ઊના, ખાંભા સહિત ગીર પંથકમાં વરસાદ : મોરબીમાં બે બાળકોનાં ડૂબી જવાથી મોત

22 September, 2019 08:52 AM IST  |  સૌરાષ્ટ્ર

ઊના, ખાંભા સહિત ગીર પંથકમાં વરસાદ : મોરબીમાં બે બાળકોનાં ડૂબી જવાથી મોત

વરસાદના પાણીમાં ડૂબી જવાને કારણે બેનાં મોત

ઊના-ખાંભા : (જી.એન.એસ.) સૌરાષ્ટ્રમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. છેલ્લા ૨-૩ દિવસથી સૌરાષ્ટ્રમાં છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે ત્યારે ઊના અને ખાંભા સહિત ગીર પંથકમાં આજે વહેલી સવારથી જ મેઘરાજાએ તોફાની બૅટિંગ શરૂ કરી દીધી છે. રાજકોટમાં આજે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. બીજી તરફ મોરબીના બરવાળામાં નાહવા ગયેલાં બે બાળકોનાં ડૂબી જવાથી મોત નીપજ્યાં છે.

આજે વહેલી સવારથી જ ઊનાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ગયો હતો. ઉમેજ, કાંધી અને ભાચા સહિતનાં ગામોમાં મુશળધાર વરસાદ વરસ્યો હતો. આ સાથે જ કોડીનારનાં ઘાટવડ, નગદલા અને જામવાળા સહિતનાં ગીરનાં ગામોમાં વરસાદ પડ્યો હતો. બીજી તરફ સૂત્રાપાડાના પ્રાચી, ગાંગેથા, પ્રાસલી, ટીમડી સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.
ખાંભા અને ગ્રામ્ય પંથકમાં વહેલી સવારથી જ ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. ખાંભાના ખાડધાર, બોરાળા, ચક્રવા, ધૂધવાના, ડેડાણ, ત્રાકુંડા, જામડા અને બારમણ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો છે.
ગીર પંથકમાં પડી રહેલા વરસાદને પગલે ઉમેજમાં એક મકાન ધરાશાયી થયું છે. સદ્નસીબે કોઈ જાનહાનિ થઈ નથી. કાચાં મકાનો હોવાને કારણે ચોમાસામાં વરસાદ પડવાનો સિલસિલો યથાવત્ રહે છે. આ ચોમાસામાં ગામડાંઓમાં ૧૨થી વધુ કાચાં મકાન ધરાશાયી થયાં છે જેથી કાચાં મકાનોનો સર્વે કરવા માટે લોકો માગણી કરી રહ્યા છે.
બીજી તરફ મોરબીના બરવાળામાં તળાવમાં નાહવા પડેલાં બે બાળકોનાં ડૂબી જવાથી મોત નીપજ્યાં છે, જેને લઈને પરિવારમાં શોક છવાયો છે.

saurashtra gujarat Gujarat Rains