રાજ્યમાંથી ચોમાસાની સત્તાવાર વિદાય થઈ સીઝન ૪૫ દિવસ લાંબી ચાલી

15 October, 2019 10:39 AM IST  |  મુંબઈ ડેસ્ક

રાજ્યમાંથી ચોમાસાની સત્તાવાર વિદાય થઈ સીઝન ૪૫ દિવસ લાંબી ચાલી

પ્રતીકાત્મક તસવીર

ગાંધીનગર : (જી.એન.એસ.) સોમવારથી ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર વિદાય થઈ. આ વર્ષે રાજ્યમાં ચોમાસાની સીઝન ૪૫ દિવસ લાંબી ચાલી છે. રાજ્યમાં સરેરાશ ૧૪૬ ટકા વરસાદ નોંધાયો છે, જેને કારણે ગુજરાતનાં મોટા ભાગનાં જળાશયો ભરાઈ ગયાં છે. જો સરકાર દ્વારા આ પાણીની યોગ્ય સાચવણી તથા વહેંચણી થાય તો ઉનાળામાં નાગરિકો તથા ખેડૂતોને પાણીની તંગીનો સામનો નહીં કરવો પડે. તો બીજી તરફ સારો વરસાદ છતાં ઉત્તર ગુજરાતનાં ૧૫માંથી ૮ જળાશય ૧૦૦ ટકા ભરાયાં નથી. 

હવામાન વિભાગના ડિરેક્ટર જયંત સરકારે જણાવ્યું કે ગુજરાતમાં ચોમાસાના વિદાયની શરૂઆત થઈ ગઈ છે. કચ્છમાંથી ચોમાસા ઋતુએ વિદાય લીધી છે. ચોમાસું વિદાય લેતાં તાપમાનમાં વધારો થશે. હાલ મહત્તમ તાપમાન વધશે. વાદળો હટી ગયાં છે, સૂર્ય દેખાઈ રહ્યો છે. તેથી તાપમાન ૩૫થી ૩૬ ડિગ્રી સુધી જઈ શકે છે. હવે લઘુતમ તાપમાનમાં ઘટાડો થશે, પરંતુ ૧૫ નવેમ્બર બાદ જ ઠંડીનો અહેસાસ શરૂ થશે.
ઉલ્લેખનીય છે કે આ વર્ષે ગુજરાતમાં વરસેલા ૧૪૬ ટકા વરસાદને કારણે ગુજરાતનાં અનેક જળાશયો છલકાયાં છે. સરદાર સરોવર ડૅમની સપાટી ૧૩૨ને પાર કરી ગઈ હતી જેમાં હાલ ૯૮.૫૭ ટકા પાણીનો જથ્થો સંગ્રહ થયો છે. હાલ ગુજરાતના ૧૨૨ ડૅમ સંપૂર્ણ રીતે છલકાયેલા છે, જેથી ઉનાળામાં નાગરિકો કે ખેડૂતોને પાણીની સમસ્યા નહીં રહે. તો બીજી તરફ ગુજરાતમાં જ્યાં સૌથી વધુ પાણીની તંગી રહે છે એ સૌરાષ્ટ્ર પ્રદેશમાં પણ સારું ચોમાસું ગયું છે. સૌરાષ્ટ્રના ૧૩૯ ડૅમમાં ૯૩ ટકા પાણી આવી ગયું છે.

gujarat Gujarat Rains