બીએસએફમાં ફરજ બજાવતા જવાન આસામ બૉર્ડર પર શહીદ થયા

20 August, 2019 08:30 AM IST  |  વડોદરા

બીએસએફમાં ફરજ બજાવતા જવાન આસામ બૉર્ડર પર શહીદ થયા

સંજય સાધુ

વડોદરા શહેરના બીએસએફના જવાને આસામ બૉર્ડર પર પેટ્રોલિંગ દરમ્યાન જીવ ગુમાવ્યો છે. બીએસએફ જવાન સંજય સાધુ બીએસએફમાં ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા હતા. વડોદરાના ગોરવા કરોડિયા રોડ પર આવેલી ભગવતી કૃપા સોસાયટીમાં રહેતા શહીદ જવાનના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. જોકે સંજય સાધુએ કેવી રીતે જીવ ગુમાવ્યો તે અંગે હજી પરિવાર પણ અજાણ છે.

આસામ બૉર્ડર પર ૧૮ ઑગસ્ટના રોજ સાંજે ૭.૩૦ વાગ્યે બીએસએફના ઇન્સ્પેક્ટર સંજય સાધુ પેટ્રોલિંગમાં હતા ત્યારે તેઓને પશુ તસ્કરી થઈ રહી હોવાની શંકા ગઈ હતી જેથી તેઓ તુરત તે તરફ દોડી ગયા હતા. આ સમયે સંજય સાધુનો પગ લપસી ગયો હતો અને તેઓ નાળાના વહેતા પાણીમાં પડી ગયા હતા. જોકે તુરંત તેઓને બહાર કાઢીને બીએસએફની એમ્બ્યુલન્સ મારફતે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ડૉક્ટર્સે તેમને મૃત જાહેર કર્યા હતા.

આ પણ વાંચો : ફરી અમદાવાદમાં ધરાશાયી થઈ પાણીની ટાંકી, 8 લોકો દટાયા

શહીદ જવાનના ભાઈ જગદીશ સાધુએ જણાવ્યું હતું કે, કાલે રાત્રે ૧૦ વાગ્યે બીએસએફના જવાનો અમારા ઘરે આવ્યા હતા અને તેઓએ અમને કહ્યું હતું કે, દુઃખદ સમાચાર છે. સંજય સાધુ હવે આપણી વચ્ચે નથી રહ્યા. બે દિવસમાં તેમનો પાર્થિવ દેહ વડોદરા લાવવામાં આવશે. જોકે તેઓએ અમને કંઈ વધારે માહિતી આપી નહોતી. મારા ભાઈ સંજયની પત્ની, બે છોકરી અને એક છોકરો ગાંધીનગરમાં રહે છે. તેઓએ થોડા સમય પહેલાં જ ગાંધીનગરમાં મકાન રાખ્યું હતું અને તહેવારોમાં વડોદરા આવતા હતા પરંતુ અચાનક જ આ સમાચાર મળતા અમારા પરિવાર દુઃખમાં છે.

gujarat vadodara