આગમાં જીવ ગુમાવનારા બાવીસ સ્ટુડન્ટ્સની કાલે સુરતમાં અસ્થિયાત્રા નીકળી

08 July, 2019 07:40 AM IST  |  સુરત | રશ્મિન શાહ

આગમાં જીવ ગુમાવનારા બાવીસ સ્ટુડન્ટ્સની કાલે સુરતમાં અસ્થિયાત્રા નીકળી

બાવીસ સ્ટુડન્ટ્સની ગઈ કાલે સુરતમાં અસ્થિયાત્રા નીકળી

૨૪ મેએ સુરતના તક્ષશિલા આર્કેડ નામના બિલ્ડિંગમાં લાગેલી આગને કારણે જીવ ગુમાવનારા આર્કિટેક્ચર અને ફૅશન-ડિઝાઇનિંગની તૈયારી કરી રહેલા બાવીસ સ્ટુડન્ટ્સની ગઈ કાલે અસ્થિયાત્રા સુરતના ૨૩ રાજમાર્ગો પરથી પસાર થઈ હતી. તક્ષશિલા આર્કેડ એટલે કે ઘટનાસ્થળથી જ કાઢવામાં આવેલી આ અસ્થિયાત્રા વરાછા વિસ્તારના યોગી ચોક, સ્પિનિંગ મિલ, મિની બજાર થઈને ખોડિયાર નગર રોડથી પસાર થઈ વલ્લાભાચાર્ય રોડ પસાર કરીને હીરાબાગ આવી હતી. અસ્થિયાત્રામાં બાળકોના પરિવારજનો તો હતા જ, એ સિવાય પણ આ યાત્રામાં સુરતના હજારો લોકો જોડાયા હતા. યાત્રા જેકોઈ વિસ્તારમાંથી પસાર થતી હતી એ વિસ્તારમાં સ્વયંભૂ રીતે દુકાનો અને શો-રૂમ બંધ કરી દેવામાં આવતાં હતાં તો રસ્તા પરનો વાહનવ્યવહાર પણ આપોઆપ રોકાઈ જતો હતો. અસ્થિયાત્રા માટે ખાસ ડિઝાઇન કરેલો ટેમ્પો તૈયાર કરવામાં આવ્યો હતો જેમાં અંદરના ભાગ પર જીવ ગુમાવનારાં બાવીસ બાળકોના ફોટો રાખવામાં આવ્યા હતો તો બહારની બાજુએ પોસ્ટર લગાડવામાં આવ્યાં હતાં. જીવ ગુમાવનારી ગ્રિષ્મા નામની દીકરીના પપ્પા જયસુખ ગજેરાએ કહ્યું હતું કે ‘સરકારની ભૂલને કારણે અમારે અમારાં સંતાનો ગુમાવવાં પડ્યાં પણ બીજા કોઈએ ગુમાવવાં ન પડે અને બધા નિયમોનું પાલન યોગ્ય રીતે થતું રહે એ વાત તાજી કરાવવા માટે જ અમે આ અસ્થિયાત્રાનું આયોજન કર્યું છે. આવા કાર્યક્રમ અમે કરતા રહીશું જેથી બીજાં બાળકોએ આ રીતે જીવ ગુમાવવો ન પડે.’

આ ઘટનાની તપાસ હજી ચાલુ છે અને એના આરોપીઓને કોઈ સજા થઈ નથી એટલે એ કેસની તપાસ આગળ વધે અને નાના લોકોની ધરપકડથી સંતોષ માનવાને બદલે સાચા ગુનેગારોને જલદી પકડવામાં આવે એવી માગણી પણ આ પરિવાર દ્વારા કરવામાં આવી રહી છે. જીવ ગુમાવનારી હસ્તીના પરિવારજન મહેશ વેકરિયાએ કહ્યું હતું કે ‘અમે ભૂલ કરી કે બધી સુવિધા છે કે નહીં એની તપાસ બરાબર ન કરી, પણ એકેક પેરન્ટ્સને અમે કહીએ છીએ કે તમારા સંતાનની સ્કૂલ, કૉલેજ અને ટ્યુશન ક્લાસને બરાબર જોજો અને પછી જ સંતાનોને ત્યાં મોકલજો.’

સાથે ભણવા ગયેલા આ સ્ટુડન્ટ્સ સાથે નીકળેલી અસ્થિયાત્રા ભલભલાની આંખ ભીની કરી દેતી હતી.

આ પણ વાંચો : જંગલમાં સિંહ બાદ હવે 50 મોરના મોત, રાષ્ટ્રીય પક્ષીના મોતથી ચકચાર

આ અસ્થિયાત્રા માટે ટ્રાફિકથી માંડીને તમામ પ્રકારના નિયમોને ગઈ કાલના દિવસ પૂરતા રદ કરી નાખવામાં આવ્યા હતા જેને કારણે યાત્રા શહેરના ત્રણ વનવેમાંથી પણ પસાર થઈ હતી.

surat gujarat Rashmin Shah