વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં રાત્રે સ્વચ્છતાના ગરબાની રંગત માણી

04 October, 2019 08:27 AM IST  |  અમદાવાદ | શૈલેષ નાયક

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં રાત્રે સ્વચ્છતાના ગરબાની રંગત માણી

અમદાવાદમાં વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવમાં જગત જનની આદ્યશક્તિ અંબે માતાજીની આરતી ઉતારી રહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી.

ગુજરાતની નવરાત્રિ વિશ્વપ્રસિદ્ધ છે ત્યારે બુધવારે રાત્રે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવમાં માતાજીની આરતી ઉતારીને ખેલૈયાઓને ગરબે ઘૂમતા જોયા હતા અને સ્વચ્છતાના ગરબાની રંગત માણી હતી.

નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે તેમણે વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવ શરૂ કરાવ્યો હતો. આજે પણ અવિરત રીતે આ મહોત્સવ યોજાઈ રહ્યો છે ત્યારે મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે બુધવારે અમદાવાદ આવેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત સરકાર અને ગુજરાત પ્રવાસન નિગમના સહયોગથી જી.એમ.ડી.સી. ગ્રાઉન્ડમાં યોજાઈ રહેલા વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા.

‘બધા સંકલ્પ લ્યો, સ્વચ્છ ભારત બનાવો, સમજીને દેશમાં સ્વચ્છતા લાવો...’ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં લોકગાયક કીર્તિદાન ગઢવીએ સ્વચ્છતાના ગરબા ગાયા હતા. આ ઉપરાંત ગાંધીબાપુ પર બનેલા ગીત ‘દે દી હમેં આઝાદી બિના ખડગ બિના ઢાલ, સાબરમતી કે સંત તુને કર દિયા કમાલ...’ ગરબાના રિધમમાં ગાયું હતું અને ખેલૈયાઓ ઝૂમી ઊઠ્યા હતા.

આ પણ વાંચો : બોલો, ગુજરાતીઓની બેંગકોક જવાની સંખ્યામાં વધારો થતાં નવી ફ્લાઇટ શરૂ કરાઇ

ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલની હાજરીમાં નરેન્દ્ર મોદીએ જગત જનની આદ્યશક્તિ અંબે માતાજીની ભાવપૂર્વક આરતી ઉતારી હતી. ગરબા મહોત્સવની રંગત માણવા આવેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ખાદીની શાલ અને અંબાજી માતાની ચૂંદડીની પ્રસાદી વિજય રૂપાણીએ અર્પણ કરી સ્વાગત અભિવાદન કર્યું હતું.

ahmedabad gujarat narendra modi