સુરત : બાળકોની તસ્કરી કરી મજૂરી કરાવવાનું કૌભાંડ ઝડપાયું

30 December, 2019 09:23 AM IST  |  Surat | Tejash Modi

સુરત : બાળકોની તસ્કરી કરી મજૂરી કરાવવાનું કૌભાંડ ઝડપાયું

બાળકોની તસ્કરી કરી મજૂરી કરાવવાનું કૌભાંડ ઝડપાયું

રાજસ્થાનના મેવાડ અને ઉદયપુરના ગરીબ વિસ્તારોનાં બાળકોને રોજગાર આપવાની લાલચે સુરતમાં લાવી તેમની પાસે બાળમજૂરી કરાવવાના કૌભાંડનો પર્દાફાશ રાજસ્થાનની એજન્સીઓએ બચપન બચાઓ અભિયાન અને અન્ય એનજીઓ સાથે મળીને કર્યો છે. એક તબક્કે બાળકોની તસ્કરી કહી શકાય એવી આ ઘટનામાં ૧૩૮ જેટલાં બાળકોને મુક્ત કરાવવામાં આવ્યાં છે. દસથી સોળ વર્ષનાં બાળકોને પાસે આખો દિવસ કામ કરાવવામાં આવતું હતું. ખૂબ જ દયનીય હાલમાં આ બાળકો મળી આવ્યાં છે.

રાજસ્થાન ચાઇલ્ડ પ્રોટેક્શન કમિશન અને બચપન બચાઓ અભિયાનની અધ્યક્ષતામાં એક ટીમ સુરત આવી હતી. સુરતના પુણા વિસ્તારની સીતારામ સોસાયટીમાં દસ દિવસ સુધી રેકી કરી તમામ માહિતી એકત્રિત કરવામાં આવી છે. ટીમે કેટલાં બાળકો કયા ઘરમાં કામ કરે છે એની વિડિયો અને ફોટોગ્રાફ્સ સાથેની માહિતી ભેગી કરી હતી. શુક્રવારે જ્યારે તમામ બાબતો સ્પષ્ટ થઈ ગઈ ત્યારે સુરત પોલીસની મદદ લઈ રવિવારે વહેલી સવારે આ ઑપરેશન કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. સીતારામ સોસાયટીમાં સાડીઓની ગડી વળવાનું કામ કરી રહેલાં બાળકો દેખાઈ આવતાં તેમને રેસ્ક્યુ કરવામાં આવ્યાં હતાં. એક પછી એક કરીને ૧૩૮ બાળકો ટીમને હાથ લાગ્યાં હતાં.

આ આખું ઑપરેશન જેમની અધ્યક્ષતામાં ચાલી રહ્યું હતું એવા રાજસ્થાન સ્ટેટ્સ કમિશન ફૉર પ્રોટેક્શન ઑફ ચાઇલ્ડ રાઇટ્સના મેમ્બર ડૉ. શૈલેન્દ્ર પંડ્યાએ જણાવ્યું હતું કે અમને જે માહિતી મળી હતી એમાં અંદાજે ૬૦થી ૭૦ બાળકો અહીં કામ કરતાં હોવાની હતી, જોકે અમારી રેઇડમાં ૧૩૮ જેટલાં બાળકો મળી આવ્યાં હતાં. આ તમામ બાળકો રાજસ્થાનના મેવાડ અને ઉદેપુર વિસ્તારનાં છે. આ બાળકો પાસે ખૂબ જ કાળી મજૂરી કરાવવામાં આવે છે. રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગહલોત સુધી આ વાત પહોંચી હતી, જેથી તેમને પણ આ બાબતની ગંભીરતા સમજી કાર્યવાહી કરવા જણાવ્યું હતું.

હાલમાં જે બાળકો મળી આવ્યાં છે તેમને રાજસ્થાન પરત લઈ જવામાં આવશે અને તેમનાં માતા-પિતાને સોંપવામાં આવશે સાથે જ તેઓ ફરીથી આ રીતે મજૂરી કરવા તરફ ન વળે એ માટે સરકારની યોજના અંગે સમજાવી તેમને એનો લાભ આપવામાં આવશે. આ બાળકોને મજૂરી માટે લાવનારા વચેટિયા કે દલાલો સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. કેટલાક લોકોને પકડવામાં પણ આવ્યા છે. જોકે પકડાયેલા લોકો દલાલો નથી, પરંતુ બાળકો પર નજર રાખવાનું કામ કરતા હતા. આ તમામને સુરત પોલીસને હવાલે કરવામાં આવ્યા છે.

તમામ બાળકોને રાજસ્થાન લઈ જવામાં આવી રહ્યાં છે જ્યાં તેમની પૂછપરછ કર્યા બાદ દરેક બાળક મુજબ ક્રિમિનલ સહિતના ઍક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. રાજસ્થાન સરકાર અને ગુજરાત સરકાર આ બાબતે ખૂબ ગંભીર છે, રાજસ્થાન અને ગુજરાતના બાળ પ્રોટેક્શન કમિશન સાથે મળીને આ દિશામાં જરૂરથી કામ કરશે અને એના માટે આગામી દિવસોમાં ગુજરાતના બાળ આયોગ સાથે તેઓ મુલાકાત કરી મજબૂત રીતે આ દિશામાં કામગીરી કરવામાં આવશે.

surat gujarat Crime News rajasthan