વર્ષથી મુસલમાનોની માફક રહી રહ્યો છે અને રમઝાનમાં રોઝા પણ રાખે છે, નામજ પઢે છે અને ધર્મના અન્ય રિવાજો પણ પાળે છે. જીગ્નેશ પટેલે હાઇકોર્ટમાં કરેલી અરજીમાં કહ્યું છે કે તેના આવેદનને ઇમરાન પટેલ નામના માણસનું સમર્થન પણ છે, જેણે ધર્માંતરણનું નેતૃત્વ ઉપાડ્યું હતું અને આ બદલાવ ગયા વર્ષે જાન્યુઆરીમાં જ થવો જોઇતો હતો પણ કલેક્ટરે કોઇ જવાબ ન આપ્યો. 

gujarat