દીપડાના બચ્ચાને હેરાન કરતા 4 યુવકોની માહિતી આપનારને વન વિભાગ ઇનામ આપશે

15 October, 2019 10:45 AM IST  |  જૂનાગઢ

દીપડાના બચ્ચાને હેરાન કરતા 4 યુવકોની માહિતી આપનારને વન વિભાગ ઇનામ આપશે

સિંહની પજવણી બાદ હવે ગુજરાતનાં જંગલોમાં દીપડાની પજવણી થઈ રહી છે, જેનો વિડિયો સામે આવતાં જ વન વિભાગ દોડતો થયો છે. ચારથી વધુ યુવાનો દ્વારા દીપડાના બચ્ચાને પકડીને એની પજવણી કરાઈ રહી છે. યુવકોએ દીપડાના બચ્ચાને બોચીથી બિન્દાસ પકડ્યું છે અને એની સાથે ગમ્મત કરી રહ્યા છે. આ મામલે રાજ્યભરના પ્રાણીપ્રેમીઓમાં રોષ ફાટી નીકળ્યો છે. તો બીજી તરફ ગીર ફૉરેસ્ટ ટાસ્ક ફોર્સ દ્વારા પજવણી કરનારા યુવકોને શોધનારાને ૨૫ હજારનું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે. 

દીપડાના બચ્ચાના વાઇરલ વિડિયો મામલે વન વિભાગે સઘન તપાસ શરૂ કરી છે. આ વિડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે ૪ યુવાનો દીપડીના બચ્ચા સાથે વિકૃત આનંદ માણી રહ્યા છે. માતાથી વિખૂટા પડેલા બચ્ચા સાથે યુવાનોએ મોબાઇલમાં વિડિયો ઉતાર્યો હતો. ગીર ફૉરેસ્ટ ટાસ્ક ફોર્સ દ્વારા આ યુવાનોને પકડવા માટે ૨૫ હજારનું ઇનામ જાહેર કરાયું છે. વન વિભાગે કહ્યું કે દીપડાના બચ્ચાને પરેશાન કરનારનો કોઈ પત્તો આપશે તેને ૨૫ હજારનું ઇનામ આપવામાં આવશે. ગીર ફૉરેસ્ટની ટાસ્ક ફોર્સ દ્વારા આ ઇનામની જાહેરાત કરાઈ છે. ઉલ્લેખનીય છે કે ગીર જંગલમાં જંગલી જાનવરોની પજવણી કરનારાઓને પકડવા પહેલી વાર ઇનામ જાહેર કરાયું છે.

gujarat junagadh