વાયબ્રન્ટ ગુજરાત: અમારો મંત્ર રિફોર્મ, પર્ફોર્મ, ટ્રાન્સફોર્મ- મોદી

18 January, 2019 05:19 PM IST  |  અમદાવાદ

વાયબ્રન્ટ ગુજરાત: અમારો મંત્ર રિફોર્મ, પર્ફોર્મ, ટ્રાન્સફોર્મ- મોદી

વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં વડાપ્રધાન મોદી

પાંચ રાષ્ટ્રપ્રમુખો સહિત 125 મહેમાનોની હાજરીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ગાંધીનગરના મહાત્મા મંદિર પરિસરમાં નવમી વાયબ્રન્ટ ગુજરાત સમિટનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે વડાપ્રધાને કહ્યું કે અમારી સરકારનો મંત્ર રિફોર્મ, પર્ફોર્મ અને ટ્રાન્સફોર્મ છે. હવે તેમાં ફર્ધર પર્ફોર્મનો પણ ઉમેરો થયો છે. 

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, વાયબ્રન્ટ સમિટ હવે ગ્લોબલ ઇવેન્ટ થઈ ગઈ છે. આ સમિટે આત્મવિશ્વાસ વધારવાનું કામ કર્યું છે. અમે સહયોગી રાષ્ટ્રો અને સાથીદારોનું સ્વાગત કરીએ છીએ. આ સમિટ ફક્ત ભારત માટે જ નહીં પરંતુ આખા વિશ્વ માટે મહત્વની છે. 

મોદીએ કહ્યું કે છેલ્લા ચાર વર્ષોમાં અમે વર્લ્ડ બેંકના ડુઇંહ બિઝનેસ રિપોર્ટના ગ્લોબલ રેંકિંગમાં 65 સ્થાનોની છલાંગ લગાવી, પરંતુ અમે આજે પણ સંતુષ્ટ નથી. મેં મારી ટીમને હજુ પણ વધારે મહેનત કરવા માટે જણાવ્યું છે, જેથી ભારત આગામી વર્ષે ટોપ 50માં રહે.

મોદીએ કહ્યું- અમે સામાજિક, ઔદ્યોગિક અને કૃષિ માળખામાં પણ મોટા પાયે રોકાણ કરી રહ્યા છે, જેથી લોકોને ઊંચું જીવનધોરણ અને આવક મળી શકે. અમારી સરકારના કાર્યકાળ દરમિયાન 7.3 ટકાનો સરેરાશ જીડીપી દર 1991 પછીથી કોઈપણ ભારતીય સરકારના કાર્યકાળ દરમિયાનનો સૌથી વધારે છે. જ્યારે મોંઘવારીનો સરેરાશ દર પણ 4.6 ટકા છે જે 1991 પછી કોઈપણ ભારતીય સરકારના કાર્યકાળ દરમિયાન સૌથી ઓછો છે.

તેમણે કહ્યું કે અમે યુવાનોને રોજગાર ઉપલબ્ધ કરાવવા માટે ઉદ્યોગો-કારખાનાઓને પ્રમોટ કર્યા છે. મેક ઇન ઇન્ડિયા જેવી પહેલને સરકારના ડિજિટલ ઇન્ડિયા અને સ્કિલ ઇન્ડિયા જેવા કાર્યક્રમો દ્વારા સમર્થન આપવામાં આવ્યું. 

આ પહેલા ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ કહ્યું કે આગામી પાંચ વર્ષો દરમિયાન અમે ગુજરાતમાં 55 હજાર કરોડનું રોકાણ કરીશું. અહીંયા ઘણી યોજનાઓની શરૂઆત કરવામાં આવશે. તેમાં દુનિયાના સૌથી મોટા સોલાર પાર્ક, કોપર પ્લાન્ટ, સિમેન્ટ યુનિટ અને લિથિયમ બેટરી બનાવવાનું કારખાનું મુખ્ય છે. 

આ સમિટમાં દુનિયાના સવા સો દેશોના રાજદૂત, પ્રતિનિધિઓ સામેલ થયા છે. આ સમિટમાં નવા ભારતના નિર્માણમાં સહભાગી બનવાની ઇચ્છા દર્શાવવામાં આવી છે. નવમા વાઇબ્રન્ટ ગુજરાત મહોત્સવમાં આ વખતે 15 દેશો કંટ્રી પાર્ટનર બન્યા છે. દુનિયાના પ્રખ્યાત ઉદ્યોગપતિઓ સહિત રિલાયન્સ, અદાણી, મહિન્દ્રા વગેરે ઔદ્યોગિક સમૂહોએ ભારતના આર્થિક વિકાસની ગતિમાં ભાગીદાર બનવાની સાથે ગુજરાતમાં રોકાણની વિવિધ સંભાવનાઓ પ્રત્યે સંકલ્પ દર્શાવ્યો છે.

narendra modi gujarat