રાષ્ટ્રપતિ પહોંચ્યા કેવડિયા, ઇકો ફ્રેન્ડલી રેલવેસ્ટેશનનું કરશે ભૂમિપૂજન

26 December, 2018 12:12 PM IST  |  Kevadiya, Gujarat

રાષ્ટ્રપતિ પહોંચ્યા કેવડિયા, ઇકો ફ્રેન્ડલી રેલવેસ્ટેશનનું કરશે ભૂમિપૂજન

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાતના કેવડિયા પહોંચ્યા છે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને તેમના પત્ની સવિતા કોવિંદ આજે સવારે 10:30 વાગ્યે ગુજરાતના કેવડિયા પહોંચ્યા હતા. તેમણે વેલી ઓફ ફ્લાવર ખાતે પીપળાના વૃક્ષનું વાવેતર કર્યું હતું. આ ઉપરાંત તેઓ પ્રાર્થનાસભામાં પણ જોડાયા હતા. ત્યારબાદ તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટીની વિઝિટ કરી અને સરદાર વલ્લભભાઇ પટેલના ચરણોમાં પુષ્પાંજલિ કરી હતી. આ સાથે જ સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યૂઇંગ ગેલેરી પણ નિહાળી હતી. રાષ્ટ્રપતિ 20 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનારા દેશના પ્રથમ ગ્રીન ઇકો ફ્રેન્ડલી રેલવે સ્ટેશનનું આજે ભૂમિપૂજન કરશે. આ પ્રસંગે કોવિંદ સાથે કેન્દ્રીય રેલવે મંત્રી પિયુષ ગોયલ, ગુજરાતના ગવર્નર ઓપી કોહલી અને મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હાજર રહ્યા. આજે સવારે વડોદરા એરપોર્ટ પર મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાષ્ટ્રપતિનું સ્વાગત કર્યું હતું.

રાષ્ટ્રપતિ દેશના પ્રથમ ગ્રીન ઇકો ફ્રેન્ડલી રેલવે સ્ટેશનનું કરશે ભૂમિપૂજન

ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે દેશના પ્રથમ ઇકો ફ્રેન્ડલી રેલવે સ્ટેશનનું ભૂમિપૂજન કરશે. આ રેલવે સ્ટેશનની છત પર 200 કિલોવોટ વીજળી ઉત્પાદન કરતી સોલાર પ્લેટો લગાડવામાં આવશે. આ ઉપરાંત રેઇન વોટર હાર્વેસ્ટિંગ અને સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ઇકો વોટરલેશ બાથરૂમ, ઈસ્યુલેટેડ સીસા, દીવાલ બનાવવામાં આવશે. સ્ટેશન માસ્ટરની ઓફિસ, પ્રવાસીઓ માટે સામાન્ય પ્રતીક્ષા કક્ષ (વેઇટિંગ રૂમ), વીવીઆઈપી વેઇટિંગ રૂમ અને વિદેશી પ્રવાસીઓ માટે લોન્જ બનાવવામાં આવશે.

પ્રવાસીઓની સંખ્યા વધતા રેલવે સ્ટેશન બનાવવાનો નિર્ણય કરાયો

નર્મદા ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીને લઈને પ્રવાસીઓની ભીડ વધી રહી છે, જેના કારણે આ રેલવે સ્ટેશન બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ પહેલા પ્રવાસીઓની સુવિધા માટે ફોર લેન રોડ બનાવી દેવાયા છે અને હવે રેલવે જંક્શન પણ બનશે. જેમાં 18 કિલોમીટરની ડભોઇથી ચાંદોદની બ્રોડગેજ લાઈનને 32 કિ.મી. લંબાવી ચાંદોદથી સીધી કેવડિયા લઇ જવામાં આવશે.

ram nath kovind gujarat