રાજ્યમાં રોગચાળો વકર્યો, રાજકોટમાં 1 મહિનામાં 21 હજાર કેસ નોંધાયા

21 August, 2019 08:28 AM IST  |  રાજકોટ

રાજ્યમાં રોગચાળો વકર્યો, રાજકોટમાં 1 મહિનામાં 21 હજાર કેસ નોંધાયા

પ્રતીકાત્મક તસવીર

વરસાદના વિરામ બાદ રાજ્યમાં રોગચાળો વકર્યો છે. રાજ્યનાં મોટાં શહેરોમાં તાવ-શરદી, ઝાડા-ઊલટીના કેસો જોવા મળી રહ્યાં છે. રાજ્યનાં મહાનગરોમાં મચ્છરજન્ય રોગચાળો પણ વકર્યો છે. રાજ્યના મહાનગર રાજકોટમાં જ છેલ્લા એક મહિનામાં ૨૧ હજાર કેસો નોંધાયા છે, જ્યારે અમદાવાદ શહેરમાં છેલ્લા ૧૭ દિવસમાં ૧૩૦૦થી વધુ કેસ નોંધાયા છે.

ઉઘાડ નીકળતાં મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. મચ્છરોના કારણે અમદાવાદ શહેરમાં મલેરિયાના ૪૯૫ કેસો નોંધાયા છે, જ્યારે ૧૩ દિવસમાં ડેન્ગીના ૭૮ કેસો નોંધાયા છે. રાજકોટ શહેર પણ રોગચાળાના ભરડામાં છે.

રાજકોટ શહેરમાં છેલ્લા એક મહિનામાં રોગચાળાના ૨૧ હજાર કેસો નોધાયા છે. શહેર રોગચાળાના ભરડામાં સપડાતાં તંત્ર સાબદું થયું છે. રાજકોટ શહેરમાં ડ્રેનેજની ૩૫૦૦ ફરિયાદનો નિકાલ કરવામાં આવ્યો છે. ગઈ કાલે રાજકોટ મહાનગરપાલિકાએ ફુટ, માઉથ, હૅન્ડ ડિસીઝ સામે જાગૃતિ પ્રસરાવવા એક માર્ગદર્શિકા બહાર પાડી છે.

સ્કૂલનાં બાળકોને હાથ-પગનો દુખાવો જણાય તો તાત્કાલિક રજા આપવા માટે જણાવાયું છે. આવા જ હાલ રાજ્યના મહાનગર સુરતના છે. સુરતમાં પણ ઘેર-ઘેર માંદગીના ખાટલા જોવા મળી રહ્યા છે. શહેરમાં તાવ-શરદી વાઇરલ ઇન્ફેક્શનના ઢગલાબંધ કેસો નોંધાયા છે.

વડોદરામાં રોગચાળો ફાટ્યોઃ ૧૫ દિવસમાં ૭૦૦૦થી વધુ કેસ નોંધાયા

વડોદરામાં વરસાદ અને પૂર બાદ ફાટી નીકળ્યો છે પાણીજન્ય રોગચાળો. છેલ્લા ૧૫ દિવસમાં ૭૦૦૦થી વધુ લોકોને ઝાડાઊલટી તો ૧૫ હજારથી વધુ લોકોને તાવ આવ્યો છે. પરંતુ મચ્છરજન્ય રોગચાળો જેવો કે મલેરિયા, ડેન્ગી અને ચિકનગુનિયાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. ચાલુ માસમાં માત્ર મલેરિયાના ૧૬ કેસ કૉર્પોરેશનના ચોપડે નોંધાયા છે, જ્યારે ડેન્ગી કે ચિકનગુનિયાનો કેસ નથી નોંધાયો.

વડોદરાની સરકારી એસ.એસ.જી. હૉસ્પિટલમાં દરદીઓની લાંબી લાઇનો જોવા મળી રહી છે. લોકોનો કલાકો બાદ નંબર આવી રહ્યો છે. શહેરનાં ખાનગી દવાખાનાંના પણ આવા જ હાલ છે. શહેરના વારસિયા, યાકુતપુરા, નવાયાર્ડ, આજવા રોડ, વાઘોડિયા રોડ, છાણી સહિત અનેક વિસ્તારમાં રોગચાળો ફેલાયો છે.

આ પણ વાંચો : રોગચાળો અટકાવવા તંત્ર એક્શનમાં, ડે. સીએમ નીતિન પટેલે બોલાવી બેઠક

જોકે રોગચાળોની વચ્ચે કૉર્પોરેશન દાવો કરી રહ્યું છે કે તેમણે બે લાખથી વધુ પરિવારનો સર્વે કર્યો છે. ૮૦૦૦ દરદીઓની તપાસ કરી છે. ઓ.આર.એસ.નાં ૭૫૦૦ પૅકેટ, ૧ લાખ ૧૫ હજાર ક્લો‌રિનની ગોળીઓ લોકોને આપી છે. સાથે જ ૧૪૫ મેડિકલ ઑફિસર, ૩૫૪ પૅરામેડિકલનો સ્ટાફ કાર્યરત છે ત્યારે સવાલ એ છે કે તંત્ર આટલી મોટી કાર્યવાહી કરી રહ્યું છે તો હજારોની સંખ્યામાં દરદીઓ હૉસ્પિટલમાં કેમ ઊભરાઈ રહ્યા છે.

ahmedabad vadodara rajkot gujarat