અમદાવાદમાં ૧૮ માળની હૉસ્પિટલનું મોદી કાલે કરશે લોકાર્પણ

16 January, 2019 07:45 AM IST  | 

અમદાવાદમાં ૧૮ માળની હૉસ્પિટલનું મોદી કાલે કરશે લોકાર્પણ

અમદાવાદમાં તૈયાર થયેલી સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ ઍન્ડ રિસર્ચ હૉસ્પિટલ.

દેશમાં પહેલી વાર પબ્લિક હૉસ્પિટલમાં ન્યુમૅટિક સૂટ સિસ્ટમ સાથે અમદાવાદમાં તૈયાર થયેલી સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ ઍન્ડ રિસર્ચનું વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવતી કાલે લોકાર્પણ કરશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સમી આ હૉસ્પિટલ અમદાવાદમાં તૈયાર થઈ છે. સંભવત: ગુજરાતની આ સૌથી મોટી પબ્લિક હૉસ્પિટલ બની રહેશે જેમાં એકસાથે ૯૦ કન્સલ્ટન્ટ ડૉક્ટરો OPDમાં દર્દીઓને તપાસશે. અહીં ૨૦ સ્પેશ્યલિસ્ટ વિભાગ હશે. એક રોગની સારવાર માટે અલગથી ૩૦ બેડ સાથેનો જનરલ વૉર્ડ હશે જેમાં એ જ રોગની સારવાર ઉપલબ્ધ થશે. OPDમાં ૧૫૦૦ જેટલા પેશન્ટ અને તેમનાં રિલેટિવ્સ બેસી શકે એવો વિશાળ વેઇટિંગ એરિયા બનાવ્યો છે અને ટોકન સિસ્ટમથી OPDમાં સારવાર મળશે જેથી ભીડ ન થાય. ૧૫૦૦ બેડની આ આધુનિક હૉસ્પિટલમાં ૩૨ ઑપરેશન થિયેટર હશે.

જનરલ વૉર્ડમાં સ્પેશ્યલ વૉર્ડ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે જેમાં પહેલી વાર પબ્લિક હૉસ્પિટલમાં અટેન્ડન્ટ બેડની સુવિધા ઉપલબ્ધ થશે. જનરલ વૉર્ડમાં ૩૦ બેડ હશે અને અલગ-અલગ ક્યુબમાં આ ૩૦ બેડ હશે જેથી દર્દીઓને મોકળાશ રહેશે. જનરલ હૉસ્પિટલમાં દર્દીના સગાને બેસવા માટે મુશ્કેલી પડતી હોય છે ત્યારે આ હૉસ્પિટલમાં જનરલ વૉર્ડમાં બેડની પાસે જ દર્દીના સગા માટે અટેન્ડન્ટ બેડની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે.

આ હૉસ્પિટલની ખાસ વિશેષતા એ છે કે જે-તે જનરલ વૉર્ડમાં એક જ રોગના દર્દીઓ હશે. જેમ કે જનરલ સર્જરી, મેડિસિન, ડર્મેટોલૉજી સહિતના રોગના અલગ જનરલ વૉર્ડ હશે.

સરકારી હૉસ્પિટલોમાં ગુજરાતની આ પહેલી ઍર ઍમ્બ્યુલન્સની સુવિધા સાથેની અને હેલિપૅડની સુવિધા સાથેની ૧૮ માળની સૌથી ઊંચી હૉસ્પિટલ શરૂ થશે.

આ પણ વાંચો : વી. એસ. હૉસ્પિટલને યથાવત રાખવા CMને રજૂઆત, સ્થાનિક ધારાસભ્યોએ આપ્યું આવેદન

ન્યુમૅટિક સૂટ સિસ્ટમ શું છે?

આ હૉસ્પિટલ ૧૮ માળની છે જેમાં ઍડ્મિટ કરેલા દર્દીના બધા જ રિપોર્ટ, મેડિસિન સહિતની દર્દીને લગતી વસ્તુઓ ઝડપથી મળી શકે એ માટે પબ્લિક હૉસ્પિટલમાં ભારતમાં પહેલી વાર ન્યુમૅટિક સૂટ સિસ્ટમ મુકાઈ છે. આ સિસ્ટમ અંતર્ગત એક ક્યુબમાં દર્દીઓના લૅબ રિપોર્ટ, દવાઓ સહિતની વસ્તુઓ માત્ર ૨૦થી ૩૦ સેકન્ડમાં દર્દીના બેડ સુધી પહોંચી જશે, જેથી પેશન્ટનાં રિલેટિવ્સને હાડમારી ન થાય તેમ જ દવાઓ કે રિપોર્ટ લેવા માટે ઉપરથી નીચેના ફ્લોર પર કે લૅબ સુધી દોડાદોડી ન કરવી પડે.

ahmedabad narendra modi