ઉકાઈ ડૅમમાં પોણા બે લાખ ક્યુસેક પાણી છોડાતાં તાપી બે કાંઠે

30 September, 2019 08:29 AM IST  |  સુરત

ઉકાઈ ડૅમમાં પોણા બે લાખ ક્યુસેક પાણી છોડાતાં તાપી બે કાંઠે

ઉકાઈ ડૅમ

ઉપરવાસના મહારાષ્ટ્ર અને ઉકાઈના બ્લાઇન્ડ કૅચમેન્ટમાં વરસેલા ભારે વરસાદના કારણે ડૅમમાં પાણીની આવક સતત વધુ આવી રહી છે. પાણીની આવક વધારે હોવાના કારણે ડૅમમાંથી પોણા બે લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના પગલે સુરતમાં તાપી નદી બે કાંઠે વહી રહી છે. કોઝવેની ભયજનક સપાટીથી તાપી નદીમાં ૨.૪૩ મીટર વધુ પાણી વહી રહ્યું છે.

ઉકાઈ ડૅમની ભયજનક સપાટી ૩૪૫ ફીટ છે. ડૅમ હાલ ૯૯ ટકાથી વધુ એટલે કે ૩૪૪.૨૩ ફીટ ભરાઈ ગયો છે. આ સિવાય ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ડૅમમાં પાણીની આવક ૧લાખ ૧૯ હજાર ૨૪૪ ક્યુસેક છે જેથી ડૅમ તંત્ર દ્વારા પાણીની જાવક વધારી દેવામાં આવી છે. ઉકાઈ ડૅમના ૧૬ દરવાજા ખોલીને ૧ લાખ ૭૧ હજાર ૬૨૮ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

હાલ ડૅમ માત્ર ભયજનક સપાટીથી ૦.૭૭ ફુટ જ બાકી રહ્યો છે. તાપી નદીમાં ઉકાઈમાંથી પાણી છોડવામાં આવી રહ્યું હોવાથી સુરતમાં નદી બે કાંઠે વહી રહી છે. કોઝવેની છ મીટરની સપાટીની ઉપર ૨.૪૩ મીટર પાણી વહી રહ્યું છે. તાપી ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે. કોઝવેનું લેવલ હાલ ૮.૪૩ મીટર છે જેથી સુરતીઓની ચિંતા વધે તેમ છે. જોકે ઉકાઈની સપાટી મેઇન્ટેન કરવા માટે આવકની સામે જાવક વધારી દેવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

ઉનાના નવાબંદરની બોટે મધદરિયામાં જળસમાધિ લેતાં ચાર ખલાસીઓ લાપતા

અરબી સમુદ્રમાં ઉનાના નવાબંદરની બોટ મધદરિયામાં જળસમાધિ લેતાં અરેરાટી ફેલાઈ ગઈ છે. સાત ખલાસી સાથે પાંચ દિવસ પહેલાં ફિશિંગ કરવા ગયેલી બોટ ત્રણ નંબરનું સિગ્નલ લગાવતાં પરત આવતી હતી એ દરમિયાન જોરદાર પવનને લીધે બોટ દરિયાના મોજામાં ડૂબી ગઈ હતી.

નેવી કોસ્ટગાર્ડ મરીન પોલીસ ફિશરીઝ ડિપાર્ટમેન્ટ સાથે નવાબંદર, જાફરાબાદ, સૈયદ રાજપરાની પચાસથી વધુ બોટો ખલાસીઓ શોધી રહી છે.

નવાબંદર દરિયાઈ કિનારે જેટી પરથી બચીબેન ભગાભાઈની બોટ-નબંર જીજે-૧૧ એમએમ-૫૮૦૩ અંબિકા પ્રસાદ નામની બોટ બંદરથી પચીસ નોટિકલ માઇલ દૂર દરિયાઈ સીમામાં સાત ખલાસી સાથે ગઈ રાતે ડૂબ્યા બાદ સંપર્ક તૂટ્યો હતો.
અન્ય બોટના ખલાસીઓને બોટની સામગ્રી દરિયાઈ સીમામાં જોવા મળતાં બોટ ડૂબેલી હોવાની જાણકારી નવાબંદરના સરપંચ સોમાભાઈને કરાતાં તંત્રને અલર્ટ કર્યું હતું.

આ પણ વાંચો : જૂનાગઢમાં બે ઇંચ તો જેતપુર,ગોંડલ, ઉપલેટામાં દોઢ ઇંચ વરસાદ ખાબક્યો

આ ઉપરાંત ટંડેલ ભરત નારણ, જયંતી મેધા અને ભરત ઘેલા ઉના તાલુકાના ખલાસીઓ છે તેમને પાટિયાના સહારે મધરાતે જીવણ-મરણ વચ્ચે દરિયાઈ સીમામાં બચવા તરફડતા જુદી-જુદી બોટના ખલાસીઓએ પાણીમાંથી બચાવ્યા હતા. બોટને અકસ્માતની ઘટનાની વિગતો મળતાં માછીમાર સમાજ ચિંતામાં ગરકાવ થઈ ગયો હતો.

નવાબંદર બંદરના આગેવાન હરીભાઈ સોલંકીએ દોડી જઈને તમામ માછીમારને બચાવવા નેવી પાસે હેલિકૉપ્ટરની મદદ માગી હતી.

rajkot Gujarat Rains surat