સુરત આગની ઘટનામાં ચોંકાવનારો ખુલાસો, આ કારણે વિકરાળ બની આગ

25 May, 2019 12:13 PM IST  |  સુરત

સુરત આગની ઘટનામાં ચોંકાવનારો ખુલાસો, આ કારણે વિકરાળ બની આગ

છત પર ચાલતા હતા ક્લાસિસ

સુરતમાં લાગેલી આગમાં ચોંકાવનારો ખુલાસો આવ્યો છે. 21 માસૂમ બાળકોને ભરખી જનારી આગ કેમ ફેલાઈ તે અંગે પ્રાથમિક ચપાસમાં થયેલો ખુલાસો ચોંકાવનારો છે. આગ ફેલાવાનું કારણ તક્ષશિલા આર્કેડની છત પર લાગેલા થર્મોકોલ હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી પ્રમાણે તક્ષશિલા આર્કેડની છત પર ટ્યુશન ક્લાસિસ ચલાવાઈ રહ્યા હતા. છત પર છાપરા નાખીને આ ટ્યુશન ક્લાસિસ ચલાવાઈ રહ્યા હતા. આ છાપરાને કારણે વિદ્યાર્થીઓને ગરમી ન લાગે તે માટે થર્મોકોલનું લેયર કરાયું હતું. આ જ થર્મોકોલને કારણે જ તક્ષશિલા આર્કેડમાં આગ વિકરાળ બની હતી.

થર્મોકોલને કારણે ફેલાઈ આગ

થર્મોકોલ એ એવો પદાર્થ છે, જે આગને ઝડપથી પકડી લે છે. છત પર લાગેલા થર્મોકોલને કારણે આગળની જ્વાળાઓ વિકરાળ બનીને ફેલાઈ હતી. અને આ આગ 21 પરિવારોને તહસનહસ કરતી ગઈ. હવે સવાલ એ છે કે આ ક્લાસિસના સંચાલક પાસે છત પર આ રીતે છાપરા લગાવીને ક્લાસિસ ચલાવવાની પરવાનગી હતી કે નહીં ? જો પરવાનગી નહોતી તો કોઈને આ અંગે કેમ ખ્યાલ ન આવ્યો ?

ઘોડા નાસી ગયા પછી તબેલાને તાળા

ઘોડા નાસી ગયા પછી તબેલાને તાળાની માફક તંત્ર હરકતમાં આવયું છે. રાજ્યભરમાં ટ્યુશન ક્લાસિસ બંધ કરવા આદેશ આપી દેવાયા છે. અને ફાયર સેફ્ટીની ચકાસણી થઈ રહી છે. તક્ષશિલા કોમ્પ્લેક્સના બિલ્ડર હરસુખ વેકરિયા અને તેના પાર્ટનર જિજ્ઞેશ સવજી તેમજ ક્લાસિસના સંચાલક ભાર્ગવ બુટાણી સામે સુરત ક્રાઇમ બ્રાન્ચે હત્યાનો ગુનો નોંધ્યો છે. પોલીસે સંચાલક ભાર્ગવ બુટાણીની ધરપકડ કરી લીધી છે. ચોંકાવનારી વાત એ પણ સામે આવી છે કે બિલ્ડર હરસુખ વેકરિયા અને તેમનો પાર્ટનર જિજ્ઞેશ સવજી પાગદારે તક્ષશિલા બિલ્ડિંગમાં ત્રીજો અને ચોથો માળ ગેરકાયદે ચણી દીધો હતો અને ફાયર સેફ્ટીનાં સાધનો જ ન હતાં તેમની સામે પોલીસે આઇપીસી 304 હેઠળ ગુનો દાખલ કર્યો છે.

આ પણ વાંચોઃ રાજકોટ: ધો-12 કોમર્સના વિદ્યાર્થીઓએ સુરત આગમાં મૃત્યુ વિદ્યાર્થીઓને આપી શ્રદ્ધાંજલિ

ગુનો દાખલ

ભાર્ગવ બુટાણી ફાયર સેફ્ટીનાં સાધનો ન હોવા છતાં તમામ નીતિનિયમોને નેવે મૂકી ક્લાસ ચલાવતો હતો. તેની સામે પણ આઇપીસી 304 હેઠળ ગુનો દાખલ કરાયો છે. જોકે સુરત ક્રાઇમ બ્રાન્ચે ભાર્ગવની ધરપકડ કરી લીધી છે.

surat gujarat news