ગાંધીનગર: શંકરસિંહ વાઘેલાના ઘરે ચૌકીદાર ચોર હૈ

19 March, 2019 07:49 AM IST  |  ગાંધીનગર | શૈલેશ નાયક

ગાંધીનગર: શંકરસિંહ વાઘેલાના ઘરે ચૌકીદાર ચોર હૈ

શંકરસિંહ વાઘેલા

ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન શંકરસિંહ વાઘેલાના ગાંધીનગરસ્થિત આવેલા વસંત વગડો બંગલામાં સાફસફાઈનું કામ કરનાર નેપાળના બાસુદેવ નેપાળી ઉર્ફે શંભુ ગુરખા અને તેની પત્ની શારદાએ બાપુના દાગીના અને રોકડ રકમની ‘હાથસફાઈ’ કરીને આશરે રૂપિયા બે લાખના દાગીના તેમ જ રોકડા ત્રણ લાખ રૂપિયાની ચોરી કરી નાસી ગયાં હોવાની ફરિયાદ પેથાપુર પોલીસ-સ્ટેશનમાં નોંધાઈ છે. આ બનાવના પગલે સોશ્યલ મિડિયામાં હળવી રમૂજ ચાલી હતી કે ‘શંકરસિંહ વાઘેલાના ઘરે ચોકીદારે કરી ચોરી.’

શંકરસિંહ વાઘેલાના ત્યાં નોકરી કરતા સૂર્યસિંહ ચાવડાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે બાસુદેવ નેપાળી ગયા વર્ષે ઑક્ટોબર મહિનામાં નેપાળ ગયો એ દરમ્યાન વસંત વગડામાં શંકરસિંહ બાપુજીના બંગલામાંના ગુલાબબાના રૂમના કબાટમાં મૂકેલા આશરે બે લાખના સોનાના દાગીના તથા આશરે રોકડા ત્રણ લાખ રૂપિયા મળી કુલ પાંચ લાખની મતાની ચોરી કરી ગુનો કર્યો છે.

બાસુદેવ નેપાળી તેની પત્ની અને બાળકો સાથે એક વર્ષથી વસંત વગડામાં રહેતો હતો. બાસુદેવ નેપાળીને છેલ્લાં ચાર વર્ષથી નોકરીએ રાખ્યો હતો. શંકરસિંહ વાઘેલાની નાની બહેનના દીકરાનાં લગ્નમાં બધા ઘરના લોકોએ ભેગા થઈને ત્રણ લાખ રૂપિયા વ્યવહાર કરવા માટે બાપુના નિવાસસ્થાને ગુલાબબાને આપ્યા હતા. આ ઉપરાંત લગ્નમાં પહેરવા માટેના દાગીના - ગળાનો હાર, સોનાની બંગડીઓ, બીજો એક સોનાનો નાનો હાર, એક ચેઇન સહિત દસથી બાર તોલાના દાગીના આશરે રૂપિયા બે લાખ, જે લગ્નમાં ઉપયોગ કરવા માટે ગુલાબબાની પાસે રાખેલા હતા.

શંભુ તથા તેની પત્ની શારદા બાપુના ઘરની તથા બાના રૂમની સાફસફાઈ કરતાં હતાં. શંભુ તેનાં બાળકોને નેપાળ ભણવા માટે પાછાં મૂકવા જવાનું કહીને ગયા વર્ષે ઑક્ટોબર મહિનામાં તેની પત્ની તથા બાળકો સાથે નેપાળ જતો રહ્યો હતો. દરમ્યાન લગ્નપ્રસંગ આવતા જે કબાટમાં દાગીના તથા રોકડ રકમ મૂકી હતી એ કબાટમાં દાગીના કે રોકડ નહીં જણાતાં ઘરમાં બીજા બધાને પૂછ્યું હતું, પરંતુ કોઈને એની ખબર નહોતી. આ રોકડ અને દાગીનાની જાણ શંભુ અને તેની પત્નીને હતી.

આ પણ વાંચો : કોંગ્રેસમાં જોડાયા બાદ હાર્દિક થયો બેરોજગાર, ટ્વિટર હેન્ડલનું નામ

બાપુએ શંભુને ફોન કરતાં થોડા સમયમાં પરત આવીશ એમ કહ્યું હતું, પરંતુ પરત આવ્યો નથી, જેથી આ ચોરી શંભુ તથા તેની પત્ની શારદાએ ગયા વર્ષે ઑક્ટોબર મહિના દરમ્યાન કરી હોવાનું મારું માનવું છે, તેથી આ ફરિયાદ કરી છે.

gujarat gandhinagar Crime News