મમ્મી-દીકરી ઍક્ટિવા અને બાઇક રાઇડ કરી અમદાવાદથી ખારદુંગ લા પહોંચ્યાં

10 July, 2019 07:56 AM IST  |  અમદાવાદ | શૈલેષ નાયક

મમ્મી-દીકરી ઍક્ટિવા અને બાઇક રાઇડ કરી અમદાવાદથી ખારદુંગ લા પહોંચ્યાં

મમ્મી-દીકરીનો અનોખો રેકૉર્ડ

બાઇક રાઇડ કરીને દુનિયામાં ઘણા બધા બાઇકર્સ ફરતા હોય છે પરંતુ અમદાવાદની મા – દીકરીએ અમદાવાદથી ૪,૮૬૦ કિ.મી.સુધી એક્ટિવા અને બાઇક રાઇડ કરીને સૌથી વધુ ઊંચાઈ (૧૮,૩૮૦ ફૂટ)પર આવેલા મોટરેબલ રોડ ખારદુંગ લામાં પહોંચીને અનોખો રેકોર્ડ બનાવ્યો છે. ભારતમાં કદાચ આવુ પહેલીવાર બન્યું હશે કે મા – દીકરીએ સાહસિકતાના દર્શન કરાવતા રાઇડ કરીને આટલી ઊંચાઇ પહોંચ્યાં હોય.

અમદાવાદમાં રહેતા ૪૮ વર્ષના હાઉસ વાઇફ રચના પટેલ અને ૧૯ વર્ષની તેમની દિકરી નિકિતા પટેલ તેમજ ૩૨ વર્ષના વિજયેતા તોલાનીએ ૧૭ દિવસમાં ૪૮૬૦ કિ.મી.નું અંતર કાપી અમદાવાદથી ખારદુંગ લાની એકસાઇટિંગ રાઇડ કરીને ગીયરલેસ વ્હીકલ ટુ ખારદુંગ લા પાસ ટોપનો અનોખો રેકોર્ડ બનાવ્યો છે અને વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા બુકમાં સ્થાન મેળવ્યું છે. એક્ટિવા રાઇડ કરીને રચના પટેલ અને વિજેતા તોલાની આટલી ઊંચાઇએ પહોંચનારા પહેલાં મહિલા બન્યાં છે અને વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયામાં સ્થાન મેળવી રેકોર્ડ બનાવ્યો છે.

૪૮ વર્ષના રચના પટેલે મિડ-ડેને કહ્યું હતું કે મારા મિસ્ટર બાઇક પર લંડન ગયા હતા તો મને થયું કે હું પણ કંઇક કરું.પહેલી વાર મારી દીકરી નિકિતા સાથે એક્ટિવા પર ખારદુંગ લા ગઇ. મારી દીકરી બાઇક ચલાવતી હતી અને હું એક્ટિવા ચલાવતી હતી.રસ્તામાં તકલીફ તો બહુ પડી, પરંતુ હિંમત રાખીને આગળ વધતા ગયા હતા. હેવી સ્નો ફોલ થતો હતો, રસ્તા પાણીવાળા થઇ જતા હોવાથી એક્ટિવા સ્લિપ થઇ જતું, તેજ હવા ચાલતી હોવાથી એક્ટિવા ચલાવવામાં પણ બહુ તકલીફ પડી હતી પરંતુ હિંરમત સાથે આગળ વધી રહ્યાં હતા અને નિર્ધારિત લક્ષ્ય પર પહોંચ્યા હતા.જેની અમને ખુશી છે. પહેલી વખત આવું સાહસ કર્યું તેનો આનંદ થયો.

રચના પટેલે ગૃહિણીઓને એક સંદેશ આપતા કહ્યું હતું કે જે હાઉસ વાઇફ ડ્રીમ લઇને બેઠી હોય તે હિંમત કરીને પુરા કરો, તમે તેમાં સફળ થશો.ઘરમાં બેસી ના રહો.

૧૯ વર્ષની નિકિતાએ મિડ-ડેને કહ્યું હતું કે આવી ઓપોર્ચ્યુનિટી મને ક્યાંથી મળે કે મમ્મી સાથે રાઇડ કરીને જવાનું હોય. સામાન્ય રીતે તો ફ્રેન્ડ સાથે જતા હોઇએ છીએ પણ મને મંમ્મી સાથે જવાનો મોકો મળ્યો. આખી સફરમાં મમ્મીએ ગજબનું સાહસ કર્યું હતું અને મને હિંમત આપી હતી. મમ્મી હિંમત આપતી હોવાથી મારા માટે સફર આસાન બની હતી.

ઉલ્લેખનીય છે કે વર્લ્ડ ટ્રેઝર ગ્રુપ દ્વારા આ સફર કરવામાં આવી હતી જેમાં પ્રણવ ગૌધાવિયા, અખીલ ગોહીલ અને વૃષ્ટી ગોહીલ તેની સાથે હતા.

આ પણ વાંચો : ગુજરાત સરકારે પ્લેન-હેલિકોપ્ટરના મેન્ટેનન્સમાં ખર્ચી નાખ્યા આટલા રૂપિયા

પ્રણવ ગૌધાવિયાએ મિડ-ડેને કહ્યું હતું કે અમદાવાદથી તા.૮ જૂને સફર શરૂ કરી હતી અને ૧૭ જૂને ખારદુંગલા પહોંચ્યા હતા અને ત્યાંથી ૨૫ જૂને અમદાવાદ પરત ફર્યા હતા. અમદાવાદથી બ્યાવર, દિલ્હી, બિલાસપુર, મનાલી, લેહ, ખારદુંગ લા અને નુગરાવેલી સુધી ગયા હતા અને ત્યાંથી પરત ફર્યા હતા.

ahmedabad gujarat