બોરીવલીનો જૈન પરિવાર નવસારીમાં થયેલા અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયો

02 November, 2019 12:57 PM IST  |  મુંબઈ ડેસ્ક

બોરીવલીનો જૈન પરિવાર નવસારીમાં થયેલા અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયો

મુંબઈ : (મિડ-ડે પ્રતિનિધિ) નવસારીમાં સગાંસંબંધીને મળવા ગયેલા બોરીવલી-વેસ્ટના સાંઈબાબાનગરમાં રહેતા જૈન પરિવારને ગુરુવારે સાંજે સાડાછ વાગ્યે નવસારી નજીક અકસ્માત નડ્યો હતો અને સંબંધીની કારમાં જ પાછા ફરી રહેલા પાંચ જણ આ ઘટનામાં ઘાયલ થયા હતા. તેઓ હાલમાં નવસારીની હૉસ્પિટલમાં ઍડ્મિટ છે. બે જણની ઈજા ગંભીર હોવાથી તેમના પર શુક્રવારે સર્જરી કરવામાં આવી હતી. 

બોરીવલી-વેસ્ટના સાંઈબાબાનગરમાં આવેલી એસટીજીજે સોસાયટીમાં રહેતા હિતેન્દ્રભાઈ જૈન તેમનાં પત્ની લીલાબહેન, દીકરી આશિતા અને દીકરો ગૌરવ દિવાળીની રજા હોવાથી નવસારીમાં સગાંસંબંધીઓને મળવા ગયાં હતાં. આ વિશે વધુ માહિતી આપતાં તેમના એક સંબંધી અને આ અકસ્માતમાં ઘાયલ થયેલા વિમલ શાહનાં બહેન વૈશાલી મારુએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે હિતેન્દ્રભાઈ અને તેમનો પરિવાર મારા ભાઈની અલ્ટો કારમાં મુંબઈ જવા માટે ગુરુવારે સાંજે ચોવિયાર કરીને નીકળ્યો હતો. તેમનો અંદાજ હતો કે મોડી રાત સુધી મુંબઈ પહોંચી જઈશું. કાર મારા ભાઈ વિમલ શાહ જ ચલાવી રહ્યા હતા. નવસારીથી મુંબઈ તરફ જવા માટે હાઇવે પર આવ્યા અને પાંચ કિલોમીટરના અંતરે જ ઍક્સિડન્ટ થયો હતો. એક ટેમ્પો સાથે તેમની કાર અથડાઈ હતી. એ પછી અકસ્માતનો કેસ હોવાથી તેમને પહેલાં સિવિલ હૉસ્પિટલ લઈ જવાયા અને ત્યાર બાદ મણિલાલ રીખવચંદ કોઠારી લાયન્સ ઑર્થોપિડિક ઍન્ડ મગનલાલ પ્રભુભાઈ પટેલ જનરલ હૉસ્પિટલમાં ખસેડાયા હતા. હિતેન્દ્રભાઈને જડબામાં ગંભીર ઈજા થઈ છે, જ્યારે લીલાબહેનના બન્ને હાથમાં ફ્રૅક્ચર આવ્યાં છે. દીકરી આશિતાએ મોઢા પર ટાંકા લેવા પડ્યા છે તથા ગૌરવને ગળા પાસે ઈજા થઈ છે. હાલમાં તમામને આઇસીયુમાં સારવાર અપાઈ રહી છે. કાર ચલાવી રહેલા વિમલભાઈને પણ હાથ-પગમાં મલ્ટિપલ ફ્રૅક્ચર થયાં છે. હિતેન્દ્રભાઈ અને વિમલભાઈ પર શુક્રવારે બપોરે સર્જરી કરવામાં આવી હતી.’
આ ઍક્સિડન્ટ સંદર્ભે સિવિલ હૉસ્પિટલમાંથી નવસારી રૂરલ પોલીસને જાણ કરાઈ હતી અને હાલમાં કેસની તપાસ પોલીસ અધિકારી અશોકભાઈ ચૌધરી કરી રહ્યા છે. રેડીમેડ ગાર્મેન્ટ સપ્લાયનો વ્યવસાય ધરાવતા હિતેન્દ્રભાઈની દીકરી દીક્ષા લેવાની છે. પરિવારને અકસ્માત નડ્યો હોવાની જાણ થતાં સગાંસંબંધીઓ ચિંતામાં સરી પડ્યાં છે.

borivali navsari