અમદાવાદ ઍરપોર્ટથી મોટેરા સુધી લાખો લોકો આવકારશે

13 February, 2020 11:45 AM IST  |  Mumbai Desk

અમદાવાદ ઍરપોર્ટથી મોટેરા સુધી લાખો લોકો આવકારશે

અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ પહેલી જ વાર ભારતની સત્તાવાર મુલાકાતે આવી રહ્યા છે. આ મહિનાની ૨૪-૨૫ તારીખે તેઓ નવી દિલ્હી અને અમદાવાદની પણ મુલાકાતે આવશે. તેમની સાથે તેમનાં પત્ની મેલાનિયા પણ હશે. તરણજિત સિંહ સંધુએ અમેરિકાસ્થિત નવા ભારતીય રાજદૂત તરીકેનો હોદ્દો સંભાળી લીધા બાદ ટ્રમ્પની ભારત મુલાકાત નિશ્ચિત કરવામાં આવી છે.
નવી દિલ્હી, ખાસ કરીને અમદાવાદની સૂચિત મુલાકાત વિશે ટ્રમ્પ બહુ ઉત્સાહિત છે. તેમણે કહ્યું હતું કે ‘હું ભારત જઈ રહ્યો છું. પીએમ મોદીનું કહેવું છે કે ૫૦-૭૦ લાખ લોકો આપણને અમદાવાદમાં આવકારવા માટે હાજર રહેશે. અમદાવાદ ઍરપોર્ટથી મોટેરા સ્ટેડિયમ સુધી આપણી સાથે રહેશે.’ ટ્રમ્પની મુલાકાત દરમિયાન બન્ને દેશ વચ્ચે વ્યાપાર કરાર થાય એવી ધારણા રખાય છે.
ટ્રમ્પની ભારત મુલાકાત દરમિયાન પરસ્પર વ્યાપાર સમજૂતીમાં ભારત સરકાર અમેરિકાની ૨૯ કૃષિ ચીજવસ્તુઓ પરની ડ્યુટી પાછી ખેંચી લેવાની ઑફર કરે એવી પણ ધારણા છે. અમેરિકી મેડિકલ માલસામાન પર ભારત દ્વારા વસૂલાતી ઊંચી ડ્યુટીના મુદ્દા ઉપર ચર્ચા પણ થાય એવી ધારણા છે.
તે ઉપરાંત ઑટોમોબાઇલ્સ, એન્જિનિયરિંગ અને ઇન્ફર્મેશન ઍન્ડ ટેક્નૉલૉજી ક્ષેત્રોની ચીજવસ્તુઓ માટે માર્કેટ એક્સેસના મુદ્દા ઉપર પણ ચર્ચા થશે. મિલિટરી હાર્ડવેરની ખરીદી મામલે પણ ભારત સરકાર અમેરિકા પાસેથી અન્ય બાંહેધરી માગે એવી ધારણા છે. અમેરિકા અનેક ચીજવસ્તુઓની ભારતમાં નિકાસ કરે છે. આમ એને માટે મોટું ગ્રાહક અને બજાર છે.
ગયા સપ્તાહાંતે મોદી અને ટ્રમ્પ વચ્ચે ટેલિફોન પર વાતચીત થઈ હતી અને બન્ને નેતા બેઉ દેશ વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીને વધારે મજબૂત કરવા માટે સહમત થયા હતા. યુએસ સીક્રેટ સર્વિસના ચુનંદા અધિકારીઓની એક ટીમ ગુરુવારે અમદાવાદમાં આવશે અને સુરક્ષા વ્યવસ્થાનું અવલોકન કરશે.

donald trump narendra modi ahmedabad