ચોટીલા પહોંચ્યા ગીરના સાવજ

20 November, 2019 08:38 AM IST  |  Chotila | Jignesh Shah

ચોટીલા પહોંચ્યા ગીરના સાવજ

પ્રતીકાત્મક તસવીર

સુરેન્દ્રનગરના ચોટીલા તાલુકાના આણંદપુર પંથકના ધારેઈ, રામપરા (ચોબારી) તેમ જ નજીકના વીંછિયા તાલુકાના ઢેઢૂકી પંથકમાં મારણ થતાં ૬ દિવસની જહેમત બાદ સિંહ અને સિંહણ હોવાની વાતને આજે ઝાલાવાડના વન-વિભાગે પુષ્ટિ આપી હતી.

છેલ્લા એક સપ્તાહથી પશુનાં મારણ થતાં હોવાની ખેડૂતોની રાવ હતી. વન-વિભાગની ટીમ દીપડાની વસ્તી આ પંથકમાં હોવાથી પાંજરાં ગોઠવીને પકડવાની ફિરાકમાં હતી, પરંતુ ગઈ કાલે રાતે ઢેઢૂકી વિસ્તારમાં સિંહણ અને ડાલામથાને જોતાં અંતે એશિયાટિક લાયન ચોટીલા તાલુકામાં પ્રવેશ્યા હોવાની પુષ્ટિ સાથે ખેડૂત અને લોકોમાં તકેદારી અને જાગૃતિ ફેલાવવા એક પ્રેસનોટ બહાર પાડવામાં આવી હતી

સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ સિંહણે ૧૬થી ૧૮ નવેમ્બર દરમ્યાન ચાર પશુનાં મારણ કર્યાં છે જેમાં ચોટીલાના ધારેઇ ગામના ડૅમ નજીક, વીંછિયાના ઢેઢૂકી ગામે અને ચોટીલાના રામપરા (ચોબારી) ગામે બે મળીને ચાર પાડા-પાડીનાં મારણ કર્યાં છે તેમ જ વીંછિયા તાલુકાના અજમેર ગામે પાડા પર હુમલો કર્યો હતો, પરંતુ પશુપાલકે બૂમાબૂમ કરી મૂકતાં શિકાર છોડીને નાસી ગયો હતો.
 
ઉપરાઉપરી વીંછિયા ચોટીલા તાલુકાની બૉર્ડર પરનાં ગામડાઓના સીમ વિસ્તારમાં મોડી રાત અને પરોઢ વચ્ચે સિંહણનાં મારણને કારણે પશુઓનો શિકાર થતાં અને ખેડૂતોને સિંહપરિવાર દેખા દેતાં ફફડાટ વ્યાપ્યો છે. સાવજની પંચાળમાં પધરામણી થતાં વન-વિભાગ અને વન્યપ્રેમીઓ આનંદની લાગણી અનુભવે છે. જે પંથકમાં સિંહણ છે એ વિસ્તારના રહેવાસીઓ અને ખેડૂતોમાં આવા વન્યજીવની લાક્ષણિકતા વિશેની જાગરૂકતાનો અભાવ છે. વન-વિભાગને લોકોને માહિતગાર કરવા તાબડતોબ અભિયાન ચલાવવું જરૂરી જણાય છે.

સિંહણ અને અઢી ત્રણ વર્ષનો સિંહ જોવા મળતાં સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી જિલ્લાની ચોટીલા, વીંછિયા, હિંગોળગઢ અને જસદણ રેન્જના ૨૫ જેટલા વન-કર્મચારીઓ કામે લાગ્યા છે.

અમરેલીના બાબરા કૉરિડોરથી વિખૂટા થઈને આવી ચડ્યા હોવાનું અનુમાન લાગાવાયું છે. ભૌગોલિકતાના જાણકારોએ જણાવ્યા અનુસાર આ ‌સિંહો બાબરા પંથકથી ખંભાળા, લીલિયા, જસદણ, વીંછિયા વચ્ચેની આડી લીટીમાં વીડી જંગલ વિસ્તારમાં મારણ કરતાં-કરતાં અહીં સુધી આવી પહોંચ્યાની શક્યતા છે. 
વન-વિભાગ દ્વારા ચોટીલા પંથકના વન્યપ્રેમીઓએ સિંહણના આગમનને હર્ષ સાથે સોશ્યલ મીડિયામાં વધાવીને વેલકમ કર્યું છે અને ગુજરાત સરકાર તથા વન-વિભાગને જણાવ્યું છે કે ચોટીલા નજીકના માંડવ જંગલમાં સિંહોનો કાયમી વસવાટ થઈ શકે એમ છે.

આ પણ વાંચો : નિત્યાનંદ આશ્રમ વિવાદમાં નવો વળાંક, DPS સ્કુલ શંકાના દાયરામાં આવી

દીપડા જેવા જંગલી પ્રાણીની વસ્તી પણ છે. અહીંની આબોહવા અને નૈસર્ગિકતા એશિયન લાયનને અનુરૂપ છે એનો પુરાવો નજીકના રામપરા વીડીમાં સિંહ બ્રિડિંગ સેન્ટરની સફળતા આપે છે. પંચાળના ઇતિહાસમાં પણ ૨૦૦ વર્ષ પહેલાં માંડવામાં સિંહનો વસવાટ હોવાની વાતનો ઉલ્લેખ છે એમ જણાવી ચોટીલા પંથકમાં યાત્રાધામની સાથે આ પ્રોજેક્ટ પર સરકાર ગંભીરતા દાખવે તો પ્રવાસ ધામ પણ આવતા દિવસોમાં વિકાસ પામે એમ હોવાની ઝુંબેશ સોશ્યલ મીડિયામાં ચલાવી છે.

gujarat