દક્ષિણ ગુજરાતમાં મેઘમહેરઃ વાપીમાં 11.4 ઇંચ, તાલાલામાં 6 ઇંચ વરસાદ

06 September, 2019 08:23 AM IST  |  રાજકોટ

દક્ષિણ ગુજરાતમાં મેઘમહેરઃ વાપીમાં 11.4 ઇંચ, તાલાલામાં 6 ઇંચ વરસાદ

ગુજરાતમાં ભારે વરસાદ

હવામાન વિભાગે રાજ્યમાં ભારે વરસાદ પડવાની આગાહી કરી છે ત્યારે સૌરાષ્ટ્રમાં આજે સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. રાજુલા પંથકમાં સતત મેઘરાજા મહેરબાન બન્યા હોય તેમ વહેલી સવારથી જ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. રાજુલાનાં નવા આગરિયા, મોટા આગરિયા સહિત ગામોમાં ધોધમાર વરસાદ પડતાં સ્થાનિક નદીઓમાં પૂર આવ્યાં હતાં. વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. તેમ જ ખાંભા પંથકમાં આજે સવારે ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હતો. તાલાલા અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર ૬ ઇંચ વરસાદ વરસતાં રસ્તાઓ અને ખેતરો પાણી-પાણી થઈ ગયાં હતાં. સુત્રાપાડામાં દોઢ ઇંચ અને વેરાવળ, ગીરગઢડામાં એક ઇંચ વરસાદ નોંધાયો છે. રાજકોટમાં પણ એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગની આગાહીને પગલે અમરેલી જિલ્લા કલેક્ટરે ૧૧ તાલુકા મથકો પર મામલતદાર, ટીડીઓ અને ચીફ ઑફિસરને સ્ટૅન્ડ ટુ રહેવા લેખિતમાં સૂચના આપી છે. જિલ્લા કન્ટ્રોલ રૂમ સાથે સંકલનમાં રહેવાની પણ સૂચના આપી છે. ગ્રામ્ય વિસ્તારોમાં તલાટી મંત્રીઓને કોઝવે પર પાણી ભરાય તો કોઝવે પર વ્યવસ્થા કરવાની સૂચના આપી છે.

ખાંભાના ડેડાણ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજા બીજા દિવસે પણ મહેરબાન થયા છે. ખાંભાના ગ્રામ્ય વિસ્તારો રાયડી, પાટી, રાણીંગપરા, સરાકડયા, કોદ‌િયા સહિતનાં ગામોમાં સવારે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદથી ડેડાણની અશોક નદીમાં પ્રથમ વખત પૂર આવતાં મોટી સંખ્યામાં લોકો જોવા ઊમટ્યા હતા.

અમરેલી ગીર વિસ્તારોમાં મેઘરાજાની મહેર યથાવત્ છે. જંગલ વિસ્તારમાં સવારે સાડાદસથી બાર વાગ્યા સુધીમાં બે ઇંચ વરસાદ પડતાં શિંગોડા ડૅમ ઓવરફ્લો થયો છે. પાણીની આવક વધતાં શિંગોડા ડૅમનો એક દરવાજો ૩૦ સેન્ટ‌િમીટર સુધી ખોલવામાં આવ્યો છે. દીવમાં પણ ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. ઉનાના વાવરડા, પાતાપર, ઉમેજ, ભાચા, ભડીયાદર, કાંધી તથા પડાપાદર ગામમાં ધોધમાર વરસાદ પડતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં. ખાંભામાં બે ઇંચ વરસાદ વરસતાં શેરીઓમાં પાણી ભરાઈ ગયાં હતાં. ઉમેજ ગામમાં વરસાદને કારણે કાચું મકાન ધરાશાયી થયું હતું. મકાન ધરાશાયી થતાં કોઈ જાનહાનિ સર્જાઈ નથી. ઘરના તમામ લોકો વાડીએ હતા. ગીરગઢડામાં રાવલ નદી અને શાહી નદીમાં ઘોડાપૂર આવ્યું હતું.

આ પણ વાંચો : આગામી ત્રણ દિવસ ગુજરાત-મહારાષ્ટ્ર સહિત અહીં પડશે વરસાદ

શહેરમાં છેલ્લા ૩ દિવસથી પડી રહેલા ભારે વરસાદના કારણે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો જેથી રોગચાળો ન ફેલાય. મહાનગરપાલિકાની ટીમે ૪૪૨૯ ઘરોમાં પોરાનાશક દવાનો છંટકાવ કર્યો હતો અને ૯૬૦ ઘરોમાં ફૉગ‌િંગની કામગીરી કરી હતી. શહેરમાં ફૉગ‌િંગ, દવા છંટકાવની કામગીરી હાથ ધરાઈ છે.

gujarat Gujarat Rains rajkot