બનાસકાંઠાનાં 12 ગામની દીકરીઓને મોબાઇલની ના

17 July, 2019 03:25 PM IST  |  દાંતીવાડા | રશ્મિન શાહ

બનાસકાંઠાનાં 12 ગામની દીકરીઓને મોબાઇલની ના

પ્રતીકાત્મક તસવીર

ટેક્નૉલૉજીના સમયમાં પણ સંસ્કાર અને પરિવારની આમન્યા જળવાઈ રહે એવા શુભાશય સાથે બનાસકાંઠાના દાંતીવાડાની હદમાં આવતાં બાર ગામોના ક્ષત્રિય ઠાકોર સમાજે સમાજમાં ફેલાઈ રહેલાં દૂષણો સામે ઝીંક ઝીલવા ૯ મુદ્દાનું બંધારણ બનાવ્યું હતું જેને સર્વસંમતિ સાથે સ્વીકારવામાં પણ આવ્યું. આ ૯ મુદ્દાના બંધારણમાં એક મુદ્દો ભયંકર છે અને ખાપ મેન્ટાલિટીનું પ્રતિબિંબ પાડે છે. આ ૧૨ ગામની ૧૮ વર્ષથી નાની કે પછી મૅરેજ ન કર્યાં હોય એવી દીકરીઓએ મોબાઇલ રાખવો નહીં. જો આવી દીકરીઓ પાસેથી મોબાઇલ મળે તો સમાજ જે નિર્ણય લેશે એ દીકરીનાં માબાપે માન્ય રાખવો પડશે. ઠાકોર સેનાના અલ્પેશ ઠાકોરે કહ્યું હતું કે ‘આજકાલ જે પ્રકારનું સાહિત્ય મોબાઇલ પર ફરે છે એ જોતાં આ નિર્ણય મને ખોટો નથી લાગતો, પણ હા, હું એમાં એક સુધારો સૂચવું છું કે માત્ર ૧૮ વર્ષથી નાની દીકરી જનહીં, દીકરાઓને પણ મોબાઇલ ન રાખવા દેવો જોઈએ. મેં સમાજને આ વાત કરી છે, સમાજ હવે નિર્ણય કરશે.’

અલ્પેશ ઠાકોરે આ પ્રકારે આ નિર્ણયને વધાવ્યો છે તો આ ૧૨ ગામ જે વિસ્તારમાં આવ્યાં છે એ વાવ ગામનાં વિધાનસભ્ય ગેનીબહેન ઠાકોરે સહર્ષ નિર્ણયને સ્વીકાર્યો હતો અને કહ્યું હતું કે ‘ટેક્નૉલૉજીના સમયમાં દીકરીઓના હાથમાં લગ્ન પહેલાં મોબાઇલ ન મૂકવા જોઈએ. આ સારો નિર્ણય છે અને બધાએ એ પાળવો જોઈએ.’

દાંતીવાડાના જેગોલ, કોટડા, ગાંગુદ્રા, ઓઢવા, હરિયાવાડા, માલપુરિયા, શેરગઢ, તાલેપુરા, રણોલ, રતનપુર, ધાનેરી અને વેળાવાસ ગામના ક્ષત્રિય ઠાકોર સમાજે બંધારણ ઘડવા જેગોલ ગામમાં આ નિયમ બનાવ્યા હતા. લગ્ન પહેલાં મોબાઇલ નહીં એ નિર્ણયની સાથોસાથ બીજો એક નિર્ણય એ પણ લેવાયો છે કે જે દીકરી-દીકરો ભાગીને લગ્ન કરે તેનાં માબાપે રોકડમાં દંડ ભરવાનો રહેશે. દીકરીના પિતાએ દોઢ લાખ રૂપિયા અને દીકરાના પિતાએ બે લાખ રૂપિયા દંડ ભરવાનો રહેશે. દંડની આ રકમ સમાજોપયોગી કામમાં અને ગામના વિકાસ માટે વપરાશે. જો બન્ને ઠાકોર સમાજનાં જ દીકરા-દીકરી હોય તો બન્ને પક્ષે દંડ ભરવો એવી પણ સ્પષ્ટતા કરવામાં આવી છે.

આ બે ‌વિવાદ સર્જી શકે એવા મુદ્દાઓ ઉપરાંતના જે મુદ્દાઓ છે એ મુદ્દાઓ ખરેખર હકારાત્મક છે, જેમાં હવે પછી લગ્ન સમયે ડીજે બોલાવીને અવાજનું પ્રદૂષણ ન કરવું, ફટાકડા નહીં ફોડીને પર્યાવરણની રક્ષા કરવી, વરઘોડા નહીં કાઢવા, સામાજિક પ્રસંગોમાં ઓઢણી કે વાસણ નહીં આપીને એને બદલે રોકડમાં વ્યવહાર કરવો, મરણ વખતે કફન નજીકનાં સગાં માત્ર નહીં, પણ જેકોઈ ઇચ્છે એ લાવી શકે એ માટેની છૂટ પણ આ મુદ્દામાં લેવામાં આવી છે. સૌથી સારો નિર્ણય જો કોઈ લેવાયો હોય તો એ સંપની બાબતમાં છે.

જે ઘરમાં ભાઈઓ વચ્ચે વિખવાદ હોય તે ઘરના કોઈ પણ શુભ પ્રસંગમાં તે ભાઈઓનાં સગાંવહાલાંઓએ જવું નહીં જેથી બન્ને ભાઈઓ વિખવાદ ભૂલીને ફરીથી સંબંધો આગળ વધારે અને પ્રેમભાવથી રહે.

આ પણ વાંચો : અલ્પેશ ઠાકોર ગુરુવારે ભાજપમાં જોડાશે, પ્રધાનપદ સામે પ્રશ્નાર્થ

૯ મુદ્દાના આ કાર્યક્રમમાં લગ્ન માટે સંતાન ભાગી જાય તો દંડ અને લગ્ન પહેલાં દીકરીને મોબાઇલ નહીં આપવાનો જે નિર્ણય લેવાયો છે એ દેખીતી રીતે આપણને વિરોધ કરવા જેવો લાગે, પણ ક્ષત્રિય ઠાકોર સમાજનાં આ ૧૨ ગામોની ચોવીસીએ એટલે કે ચોવીસ મોવડીએ અને ગામના સર્વજનોએ હસતા મોઢે માન્ય રાખ્યો છે.

gujarat Rashmin Shah