વડોદરામાં ત્રણ કલાક સુધી ભેંસે મચાવી દોડધામ

20 July, 2019 09:43 AM IST  |  વડોદરા

વડોદરામાં ત્રણ કલાક સુધી ભેંસે મચાવી દોડધામ

બફેલો બની બેકાબુ

વડોદરામાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં રખડતા ઢોર પકડવા માટે ખાસ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. છેલ્લા કેટલાક દિવસથી મ્યુનિસિપલ કોર્પોરેશની ટીમ રખડતા ઢોર પકડવા પગલાં લઈ રહી છે. ત્યારે આવા જ એક પ્રયત્નમાં આજે ભેંસે વડોદરા શહેરમાં દોડધામ મચાવી હતી. વાઘોડિયા-ડભોઈ રિંગ રોડ પર ઢોર પાર્ટીના 3 કર્મચારીઓને ભેંસે ટક્કર મારી, જેને કારણે દોડ ધામ મચી હતી.

મળતી માહિતી પ્રમાણે વાઘોડિયા-ડભોઇ રીંગ રોડ પર બરોડા પબ્લિક સ્કૂલની બાજુ આવેલી ભેંસે ઢોર પાર્ટીને જોઇને નાસભાગ મચાવી હતી. ઢોર પાર્ટી દ્વારા ભેંસને પકડવા માટે પ્રયત્નો કરવામાં આવ્યા પરંતુ રોષે ભરાયેલી ભેંસ પકડાઈ ન રહી હતી. આખરે ભેંસને પકડવા માટે વન વિભાગની ટીમને બોલાવવાની ફરજ પડી હતી. કમાટીબાગના નિવૃત્ત ઝૂ ક્યુરેટર સી.બી.પટેલની મદદથી ભેંસને બેભાન કરવામાં આવી. ઝૂ ક્યૂરેટરે ભેંસ ઉપર ઘેનનું ઇન્જેક્શન છોડીને બેભાન કરી દીધી હતી. ત્યારબાદ ભેંસ કાબૂમાં આવી હતી.આખરે ઢોર પાર્ટીએ ભેંસને પકડીને લાલબાગ ઢોરવાડા ખાતે મોકલી છે.

ઉલ્લેખનીય છે કે નગર પાલિકાની ટીમે આજના દિવસાં ફક્ત સમતા વિસ્તારમાંથી જ 6 ગેરકાયદેસર ઢોરવાડાને સીલ કર્યાં હતા. પશુપાલકોએ પાલિકાની ટીમ સામે રોષ પણ ઠાલવ્યો હતો. જોકે, ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ગયેલી ટીમે પશુપાલકોના રોષની પરવા કર્યાં વીના 6 ઢોરવાડાને સીલ કર્યાં હતા. અને પશુપાલકોને નોટિસો ફટકારી હતી.

gujarat vadodara