હા...સાવજ પણ ઘાસ ખાય ખરો...પણ ક્યારે?

29 August, 2019 07:40 AM IST  |  રાજકોટ | રશ્મિન શાહ

હા...સાવજ પણ ઘાસ ખાય ખરો...પણ ક્યારે?

સિંહ

ગુજરાતના તુલસીશ્યામ પંથકમાં ત્રણ દિવસ પહેલાં એક એવી ઘટના ઘટી કે જે જોઈને સૌ કોઈ અચરજ પામી ગયા. આ વિસ્તારમાં લગભગ ચૌદ વર્ષની ઉંમરનો એટલે કે વૃદ્ધ કહેવાય એવો સિંહ ખુલ્લામાં આવીને ઉગેલું ઘાસ ખાતો હતો. એ વિસ્તારમાં ફરવા આવેલા કેટલાંક લોકોએ આ વીડિયો ઉતારી લીધો અને સોશ્યલ મીડિયા પર એ વીડિયોએ ધુમ મચાવી દીધી. વીડિયોમાં ચોખ્ખું દેખાય છે કે સિંહ ઘાસ ખાય છે અને એવું એક કે બેવાર નહીં પણ ત્રણ-ત્રણવાર દેખાય છે. જોતાં એવું જ લાગે છે કે સિંહ ખરેખર ઘાસ ખાય છે પણ આંખને જે દેખાય છે એ સાચું નથી એવું આ રેન્જના ફોરેસ્ટ ઓફિસર કે.ડી. ઠેસિયા કહે છે. કે.ડી. ઠેસિયાના કહેવા મુજબ, ‘આ સિંહની પ્રકૃતિ જ નથી. એ ભૂખ્યો પડી રહે એવું બને અને ભૂતકાળમાં બન્યું છે કે એ શિકાર કરવાને સક્ષમ ન હોય એટલે ભૂખ્યો નબળાઈના કારણે પડ્યો રહે અને વન વિભાગે એના માટે મારણની વ્યવસ્થા કરી હોય પણ સિંહ ઘાસ ખાય એવું બને જ નહીં. વીડિયોમાં જે દેખાય છે એ સિંહ એટલો વૃધ્ધ પણ ન કહેવાય કે એ નાના શિકાર ન કરી શકે.’

ગુજરાતના ફોરેસ્ટ મિનિસ્ટર ગણપત વસાવા સાથે આ બાબતમાં વાત થઈ ત્યારે તેમણે પણ એ જ વાત કહેતાં કહ્યું કે, ‘મેં વીડિયો જોયો નથી પણ એ શક્ય જ નથી. પ્રકૃતિની વિરુધ્ધની આ વાત છે. વીડિયો જોયા પછી એવું શું કામ લાગે છે એ વિશે હું કહી શકું.’

આ પણ વાંચો : સુરત હવે થશે વધુ સુરક્ષિત, શહેર પોલીસનો છે આ પ્લાન

શું કહે છે વેટરનરી ડોક્ટર?

સિંહ ઘાસ ખાય છે એ વીડિયો જોઈને ગુજરાતના જાણીતા વેટરનરી ડોક્ટર કે.કે. પંડ્યાએ કહ્યું હતું, ‘વાઇલ્ફ લાઇફ એનિમલની દાંત સાફ કે ગળું સાફ કરવાની આ રીતે છે. એની હોજરીમાંથી ઘાસ પાછું આવે એટલે એ સમયે તે વૉમિટ કરીને ગળામાં અટવાયેલો કચરો સાફ કરી લેતો હોય છે. વાઇલ્ડ લાઇફ એનિમલ ઝાડના થડ સાથે પણ આ રીતે પોતાના દાંત ઘસતો દેખાતો હોય છે, એનાથી એ દાંતમાં ભરાયેલો ખોરાક કાઢી લેતો હોય છે. જોકે આવી પ્રવૃતિ એ સામાન્ય રીતે રાતના સમયે અને એકદમ એકાંતવાળી જગ્યાએ કરતો હોય છે એટલે એ જ્વલ્લે જ બીજાને જોવા મળે છે. બને કે આ વ‌ીડિયો સમયે પણ એ જ ચાલી રહ્યું હોય અને એનો પ્રભાવ એવો પડતો હોય કે સિંહ ઘાસ ખાય છે.’

gujarat rajkot Rashmin Shah