સુરતના ઍડ્વોકેટે નરેન્દ્ર મોદી પર PhD કરી

16 March, 2019 07:52 AM IST  |  | રશ્મિન શાહ

સુરતના ઍડ્વોકેટે નરેન્દ્ર મોદી પર PhD કરી

PhDની ડિગ્રીના સર્ટિફિકેટ સાથે મેહુલ ચોકસી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની કામગીરી અને તેમના દ્વારા જાહેર કરવામાં આવેલી યોજના અને એ યોજનાને ફળીભૂત કરવા માટેની તેમની કાર્યદક્ષતા પર દેશમાં સૌપ્રથમ રિસર્ચ કરનારા સુરતના ઍડ્વોકેટ મેહુલ ચોકસીની થીસિસને સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા PhDની ડિગ્રી એનાયત થઈ છે. મેહુલ ચોકસીએ આઠ વર્ષ પહેલાં ૨૦૧૦ની ૧૯ એપ્રિલથી ‘લીડરશિપ ઇન ગવર્નન્સ : કેસસ્ટડી ઑફ નરેન્દ્ર મોદી’ નામનું પોતાનું રિસર્ચ શરૂ કર્યું હતું. મેહુલ ચોકસીએ કહ્યું હતું કે ‘યુનિવર્સિટીનો નિયમ છે કે તમે જીવિત વ્યક્તિ પર કે તેના કામ પર જો PhD કરતા હો તો તમારે તેમની પરમિશન લેવી પડે. ઑફિશ્યલ પરમિશન માટે હું નરેન્દ્ર મોદીને મળ્યો ત્યારે તેમણે હસતાં-હસતાં કહ્યું હતું કે એક શરતે પરમિશન આપીશ કે કોઈ જાતના પ્રભાવ વિના અભ્યાસ કરવાનો અને જે સાચું છે એ બહાર લાવવાનું.’

૧૨૧ પેજની આ થીસિસમાં મેહુલભાઈએ નરેન્દ્ર મોદીની સરકારી સિસ્ટમમાં પૉલિટિકલ લીડરની ભૂમિકા, યોજનાઓનું અમલીકરણ, ખાનગી લોકો સાથે લોકભાગીદારીની નીતિ, અસરકારક રીતે ઝડપી કામ કરવાની સિસ્ટમ જેવા મુદ્દાઓને સાંકળી લીધા છે. મેહુલ ચોકસીએ આખું સંશોધન બે ભાગમાં વહેંચી નાખ્યું છે. તેમણે એના પહેલા ભાગમાં આઇએઅસ, આઇપીએસ અને ગવર્નમેન્ટ ઑફિસર તથા પૉલિટિકલ આગેવાનોને લેવાનું અને બીજા ભાગમાં સામાન્ય લોકોને સમાવવાનું કામ કર્યું. બે વર્ષ દરમ્યાન ૪૫૦થી વધુ લોકોને મળીને આ રિસર્ચકામ પૂÊરું કરવામાં આવ્યું. મેહુલ ચોકસીએ કહ્યું હતું કે ‘આપણે ત્યાં એક પણ લીડર એવો નથી થયો જે કામને પ્રાધાન્ય આપતો હોય અને એ ઉપરાંત પોતાના અધિકારીઓને રિઝલ્ટ ઓરિયેન્ટેડ બનાવતો હોય. પહેલાં એક કામમાં પાંચથી દસ ટેબલો પર ફરવું પડતું, પણ નરેન્દ્ર મોદીએ મોટા ભાગની નકામી વિન્ડો બંધ કરીને એ ત્રીસથી ચાલીસ ટકા કરી નાખી જેને લીધે પ્રોગ્રેસ ઝડપથી થયો. તેમની આ વાતથી પ્રભાવિત થઈને મેં તેમના પર PhD કરવાનું નક્કી કર્યું.’

આ પણ વાંચો : અમદાવાદમાં પહેલીવાર PUB G રમતા યુવકોની થઇ ધરપકડ

છેલ્લે ઉમેરી દીધું વડા પ્રધાનપદ પણ

PhDની સ્ટડી ચાલુ થઈ ત્યારે નરેન્દ્ર મોદી મુખ્ય પ્રધાન હતા, પણ અત્યારે તેઓ વડા પ્રધાનપદે છે એટલે યુનિવર્સિટીએ બે વર્ષ પહેલાં આ થીસિસમાં તેમના વડા પ્રધાનપદની કાર્યપદ્ધતિ ઉમેરવાનું પણ સૂચન કરતાં છેલ્લા તબક્કામાં મેહુલ ચોકસીએ એ કામ પણ કરી લીધું, જેને લીધે કામમાં બે વર્ષ વધારે લાગી ગયાં. જોકે એવું થયા પછી તેમને પોતાને લાગ્યું કે આખો નિબંધ વાજબી રીતે પૂર્ણ થયો છે. મેહુલ ચોકસીએ કહ્યું હતું કે ‘હું કહીશ કે નરેન્દ્ર મોદી માત્ર પૉલિટિકલ લીડર નથી. તેમનામાં બેસ્ટ બ્યુરોક્રેટ્સની પણ બધી ક્વોલિટી છે એટલે તે ખૂબ સારી રીતે યોજનાઓને સરળ કરી શકે છે.’

surat narendra modi gujarat