આજે માતૃભાષા દિને આવો વધાવીએ અનોખા ભાષાયજ્ઞ પુસ્તક પરબને

21 February, 2020 08:46 AM IST  |  Mumbai Desk | Shailesh Nayak

આજે માતૃભાષા દિને આવો વધાવીએ અનોખા ભાષાયજ્ઞ પુસ્તક પરબને

માતૃભાષા અભિયાન દ્વારા યોજાતી પુસ્તક પરબમાંથી મનગમતાં પુસ્તકો લઈ રહેલા નાગરિકો તસવીરમાં દેખાય છે.

પાંચેક વર્ષ પહેલાં અમદાવાદમાંથી પુસ્તક પરબના માધ્યમથી શરૂ થયેલા માતૃભાષા અભિયાનનો એવો તે રંગ ગુજરાતીઓને લાગ્યો કે ગુજરાતમાં પુસ્તક પરબનાં ૧૭૬ કેન્દ્ર ધમધમવા લાગ્યાં છે. માતૃભાષા અને સંસ્કૃતિના જતન માટે ૮૦૦ જેટલાં ગુજરાતી પુસ્તકોથી શરૂ થયેલા અભિયાનમાં અત્યાર સુધીમાં ૮ લાખથી વધુ પુસ્તકો બિલકુલ ફ્રીમાં વાંચકો સુધી પહોંચ્યાં છે અને ગુજરાતી ભાષાનું સંવર્ધન થઈ રહ્યું છે. આજે અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં વધુ એક પુસ્તક પરબનું કેન્દ્ર શરૂ થશે.
આજે સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની ઉજવણી થશે ત્યારે ગુજરાતમાં અંગ્રેજીના વધતા જતા પ્રભુત્વ સામે ગુજરાતી ભાષાને માતૃભાષા અભિયાને ગાજતી કરી છે. માતૃભાષાના જતન માટે એક પણ રૂપિયો ચાર્જ કર્યા વગર નાગરિકોને મનગમતાં ગુજરાતી પુસ્તકો ફ્રીમાં અપાય છે. અમદાવાદ સહિત ગુજરાતમાં નાના--મોટાં શહેરો અને ગામડાંઓમાં દર મહિનાના પહેલા રવિવારે જાહેર જગ્યા પર સવારે દોઢસો–બસો ગુજરાતી પુસ્તકો લઈને માતૃભાષા અભિયાનના કાર્યવાહકો ઊભા રહે છે અને રસ્તેથી જતા–આવતા નાગરિકો તેમના રસનાં પુસ્તકો વિનામૂલ્યે લઈ જાય છે.
સાહિત્યકાર અને માતૃભાષા અભિયાનના કાર્યવાહક રાજેન્દ્ર પટેલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આજની પેઢી ગુજરાતી વાંચતી થાય એ ઉદ્દેશથી આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. યુવાનો સવિશેષ પશ્ચિમની સંસ્કૃતિથી અભિભૂત છે ત્યારે આપણી ભાષાની માવજત લેવી અનિવાર્ય છે એટલે ગુજરાતી ભાષા યુવાનો સહિત બધા નાગરિકો સુધી પહોંચે અને સાહિત્ય પ્રત્યે અભિમુખ બને એ માટે પુસ્તક પરબનો પ્રયોગ કર્યો અને એ સફળ રહ્યો છે. અમે નાગરિકો સુધી પુસ્તકો લઈ જવાનો પ્રયાસ કર્યો છે. યુવાનો, બાળકો સહિતના નાગરિકો વાંચશે તો ભાષા સચવાશે, સંસ્કૃતિ સચવાશે.’
પુસ્તક નાગરિકો સુધી કેવી રીતે પહોંચે છે એ વિશેની વાત કરતાં રાજેન્દ્ર પટેલે કહ્યું હતું કે ‘દર મહિનાના પહેલા રવિવારે જાહેર જગ્યા પર સવારે દોઢસો–બસો ગુજરાતી પુસ્તકો લઈને અમે ઊભા રહીએ છીએ. રસ્તેથી પસાર થતા કોઈ પણ નાગરિકો તેમને રસ હોય તો આ પુસ્તકોમાંથી કોઈ પણ પુસ્તક વિના મૂલ્યે લઈ જાય છે. અત્યાર સુધીમાં ૮ લાખથી વધુ પુસ્તકો વાંચકો લઈ ગયા છે.’
ગુજરાતના ખૂણે-ખૂણે પહોંચેલી પુસ્તક પરબની વાત કરતાં તેમણે કહ્યું હતું કે ‘અમદાવાદથી શરૂ થયેલું આ અભિયાન આગળ ધપાવ્યું છે અને ગાંધીનગર, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, મોરબી, અંજાર, હિંમતનગર, વિજાપુર, વિસનગર, નડિયાદ, ધોળકા, ગોધરા ઉપરાંત ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ, દક્ષિણ ગુજરાતનાં નાનાંમોટાં શહેરો અને ગામોમાં પુસ્તક પરબનાં કેન્દ્રો શરૂ થયાં છે. પુસ્તક પરબમાં મેં એક હજાર જેટલાં પુસ્તકો મારા ઘરેથી આપ્યાં હતાં. આ ઉપરાંત નિરંજન ભગત, ચંદ્રકાન્ત શેઠ, રઘુવીર ચૌધરી સહિતના સાહિત્યકારો–કવિઓએ, નાગરિકો તેમ જ પ્રકાશકોએ પણ પુસ્તકો આપ્યાં છે. અનેક વિષયોનાં પુસ્તકો અમારી પાસે આવ્યાં છે. પુસ્તકો વાંચવાથી બાળકો અને યુવાનોમાં આત્મવિશ્વાસ વધ્યો છે. તેમના વ્યક્તિત્વમાં પરિવર્તન આવે છે. તેઓ પ્રશ્નો કરતા થયા છે. આમ પુસ્તક પરબ વ્યક્તિત્વનું ઘડતર પણ કરે છે. આવા અનેક અનુભવોથી કેન્દ્રો છલકાય છે.’
ઉલ્લેખનીય છે કે માતૃભાષા અભિયાન દ્વારા ગુજરાતી ભાષાના જતન માટે ગ્રંથ મંદિર, દાદા – દાદીનો ઓટલો, બાળ સાહિત્ય શનિ સભા સહિતનાં અભિયાન ચલાવવામાં આવી રહ્યાં છે.

ahmedabad shailesh nayak gujarat