દશેરા નિમિત્તે રાજ્યભરમાં ઠેર-ઠેર શસ્ત્રપૂજન તો ક્યાંક હેલ્મેટની પૂજા

09 October, 2019 09:01 AM IST  |  વડોદરા

દશેરા નિમિત્તે રાજ્યભરમાં ઠેર-ઠેર શસ્ત્રપૂજન તો ક્યાંક હેલ્મેટની પૂજા

શસ્ત્રપૂજન

વડોદરામાં દશેરા નિમિત્તે લક્ષ્મીવિલાસ પૅલેસમાં મહારાજા સમરજિતસિંહ ગાયકવાડે શસ્ત્રપૂજા કરી હતી. પૅલેસના ગાદી હૉલમાં રાજપુરોહિતે મહારાજા સમરજિતસિંહ અને મહારાણી રાધિકા રાજે ગાયકવાડને પરિવાર સાથે શસ્ત્રપૂજા કરાવી હતી. બોટાદમાં વિજયા દશમી નિમિતે ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા શસ્ત્રપૂજન યોજાયું હતું. ત્યારે આ વખતે આરટીઓના નવા નિયમોને લઈને લોકોમાં હેલ્મેટ પહેરવા માટે જાગૃતતા આવે એ માટે હેલ્મેટ પૂજન પણ કરવામાં આવ્યું હતું. હેલ્મેટ પણ લોકોની રક્ષા કરતી હોઈ એનું પણ પૂજન કરવામાં આવ્યું હતું. શસ્ત્રપૂજનમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

દશેરા નિમિત્તે વડોદરા પોલીસ દ્વારા પ્રતાપનગર પોલીસ હેડક્વૉર્ટર્સ ખાતે શસ્ત્રપૂજા કરવામાં આવી હતી, જેમાં વડોદરા પોલીસ-કમિશનર અનુપમસિંહ ગહલોતે શસ્ત્ર અને અશ્વપૂજા કરી હતી. પોલીસ હેડક્વૉર્ટર્સ ખાતે પોલીસ બૅન્ડે સૂરાવલી સાથે પોલીસ-કમિશનરનું સ્વાગત કર્યું હતું. પોલીસ-કમિશનર અનુપમસિંહ ગહલોત તેમના પરિવાર સાથે શસ્ત્રપૂજામાં બેઠા હતા. મહારાજે સૌપ્રથમ ગણેશજીની પૂજાઅર્ચના કરાવી અને ત્યાર બાદ શસ્ત્રપૂજાની શરૂઆત કરાવી હતી.

આ પણ વાંચો : ઝોમૅટોમાંથી મંગાવેલા બે પીત્ઝા ગ્રાહકને 60 હજારમાં પડ્યા!

શસ્ત્રપૂજામાં પોલીસના તમામ ડીસીપી, એસીપી અને પ્રતાપનગર હેડક્વૉર્ટર્સના પોલીસ જવાનો જોડાયા હતા. સાથે જ પોલીસ-કમિશનરે તમામ પોલીસ-સ્ટેશનમાં પીઆઇઓને પણ શસ્ત્રપૂજા કરવા અપીલ કરી છે. પોલીસ-કમિશનરે પોતાના હાથેથી અશ્વને ગોળચણા ખવડાવ્યા હતા.

gujarat vadodara