2019ની અંતિમ ક્ષણોનું ઉત્કૃષ્ટ ઉદાહરણ: માધવને મળી ગઈ યશોદામૈયા

01 January, 2020 08:57 AM IST  |  Rajkot | Rashmin Shah

2019ની અંતિમ ક્ષણોનું ઉત્કૃષ્ટ ઉદાહરણ: માધવને મળી ગઈ યશોદામૈયા

યાદે: કમલેશભાઈ ભત્રીજા માધવ સાથે અને યશોદાબહેન સગા દીકરા ખુશાલ સાથે.

શનિવારે ત્રણ વર્ષનો ખુશાલ ગુમ થયા પછી સોમવારે સાથે જ રહેતી તેની સગી ભાભુ પારુલે કબૂલી લીધું કે ખુશાલની હત્યા બીજા કોઈએ નહીં, પણ પોતે જ કરી છે અને તેનો મૃતદેહ પણ શહેરના કોઠારિયા રોડ પર આવેલા એક ડસ્ટબિનમાંથી કાઢી આપ્યો હતો. પારુલને સાડાત્રણ વર્ષનો એક દીકરો માધવ છે, તો દેરાણી યશોદાને પણ ત્રણ વર્ષનો ખુશાલ નામનો દીકરો હતો.

નિષ્ઠુરઃ સગા ભત્રીજાનું મર્ડર કરનાર પારુલ

ખુશાલને વધારે લાડકોડથી રાખવામાં આવે છે એવું સતત લાગતું હોવાથી પારુલે ખુશાલની હત્યા કરી નાખી હતી. આ આખી ઘટનાથી સામાન્ય લોકોમાં જ નહીં, પોલીસ ડિપાર્ટમેન્ટમાં પણ અરેરાટી પ્રસરી ગઈ છે. જોકે ગઈ કાલે જે બન્યું એનાથી ભલભલાની આંખોમાં આંસુ આવી ગયાં હતાં અને યશોદા માટેનું માન અનેકગણું વધી ગયું છે. માધવની મમ્મીની પોલીસે અરેસ્ટ કરતાં માધવ એકલો પડી ગયો, પણ ગઈ કાલે યશોદાબહેને તેને સ્વીકારતાં સૌકોઈને સુખદ આશ્ચર્ય થયું હતું.

જેની હત્યા થઈ એ ખુશાલનો ગઈ કાલે બર્થ-ડે હતો. જન્મદિને ખુશાલની યાદમાં ગરીબ બાળકોમાં ચૉકલેટ વહેંચ્યા પછી યશોદાએ કહ્યું હતું કે માધવને ક્યાંય બીજે જવાની જરૂર નથી, તે અમારા ઘરમાં અમારી સાથે જ રહેશે. હું હવે તેની મા બનીને રહીશ.

આ પણ વાંચો : રાજકોટ : 2020ની પહેલી સવારે ગુજરાત બનશે કાશ્મીર

પારુલની અરેસ્ટ પછી તેના હસબન્ડ અને ખુશાલના ભાઈ મનસુખભાઈએ તેની પત્ની સાથે કોઈ સંબંધ નહીં રાખવાનું નક્કી કર્યું છે. પારુલબહેનના દિયર અને માધવના કાકા કમલેશભાઈએ કહ્યું હતું કે જેકાંઈ બન્યું છે એ અમારે માટે ખરેખર શોકજનક છે. અમે બાળકો વચ્ચે ક્યારેય કોઈ મતભેદ રાખ્યો નથી. ઘરમાં રમકડાં પણ બે આવે. એકની જરૂરિયાત હોય તો પણ બીજા માટે વસ્તુ લેવાની જ એવો નિયમ રાખ્યા પછી પણ કેમ ભાભીને આવું લાગ્યું એ અમને સમજાતું નથી, પણ હવે અમે એના વિશે વધારે વાત કરવા નથી માગતા. માધવને સારું શિક્ષણ મળે એ અમારું ધ્યેય છે.

gujarat rajkot