સીએએના વિરોધમાં અમદાવાદમાં મહિલાઓએ શરૂ કર્યું ધરણાં પ્રદર્શન

13 February, 2020 12:52 PM IST  |  Mumbai Desk

સીએએના વિરોધમાં અમદાવાદમાં મહિલાઓએ શરૂ કર્યું ધરણાં પ્રદર્શન

અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં મહિલાઓએ શરૂ કર્યું ધરણાં પ્રદર્શન.

દિલ્હીના શાહીનબાગના સમર્થનમાં અને સીએએ, એનપીઆર, એનઆરસીના વિરોધમાં હવે અમદાવાદમાં મહિલા જન આંદોલન શરૂ થયું છે અને લઘુમતી સમાજની મહિલાઓએ અનિશ્ચિત કાળનાં ધરણાં શરૂ કર્યાં છે.
અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં મોટી સંખ્યામાં મહિલાઓ ઘરની બહાર નીકળીને ધરણાં પર બેઠી છે. નો એનઆરસી, નો એનપીઆર અને નો સીએએનાં બૅનર લગાવવા ઉપરાંત શાહીનબાગ ધરણાંના સમર્થન અને સીએએ, એનપીઆર, એનઆરસીના વિરોધમાં અનિશ્ચિતકાલીન ધરણાંનું મોટું બૅનર લગાવીને ધરણાં પ્રદર્શન શરૂ કર્યાં છે.
ધરણાંમાં જોડાયેલાં નૂરજહાં દીવાને ‘મિડ ડે’ને કહ્યું હતું કે ‘શાહીનબાગની જેમ અમદાવાદમાં અમે સીએએ, એનપીઆર અને એનઆરસીનો વિરોધ કરી રહ્યા છીએ. દેશના કૉન્સ્ટિટ્યુશન – સંવિધાનને બચાવવા માટે બહેનો ઘરની બહાર નીકળી છે અને ધરણાંમાં જોડાઈ છે.’
ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારના નાગરિકતા સુધારા કાયદાના વિરોધમાં આ અગાઉ અમદાવાદમાં સાબરમતી આશ્રમની બહાર સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, સામાજિક કાર્યકરો, વિદ્યાર્થીઓ ઊમટી પડ્યા હતા અને હાથમાં પ્લૅકાર્ડ–બૅનરો સાથે મૌન વિરોધ પ્રદર્શન કરીને આ કાયદા સામે વિરોધ વ્યક્ત કર્યો હતો, પરંતુ હવે લઘુમતી સમાજની મહિલાઓએ વિરોધ પ્રદર્શન શરૂ કરતાં અનિશ્ચિત કાળ માટે ધરણાં શરૂ કર્યાં છે.

caa 2019 citizenship amendment act 2019 ahmedabad