સુરત ડાયમન્ડ ઇન્ડસ્ટ્રી મરવા પડી છે

22 August, 2019 11:54 AM IST  |  રાજકોટ | રશ્મિન શાહ

સુરત ડાયમન્ડ ઇન્ડસ્ટ્રી મરવા પડી છે

સુરત ડાયમન્ડ ઇન્ડસ્ટ્રીમાં મંદી

સુરતના હીરાની ચમક મંદીના ઓછાયા હેઠળ આવી ગઈ છે. ચીન-અમેરિકાની ટ્રેડ-વૉરના પગલે સુરતનો હીરાઉદ્યોગ મંદીની ઝપટમાં આવી ગયો છે. સુરતમાં રફ ડાયમન્ડની ખરીદી છેલ્લાં ૧૦ વર્ષના તળિયે છે. ટ્રેડ-વૉરને કારણે ચીનમાં મોંઘવારી વધતાં હીરાઉદ્યોગમાં તકલીફ સર્જાઈ છે. ચીન ભારતમાંથી પૉલિશ્ડ હીરાની ૪૦ ટકાથી વધુ ખરીદી કરે છે. હીરાઉદ્યોગની વાત માનીએ તો પૉલિશ્ડ હીરાના ૭૦,૦૦૦ કરોડ રૂપિયાના સ્ટૉક પર અત્યારે હીરાના વ્યાપારીઓ બેઠા છે અને એનું ઝટ વેચાણ નથી થઈ રહ્યું.

હીરાઉદ્યોગના માંધાતાઓનું કહેવું છે કે આને માટે માત્ર ટ્રેડ-વૉર નહીં, ભારત સરકારની નીતિઓ પણ એટલી જ જવાબદાર છે અને જો આવી જ સ્થિતિ રહી તથા સરકારે દરમ્યાનગીરી નહીં કરી તો સુરત ડાયમન્ડ ઇન્ડસ્ટ્રી માટે ફરી બેઠી થવાનું મુશ્કેલ છે.

હીરાઉદ્યોગની મંદી પાછળ રશિયા અને બ્રિટનના વેચાણની ખોટ પણ જવાબદાર છે. રશિયાની એલોરોસા અને લંડનની ડીબિયર્સના વેચાણમાં ૨.૫ અબજ ડૉલરની સંયુક્ત ખોટ જોવા મળી છે.

જાણકારોના મતે આ મંદી ૨૦૦૯ની હીરાઉદ્યોગની મંદી બાદ સૌથી મોટી મંદી છે. હીરાઉદ્યોગોની હાલત કફોડી બની રહી છે. છેલ્લા ૬ મહિનામાં સુરતમાં ૧૩,૦૦૦ કારીગરો બેકાર બન્યા છે, જ્યારે છેલ્લા ૬ મહિનામાં હીરાના ભાવમાં ૨૫ ટકાનો ઘટાડો નોંધાયો છે. સુરતના હીરાઉદ્યોગમાં હાલમાં ૪૦ ટકા જેટલું ઉત્પાદન ઘટ્યું છે.

સુરતમાં એપ્રિલથી જુલાઈના ત્રિમાસિક વેચાણમાં રફ ડાયમન્ડની આયાત ૨૮ ટકા ઘટી છે, જ્યારે રફ ડાયમન્ડની નિકાસના દરમાં પણ ૧૮ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા ઘણા સમયથી આંતરરાષ્ટ્રીય બજારમાં પૉલ‌િશ્ડ હીરાના ભાવ સતત ઘટી રહ્યા છે, એની સામે ખરીદી કરવાના રફ હીરાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે અને રફ તથા પૉલિશ્ડ હીરાના ખરીદ-વેચાણનો તાલમેલ ખોરવાયો છે, જેથી એ હીરાઉદ્યોગ માટે કપરી પરિસ્થિતિ લઈ આવ્યો છે.

કોણ શું કહે છે?

કારીગરોને વધુ સાચવી રાખવાનું કામ અઘરું છે

‘અત્યારે મોટા ભાગની ડાયમન્ડ ફૅક્ટરીમાં રફ ડાયમન્ડનું પૉલિશિંગ અટકી ગયું છે. પાંચ મહિનાથી આ પોઝિશન છે. આવી હાલત જો લાંબો સમય રહેશે તો સુરતની ડાયમન્ડ ઇન્ડસ્ટ્રીને નવેસરથી બેઠી થવામાં તકલીફ પડશે. અત્યાર સુધી બધાએ પોતાના કારીગરોને સાચવી રાખ્યા છે, પણ વધારે સમય સુધી સાચવી રાખવાનું કામ અઘરું છે.’

બાબુ ગુજરાતી (પ્રેસિડન્ટ, સુરત ડાયમન્ડ અસોસિએશન)

સરકાર કાંઈક કરે તો જ ઇન્ડસ્ટ્રી નવેસરથી ઊભી થાય

‘અગાઉ ૨૦૦૮-’૦૯માં આવી અસર દેખાઈ હતી, જે હવે ફરીથી જોવા મળી છે. દિવાળી સુધીનો સમય ખેંચવો અઘરો છે. અમે બનતા પ્રયત્નો કરીએ છીએ કે મૅક્સિમમ કારીગરોને સાચવી રાખીએ, પણ જ્યારે કામ જ ૪૦-૪૫ ટકા જેવું થઈ ગયું છે ત્યારે એ કરવું પણ અમારે માટે અઘરું છે. હવે ગવર્નમેન્ટ કોઈ સ્કીમ સાથે મધ્યસ્થી કરે તો જ ઇન્ડસ્ટ્રી નવેસરથી ઊભી થાય એવી શક્યતા છે.’

કૃષ્ણકાંત પટેલ (માલિક, રાધિકા ડાયમન્ડ)

આ પણ વાંચો : રોગચાળો અટકાવવા તંત્ર એક્શનમાં, ડે. સીએમ નીતિન પટેલે બોલાવી બેઠક

સરકારની નીતિઓ પણ આ પરિસ્થિતિ માટે જવાબદાર છે


‘છેલ્લા ૬ મહિના ઇન્ડસ્ટ્રી માટે સૌથી ખરાબ રહ્યા છે. પહેલી વખત એવો વિચાર આવે છે કે વહેલી તકે બીજી ઇન્ડસ્ટ્રીમાં શિફ્ટ થઈ જવું જોઈએ. ડાયમન્ડ ઇન્ડસ્ટ્રીમાં આવેલી મંદી પાછળ માત્ર ઇન્ટરનૅશનલ ટ્રેડ-વૉર જવાબદાર નથી. ઇન્ડિયન ગવર્નમેન્ટની પૉલિસી પણ એટલી જ જવાબદાર છે અને બીજાં ફૅક્ટર પણ કામ કરે છે.’

અશોક સવાણી (ડિરેક્ટર, આર. કે. ડાયમન્ડ્સ)

surat gujarat Rashmin Shah rajkot